પ્રિય મિત્રો,
રાષ્ટ્રીય મતદાર દિવસના ઉપક્રમે હું ખરા હૃદયથી તમારું અભિવાદન કરું છું!
આ શુભ દિવસે જ ભારતનું ચૂંટણી પંચ અસ્તિત્વમાં આવ્યું હોવાથી તેને મારી શુભેચ્છા પાઠવું છું. ભારતની લોકશાહીની સૌથી મહત્વપૂર્વ પ્રક્રિયા- ચૂંટણી માટે છેલ્લા છ દાયકાથી પોષક અને સંરક્ષકની કાર્યભૂમિકા નિભાવના ચૂંટણી પંચને હું અભિનંદન પાઠવું છું.
સર્વપ્રથમવાર 1952માં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ ચૂંટણી પ્રક્રિયાએ ઘણી લાંબી મજલ કાપી છે. ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપર ઉપરથી ઇવીએમ મશીનોના ઉપયોગ સુધી પહોંચી ગઇ છે, અગાઉ મતગણતરી એક દિવસથી વધુ સમય સુધી લંબાઇ જતી હતી, પણ હવે મતગણતરીના કલાકોમાં જ ચિત્ર સ્પષ્ટ થઇ જાય છે. પૂર્વે ચૂંટણીમાં ખૂબજ હિંસા થતી હતી. કેટલાક વિસ્તારોમાં બૂથ કેપ્ચરીંગની ઘટનાઓ પણ બનતી હતી અને ચૂંટણીને લગતી અન્ય ગેરરીતિઓ પણ થતી હતી, હવે તેનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે.
હા, પરિસ્થિતિ ખરેખર બદલાઇ છે! છતાં કેટલાક મુદ્દા આપણું ધ્યાન ચોક્કસ ખેંચે છે.
આજે જો સૌથી મહત્વનો મુદ્દો હોય તો તે છે મતદાર નોંધણીને વધુ વેગવાન બનાવવી. છેલ્લા કેટલાક સમયમાં યોજાયેલી ચૂંટણીઓના વિક્રમજનક પરિણામો આવ્યા છે. આ એક હકારાત્મક નિશાની છે છતાં હજુ પણ એવા લોકો છે, ખાસ કરીને યુવાનોએ કે જેઓએ મતદાન-લાયક હોવા છતાં મતદાર તરીકે નોંધણી કરાવી નથી. ચૂંટણી પંચ વધુને વધુ મતદાર નોંધણી કરવા બાબતે ખૂબજ સક્રિય છે, નાગરિકોના સહકારથી આપણે તેમાં વધુ સફળતા હાંસલ કરી શકીએ તેમ છીએ.
મોબાઇલ રજીસ્ટ્રેશન કિઓસ્ક જેવી વધુને વધુ સુવિધા આપી મતદારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવા આપણે વિચારવું જોઇએ.
મતદાર તરીકેની નોંધણી માટેનું ફોર્મ ભરવાથી માંડીને વોટર કાર્ડ મતદાર સુધી પહોંચવા સુધીનો સમયગાળો લાંબો છે. જો આ સમયગાળાને ટૂંકાવી શકાય અને નાગરિકોને તેમની અરજીઓની સ્થિતિની રજેરજની માહિતીથી પરિચીત રાખવામાં આવે તો તેનાથી વધુ ઉત્તમ બીજું કશું જ નહીં હોય. તેવી જ રીતે, આપણા સૈન્યમાં અથાકપણે ફરજ બજાવતા શૌર્યવાન જવાનો, ખાસ કરીને દેશના સીમાડાની રક્ષા કરતા જવાનો માટે પણ મતદાનની સુયોગ્ય સુવિધા ઉભી કરવી જોઇએ. આ સંદર્ભે કેટલીક કામગીરી જરૂર કરવામાં આવી છે, પરંતુ હજી પણ તેમાં ઘણું બધુ કરવાનું બાકી છે.
નાવીન્યતાસભર પદ્ધતિ અને વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ તથા ભવિષ્યને નજરમાં રાખીને ચૂંટણી પ્રક્રિયામાં ફરફાર કરવાની જરૂર છે. આપણે અસરકારક યુઝર ફ્રેન્ડલી ઓનલાઇન મતદાન નોંધણી સુવિધાને વિકસાવી શકીએ તેમ છીએ. મતદાન નોંધણી, મતદાન કેન્દ્રોની માહિતી આપવા સહિતના કાર્યો માટે આપણે મોબાઇલ ટેક્નોલોજીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે પડકારજનક હોવા છતાં ઓનલાઇન વોટીંગ પદ્ધતિ અંગે ચર્ચા કરવાનો સમય પણ પાકી ગયો છે.
ગત વર્ષે નામદાર સુપ્રિમ કોર્ટે ‘નન ઑફ ધી અબોવ’નો એક વિકલ્પ પુરો પાડીને મતદારો માટે એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદો યોગ્ય દિશા તરફ એક પગલા સમાન હતો, પરંતુ જ્યારે આપણા નાગરિકો તેમની નિકટના સાર્વજનિક મતદાર નોંધણી કેન્દ્ર પર મતદાર નોંધણી અને મતદાન સરળતાથી કરી શકે તેવી સુવિધા જો સફળતાપૂર્વક અમલમાં લાવવામાં આપણે સક્ષમ બનીશું ત્યારે જ તેનો ખરો અર્થ સરશે. આપણા લોકતંત્રને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પ્રસંગોપાત જાગૃત અને સહભાગી બનવું જોઇએ. મિત્રો, આપના મતના મૂલ્યને ક્યારેય ઓછુ આંકશો નહીં!
