સાત દાયકા પૂર્વે આપણે આઝાદ થયા ત્યારે સંગઠિત ભારત-યુનાઈટેડ ઇન્ડિયાનું નિર્માણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે જુદા જુદા રજવાડાઓને પણ એક કર્યા હતા. તેને પરિણામે રાજકીય એકતાનું સપનું સાકાર થયું હતું, પરંતુ સંગઠિત ભારતનું બજાર એક થયું નહોતું. એન.ડી.એ.ની સરકાર ભારતના બજારોને પણ એક કે સંગઠિત કરવાનું ધ્યેય સિદ્ધ કરવા માટે સતત મથામણ કરી રહી છે. આ પગલું લઈને ઉત્પાદકોને સશક્ત બનાવવાનું અને ગ્રાહકોને પણ સમર્થ બનાવવાની તેમની નેમ છે. આ જ વિઝનને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એન.ડી.એ.ની સરકારે અનેક પગલા લીધા છે. તેના માધ્યમથી એક રાષ્ટ્ર એક બજારના ધ્યેયને સિદ્ધ કરવાની નેમ છે.
ઈ-નામ
કૃષિ ઉપજના બજારો માટેના તૈયાર કરેલા નિયંત્રણો મુજબ રાજ્ય સરકારો તેનો વહીવટ ચલાવી રહી છે. આ નિયંત્રણો હેઠળ રાજ્યના બજારો જુદા જુદા બજારોમાં વિભાજિત થયેલા છે. આ દરેક બજારનું અલગ અલગ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓ નિયમન કરે છે. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ પોતાના નિયંત્રણો અને માર્કેટ ફી લાગુ કરે છે. રાજ્યની અંદર પણ આ રીતે બજારો વિભાજિત થયેલા હોવાથી કૃષિ કોમોડિટીઓના મુક્ત વહનમાં અરોધ ઊભા થાય છે. એક માર્કેટ વિસ્તારમાંથી બીજા માર્કેટ વિસ્તારમાં આ વસ્તુઓ લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. આ રીતે કૃષિ ઉપજોનું એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરવા માટે તેમણે જુદા જુદા લોકોનો ઉપયોગ કરવો પડે છે અને જુદી જુદી એપીએમસીને ફી સહિતના ચાર્જ ચૂકવવા પડે છે. તેથી ગ્રાહકો પાસે તે કોમોડિટી પહોંચે ત્યારે તેના ભાવ ખાસ્સા વધી જાય છે. કોમોડિટીના ભાવમાં વધારો થાય છે, પરંતુ તેનો લાભ ખેડૂતોને જરાય મળતો જ નથી.
ઇ-નામના માધ્યમથી આ પડકારનો સામનો કરવામાં આવી રહ્યો છે. ઓનલાઈન ટ્રેડિંગ પ્રોગ્રામના માધ્યમથી સર્વને એક સમાન ટ્રેડિંગ પ્લેટફોર્મ આપવાની કોશિશ કરવામાં આવી છે. તેને પરિણામે રાજ્યના અને રાષ્ટ્રીય સ્તરે ખરીદનારાઓ અને વેચનારાઓ વચ્ચે એક સમાનતા ઊભી થાય છે. તેમ જ બજારમાં પુરવઠા અને માગ પ્રમાણે કોમોડિટીના સાચા અને વાસ્તવિક ભાવ મળી રહે છે. આમ માલના ખરીદી અને વેચાણ માટે થતી હરાજીની પ્રક્રિયા પારદર્શક બને છે. બીજી તરફ ખેડૂતને એક જ પ્લેટફોર્મ પરથી આખા દેશનું બજાર ઉપલબ્ધ થાય છે. આ સાથે જ કોમોડિટીની ગુણવત્તા પ્રમાણે ખેડૂતને તેના ભાવ મળી રહે છે. આ માલ વેચાય એટલે ખેડૂતને ઓનલાઈન જ તેનું પેમેન્ટ પણ મળી જાય છે. તદુપરાંત ગ્રાહકોને પણ વાજબી ભાવે સારી ગુણવત્તાવાળા ઉત્પાદનો મળી રહે છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
ભારતમાં જુદા જુદા અનેક વેરાઓ લાગે છે. એક જ દેશમાં એક કરતા વધુ વેરાઓ અને અનેક નિયમો લાગુ પડે છે. ઘણીવાર ચીજવસ્તુઓના ઉત્પાદકોએ વેરા પેટે ઘણી મોટી રકમ ચૂકવવી પડે છે. આ જ વેરાનો બોજ ગ્રાહકોને માથે જ જાય છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટી લાગુ કરવાને પરિણામે આ પરિસ્થિતિમાં બદલાવ આવશે. આખા દેશમાં એક કોમોડિટી પર એક સરખો જ ટેક્સ લાગશે.
