સોલાર પાવર પ્રોજેકટ અંગે અજય દેવગણની કંપનીને મળેલા રાજ્ય સરકારના સહયોગ બદલ આભારની લાગણી વ્યકત કરી
ગુજરાતના વિકાસનું શ્રેય મુખ્યમંત્રીશ્રીને આપ્યું
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે હિન્દી ફિલ્મના પ્રસિધ્ધ અભિનેતા અજય દેવગણે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ચારણકામાં સ્થપાઇ રહેલા સોલાર પાર્કમાં તેમની સૂર્યશકિત ઊર્જાની કંપનીને રાજ્ય સરકાર તરફથી મળી રહેલા સહયોગ અંગે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.શ્રી અજય દેવગણે સૂર્યઊર્જા સહિત ગુજરાત દેશના વિકાસના અગ્રીમ ક્ષેત્રોમાં ભારત માટે પથદર્શક બની રહ્યું છે તેનું શ્રેય મુખ્યમંત્રીશ્રીના ગતિશીલ નેતૃત્વને આપ્યું હતું અને ગુજરાતના વિકાસમાં હજુ પણ સહભાગી થવાની તત્પરતા વ્યકત કરી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલ દ્વારા સૂર્યઊર્જાથી વિજળી ઉત્પાદનના પાયલોટ પ્રોજેકટની સફળતાની રૂપરેખા આપી જણાવ્યું હતું કે નર્મદા કેનાલના વહેતા પાણીમાંથી પણ માઇક્રો હાઇડ્રો ટર્બાઇન દ્વારા પણ વિજળીનું ઉત્પાદન શકય બને એમ છે અને આ દિશામાં રાજ્ય સરકારે ઝડપથી સંશોધન હાથ ધર્યું છે.
નર્મદા કેનાલ વિશ્વની સૌથી લાંબી સિંચાઇ નહેર છે અને તેના ઉપર સોલાર પેનલ અને પાણી માઇક્રો હાઇડ્રો ટર્બાઇન ટેકનોલોજીથી પાણી દ્વારા વિજળી ઉત્પન્ન થઇ શકે તેમ છે. આ મોડેલને પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી આગળ વધારવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
શ્રી અજ્ય દેવગણે આ પ્રોજેકટમાં પણ સહભાગી થવાની અભિલાષા વ્યકત કરી હતી.