મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ભારતીય ચલચિત્ર અને નાટય ક્ષેત્રના સુપ્રસિધ્ધ કલાકાર સુશ્રી કિરણ અનુપમ ખેર-એ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના વિકાસની અનુપમ સિધ્ધિઓથી ખૂબ જ પ્રભાવિત છે અને મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને એવું નેતૃત્વ પુરૂં પાડયું છે જેનાથી દેશના રાજનેતાઓ રાજ્યના વિકાસની સાચી નીતિ અને નિયત માટે પ્રેરણા લઇ શકે છે.
ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી વર્ષની શુભકામના પાઠવતા શ્રીમતી કિરણ ખેરે જણાવ્યું કે ગુજરાતના પ૦ વર્ષની ઉજવણીનો આ અવસર ભારતમાં ગુજરાત એક હજાર વર્ષ સુધી ચમકતું રહે અને શ્રી નરેન્દ્રભાઇ મોદીનું નેતૃત્વ મિશાલ બની રહે તેવી તેમની અભિલાષા છે.
મુખ્યમંત્રીશ્રીની રાજકીય ઇચ્છાશકિત, નીતિઓ અને લોકહિતના નિર્ણયોની અપાર પ્રસંશા કરતા શ્રીમતી કિરણ ખેરે જણાવ્યું કે પહેલીવાર શ્રી નરેન્દ્રભાઇ મોદીને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે અને તેમની કાર્યશૈલી તથા ગુજરાતના વિકાસ માટેની પ્રતિબધ્ધતા અજોડ છે. દેશમાં વોટબેન્કની રાજનીતિના બદલે માત્ર વિકાસ માટે જનમાનસને પ્રેરિત કરીને ગુજરાતે માળખાકીય સુવિધાઓ, જળવ્યવસ્થાપન, નારી સશકિતકરણ, કન્યા કેળવણી, સહિતના અનેક ક્ષેત્રોમાં જે અભૂતપૂર્વ પ્રગતિ મેળવી છે તેમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી નિયત, નિષ્ઠા અને નીતિના દર્શન થાય છે.
શ્રીમતી કિરણ ખેર એ એવી અપેક્ષા વ્યકત કરી હતી કે ગુજરાતની વિકાસની સિધ્ધિઓમાંથી પ્રેરણા લઇને અનેક રાજ્યો જે પ્રગતિમાં પાછળ છે તે આગળ વધશે તો હિન્દુસ્તાનને શકિતશાળી બનાવશે. મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનહિત અને ગુજરાતના વિકાસ માટે જ કેટલાક બિનલોકપ્રિય નિર્ણય લઇને જે રાજકીય નેતૃત્વની હિમ્મત બતાવી છે તેના કારણે જ ગુજરાત પ્રગતિના સાચા પથ ઉપર થઇ રહ્યું છે અને આવો રાજકીય મિજાજ શ્રી નરેન્દ્રભાઇ મોદી જ બતાવી શકે છે.