ગુડ્સ એન્ડ સર્વિસના સપ્લાય પર લાગતો જીએસટી એક જ વેરો છે. મેન્યુફેક્ચરર્સથી માંડીને ગ્રાહક સુધીની સફરના તમામ વેરા તેમાં સમાવી લેવામાં આવ્યા છે. જે તે કોમોડિટીના મૂલ્યમાં વધારો થાય તેના પર જે વેરો ચૂકવવામાં આવે તે તબક્કે અગાઉ ચૂકવવામાં આવેલા વેરાની ઇન પુટ ટેક્સ ક્રેડિટ આપી દેવામાં આવશે. આમ દરેક તબક્કે વેલ્યુ એડિશન કરનારાએ જેટલી વેલ્યુનો ઉમેરો કર્યો હોય તેટલી જ રકમ પર તેમણે જીએસટી ભરવો પડશે. જીએસટીને કારણે આડકતરા વેરાઓ અને તેનું માળખું દેશભરમાં એક સમાન જ રહે તેની તકેદારી રાખવામાં આવશે. આ રીતે તેમાં નિશ્ચિતતા અને ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સુવિધા મળી રહેશે. સમગ્ર વેલ્યુ ચેઈનમાં કોઈપણ જાતના અવરોધ વિના ટેક્સ ક્રેડિટ પરત કરી દેવાની આ સિસ્ટમ છે. રાજ્યની સરહદો પણ તેમાં કોઈ જ અવરોધ ઊભો કરી શકશે નહીં. તેની સાથે જ અત્યારે જે વેરા પર વેરો લેવાય છે તે પણ લગભગ સંપૂર્ણપણે બંધ જ થઈ જશે. આ જ ગણતરી સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા ખાસ્સા વેરાઓનો તેમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ઇનપુટ ગુડ્સ અને સર્વિસ માટે કરવામાં આવેલા ખર્ચ પર ચૂકવવામાં આવેલા વેરાનો સંપૂર્ણ અને સર્વગ્રાહી સેટઓફ તેમાં મળી રહે છે. તેની સાથે જ કેન્દ્રીય વેચાણવેરો પણ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેથી સ્થાનિક સ્તરે પેદા કરવામાં આવેલા ગુડ્સ અને આપવામાં આવતી સેવાઓની કિંમતમાં ઘટાડો થઈ જશે. તેની સીધી અસર હેઠળ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ગુડ્સ અને સર્વિસીસની સ્પર્ધાત્મકતામાં વધારો થઈ જશે. પરિણામે ભારતની નિકાસમાં ખાસ્સો વધારો થશે. આ વ્યવસ્થા હેઠળ કાર્યક્ષમતામાં સુધારો થવાનો હોવાથી અને ખોટા વેરાઓનો ખર્ચ ઓછો થઈ જવાનો હોઈ કે અન્ય નુકસાન ઓછું થઈ જવાનું હોવાથી તમામ કોમોડિટીઝ પરના વેરાનો બોજ સમગ્રતયા ઘટી જશે. તેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. આમ એક રાષ્ટ્ર, એક ગ્રીડ અને એક ભાવનું સપનું સાકાર થશે.
ભારતની વીજવહનની ક્ષમતા અપૂરતી હોવાથી અને અનિયમિત રીતે વિતરીત થયેલી હોવાથી જરૂર કરતા વધુ વીજળી પેદા કરનારા રાજ્યોમાંથી વીજળીની અછત ધરાવતા રાજ્યોમાં વીજળીનું વહન કરવામાં ખાસ્સા અવરોધ આવતા હતા. દક્ષિણ ભારતના રાજ્યો ખાસ કરીને ઊનાળો તેની પરાકાષ્ઠાએ હોય તે તબક્કે ટ્રાન્સમિશન લાઈનમાં જરૂર કરતા વધુ વીજપુરવઠો જતા વીજ વહનની લાઈન - ટ્રાન્સમિશન લાઈન કન્જેસ્ટ થઈ જતી હોવાથી વીજળીના પુરવઠાની અછત અનુભવે છે. તેથી આ રાજ્યોમાં વીજળીના દર યુનિટદીઠ રૂા. 10થી વધી જાય છે. એન.ડી.એ.ની સરકાર દ્વારા ઉપલબ્ધ ટ્રાન્સમિશન ક્ષમતા 2013-14માં 3450 મેગાવોટ હતી તે અંદાજે 71 ટકા વધારીને 5900 મેગાવોટ કરી દેવામાં આવી છે. તેને પરિણામે વીજળીના યુનિટદીઠ દરમાં ખાસ્સો ઘટાડો આવ્યો છે.