‘મત’ એ પ્રજાના હાથમાં રહેલું એક એવું અસરકારક ઓજાર છે કે જેનાથી તેઓ ખુદને વ્યક્ત કરી શકે છે અને તેમના અવાજને સંભળાવી શકે છે. નેતાઓમાંથી ‘શક્તિશાળી’ ગણાતા લોકો પણ મતપેટી સમક્ષ વામણા જ પુરવાર થતા હોય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ 1977ની લોકસભા ચૂંટણીઓ છે. સત્તાના નશામાં મદમસ્ત બનેલા, વધુ પડતા આત્મવિશ્વાસુ અને એકહથ્થુ સત્તાવાદ ધરાવનારા સત્તાધિશ પક્ષના વડાપ્રધાને ચૂંટણીઓ જાહેર કરી હતી. સેન્સરશીપ પૂર્ણતાને આરે હતી અને અસંમતિ ધરાવતા અવાજો ઉઠવા લાગ્યા હતા, પરંતુ ત્યારે લોકોનો અવાજ અન્યોથી બુલંદ હતો. આપના મતની આ છે શક્તિ.
આપણા ઘરોમાં, ચાલો આપણે સક્રિય બનવા પ્રતિજ્ઞાબદ્ધ બનીએ અને એ બાબતની ખાતરી રાખીએ કે આપણે વધુમાં વધુ મિત્રો તેમજ કુટુંબના સભ્યોને મતદાર તરીકે નોંધણી કરાવીશું, અને ત્યારબાદ તે બાબતની ખાતરી કરીશું કે તેઓ દરેક સ્થાનિક સ્વરાજ્યથી લઈને લોકસભા સુધીની તમામ ચૂંટણીઓમાં ભાગ લેશે.
મતદાર કાર્ડ ધારણ કરવાનો અર્થ એ નથી કે આપ મતદાર છો! મતદાર યાદીમાં આપનું નામ ચકાસવું હંમેશા અવશ્ય યાદ રાખશો અને જો આપનું નામ ત્યાં ન હોય કે પછી આપે રહેઠાણ બદલ્યું હોય, તો મહેરબાની કરીને આપનું નામ તે યાદીમાં અપડેટ કરવા માટે તેને સુસંગત જરૂરી કાર્યવાહી પૂર્ણ કરશો. મતદાર કાર્ડ ધરાવનારા યોગ્ય મતદારો પોલીંગ બુથથી પરત ફરતા હોય છે, કારણકે તેમના નામ યાદીમાં હોતાં નથી, તે ખૂબ જ કમનસીબ બાબત છે અને આવું આપની સાથે ન બને તે બાબતની ખાતરી ખુદ આપ જ કરી શકો છો.
મારા એનઆરઆઇ મિત્રોને મારો એક વિશેષ સંદેશો એ છે કે યોગ્ય એનઆરઆઇ મિત્રોએ મતદાર નોંધણી કરી હોવાની ચકાસણી કરે અને મતદાનના દિવસે ભારત આવી મતદાનલાયક એનઆરઆઇ મતદારો તેમના મત આપે.
મિશન 272+ને સફળ બનાવવું...
મિશન 272+ને સફળ બનાવવા માટે શક્ય એટલા તમામ મતદારો, જેવા કે નવા, નોંધણી પામેલા અને યોગ્ય તથા જેમની નોંધણી થયેલી છે એવા મતદારોનો પણ સંપર્ક કરવો એ શક્ય એવા તમામ પ્રયત્નોમાંની એક કોશીશ છે.
અમારા પક્ષના તમામ કાર્યકરો અને સ્વયંસેવકોને મારી વિનંતી છે કે જેમની મતદાર તરીકે નોંધણી થઈ નથી એવા દરેક લોકોની પરખ કરે અને તેમને મતદાર તરીકેની નોંધણી કરવામાં સહાયતા પુરી પાડે. તેમને ફોર્મ નં. 6 ભરવામાં અને તેને બીએલઓમાં રજૂ કરવામાં સહાયતા પુરી પાડે. મતદાર નોંધણી અને મતદારોને લગતી અર્થપૂર્ણ સેવાઓ બાબતે www.India272.com પર પણ સહાયતા મળી રહેશે.
રાષ્ટ્રીય મતદાર નોંધણી દિવસે, આવો આપણે આપણી લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના શપથ ગ્રહણ કરીએ અને આવનારા સમયમાં તેની પ્રક્રિયામાં વધુને વધુ સહભાગી બનીએ! આપણો દેશ હાલ ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે- હવે ગરીબી, ભ્રષ્ટાચાર, વોટબેંક આધારીત રાજકારણ, ગેરવહીવટમાંથી દેશનેમુક્ત કરવાનો અને પ્રગતિશીલ તથા સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સમય પાકી ગયો છે. ચાલો આ વખતે ભારત માટે મતદાન કરીએ!.
તમારો,
નરેન્દ્ર મોદી