આવતીકાલે (14 એપ્રિલ, 2108) આંબેડકર જયંતીના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના મહત્વાકાંક્ષી જીલ્લા બીજાપુરની મુલાકાત લેશે.
તેઓ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રનું ઉદઘાટન કરશે, એ સાથે જ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ – આયુષ્માન ભારતનો પ્રારંભ થશે.
પ્રધાનમંત્રી બીજાપુર જીલ્લામાં જંગલા વિકાસ કેન્દ્રની પણ મુલાકાત લેશે. એક કલાક ના સમય દરમિયાન તેઓ અનેક લોકો સાથે ચર્ચા વિચારણા કરશે અને અનેક વિકાસ કાર્યો અંગે તેમને અવગત કરાવવામાં આવશે.
આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે તેઓ આશા વર્કર બહેનો સાથે વાતચીત કરશે. તેઓ આદર્શ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેશે અને આંગણવાડી કાર્યકર્તાઓ સાથે તેમજ પોષણ અભિયાનના લાભાર્થી બાળકો સાથે વાતચીત કરશે. તેઓ હાટ બજાર સ્વાસ્થ્ય કિયોસ્કની પણ મુલાકાત લેશે અને સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરશે. તેઓ જંગલા ખાતે એક બેંકની શાખાનું ઉદઘાટન કરશે અને મુદ્રા યોજના અંતર્ગત પસંદ કરાયેલા લાભાર્થીઓને ધિરાણ મંજુરી પત્રોનું વિતરણ કરશે. તેઓ ગ્રામ્ય બીપીઓ કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે.
પ્રધાનમંત્રી ત્યારબાદ જાહેર સભાના સ્થળે આવી પહોંચશે. તેઓ વન-ધન યોજનાનો પ્રારંભ કરાવશે, જે આદિવાસી સમૂહોને સશક્ત બનાવવા પર કેન્દ્રીત છે. આ યોજના લઘુત્તમ ટેકાના ભાવે ગૌણ વન્ય ઉત્પાદનોનું વેચાણ કરવા માટે એક તંત્ર અને એમએફપી માટે એક ગુણવત્તા શ્રૃંખલાના વિકાસનું લક્ષ્ય છે.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી ભાનુપ્રતાપપુર-ગુડુમ રેલ્વે લાઈન દેશને સમર્પિત કરશે. તેઓ દલ્લી રજહરા અને ભાનુપ્રતાપપુર વચ્ચે ચાલનારી એક ટ્રેનને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. તેઓ બીજાપુર દવાખાના ખાતે એક ડાયાલીસીસ કેન્દ્રનું પણ ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી ઉગ્ર વામપંથ પ્રભાવિત (એલડબ્લ્યુઈ) વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત 1988 કિલોમીટરના રસ્તાનું નિર્માણનું ભૂમિપૂજન કરશે, ઉપરાંત એલડબ્લ્યુઈ વિસ્તારોમાં અન્ય માર્ગ જોડાણ પરિયોજનાઓ, બીજાપુરની પાણી પુરવઠા યોજના તથા બે પુલોનો શિલાન્યાસ કરાવશે. તેઓ જન મેદનીને સંબોધન પણ કરશે.