વીજળીની કિંમત અને વધારાની વીજળી અંગેની માહિતી આમજનતાને વિદ્યુત પ્રવાહ નામની મોબાઈલ એપ્લિકેશન પર મળી રહે છે. આ એપ્લિકેશન પર રાજ્ય સરકારની વીજ કંપનીઓ કે રાજ્યની વીજ કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતી વીજળીના પ્રમાણનો ખ્યાલ પણ આપે છે. રાજ્ય સરકારે વીજળીની અછતની જાહેરાત કરી છે કે નહીં તેનો પણ ખ્યાલ આ મોબાઈલ એપ પર મળી શકે છે. વિદ્યુત પ્રવાહ એપમાં જુદા જુદા રાજ્યના વીજળીના વેચાણના દર પણ જાણી શકાય છે. ઘણીવાર ઘણા રાજ્યના વીજળીના દર એક સરખા હોય છે. સરકાર દ્વારા લેવામાં આવેલા જુદા જુદા પગલાઓને પરિણામે આ શક્ય બન્યું છે.
વીજવહનની ક્ષમતામાં વધારો કરી દેવામાં આવ્યો તેને પરિણામે જે રાજ્યોમાં ટૂંકા ગાળા માટે વીજળીની અછત સર્જાય તે તબક્કે તેઓ તેમની જરૂરિયાત મુજબની વીજળી નેશનલ ગ્રીડમાંથી ખરીદી શકે છે. સરકારે ડીપ (ડિસ્કવરી ઓફ એફિશિયન્ટ ઇલેક્ટ્રિસિટી પ્રાઈસ)ના નામથી ઇ-બિડિંગ (ઇલેક્ટ્રોનિક માધ્યમથી બિડિંગ કરતું) અને ઇ-રીવર્સ ઓક્શન (ઇલેક્ટ્રોનિક માધ્યમથી રીવર્સ ઓક્શન કરવાની વ્યવસ્થા કરતું) પોર્ટલ ચાલુ કર્યું છે. તેની મદદથી વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) ટૂંકાગાળા માટે વીજળી પ્રાપ્ત કરી શકે છે. સ્પર્ધાત્મક ભાવે આ રીતે વીજળી પ્રાપ્ત કરવાની સુવિધા મળી હોવાથી વીજવપરાશ કરતા ગ્રાહકોને તેનો સીધો ફાયદો થાય છે.
યુ.એ.એન.
અગાઉ કોઈ વ્યક્તિ પહેલીવાર જ નવી નોકરીમાં જોડાય તે વ્યક્તિને માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ કંપની દ્વારા ખોલાવવામાં આવતું હતું. આ ખાતામાં તેમના પ્રોવિડન્ટ ફંડના નાણાં જમા કરાવવામાં આવે છે. કર્મચારી તેની જોબ છોડી દે છે ત્યારે તેણે એક કરતા વધુ ફોર્મ ભરવા પડે છે. તેને પી.એફ. ઓફિસમાં જઈને અને પોતાની જૂની ઓફિસમાં જઈને તેને માટે જાતજાતની વિધિઓ કરવી પડે છે. જૂની ઓફિસના બોસ તેને મંજૂરી ન આપે તો તેને પ્રોવિડન્ટ ફંડ મેળવવામાં ખાસ્સી તકલીફ પડે છે. યુએએનની સિસ્ટમ અમલમાં મૂકી દેવાથી કર્મચારીઓની તકલીફ જોજનો દૂર ભાગી ગઈ છે. તેમાં કંપનીના માલિકોની કોઈ જ ભૂમિકા રહેતી નથી. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડની કચેરી અને જૂની કંપનીના માલિકો વચ્ચે સીધી જ માહિતીની આપ-લે થાય છે. તે માટે કર્મચારીએ કોઈ જ જફા કરવી પડતી નથી. હવે આપવામાં આવેલો યુ.એ.એન. કર્મચારી જેટલીવાર નોકરી બદલે તેટલીવાર તેની સાથે જ જાય છે. આ નંબર આજીવન તેનો જ નંબર રહે છે. કર્મચારી જ્યારે પણ નોકરી બદલે ત્યારે તેણે યુએએન નંબર આપી દેવાનો રહે છે. તેના જ ખાતામાં તેના પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થતી રહેશે. પરિણામે જુદી જુદી કંપનીના નાણાં એક ખાતામાં લાવીને પછી તેનો ઉપાડ કરવાની કડાકૂટમાંથી કર્મચારીને છૂટકારો મળી જાય છે.
સરકાર દ્વારા કરવામાં આવેલી આ પહેલ ભારતને અખંડિત બનાવવાની દિશામાં બહુ જ મોટી ભૂમિકા ભજવશે. તેને પરિણામે નાગરિકોનું જીવન સરળ બનશે.