હવે તમે પણ ફેસબુકના માધ્યમથી ગુજરાત રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડરની ભુમિકા ભજવી શકો છો, અને ગુજરાતના વારસા અને વિકાસને ઓપ આપી શકો છો. આ માટે એક ખાસ ફેસબુક એપ્લીકેશન બનાવવામાં આવી છે, જેની મદદથી તમે છેલ્લાં ૧૧ વર્ષમાં ગુજરાતે ભરેલી વિકાસની હરણફાળ અંગે રોચક વાતો અને વિચાર શેર કરી શકો છો.
આ વાતો લખવા માટે તમને એપ્લીકેશનની મદદ પણ મળી રહેશે. ‘રાઇટ યોર સ્ટોરી’ વિભાગમાં તમે વિકાસના કોઇપણ ક્ષેત્ર અંગેની વાત રજૂ કરી શકશો, જ્યારે ‘બિલ્ડ સ્ટોરિઝ’ વિભાગમાં વિકાસના ૬ ક્ષેત્રો- પ્રવાસન, ઉર્જાક્ષેત્રે ગુજરાતની સફળતા, આદિજાતિ વિકાસ, સ્પેશિયલાઇઝ્ડ શિક્ષણ, કૃષિ અને મહિલા વિકાસ- વિષય પર પોતાની વાત લખી શકો છો.‘બિલ્ડ યોર સ્ટોરિઝ’ એક અનોખું ફિચર છે, જેમાં વિકાસ અંગેની કેટલીક વાતો પહેલેથી મૂકવામાં આવી છે. યુઝર તેમાં પોતાની રીતે સુધારા-વધારા કરી શકે છે. ફેસબુક એપ્લીકેશનના માધ્યમથી લોકોને અનોખી રીતે સાંકળી શકાશે. તેના માધ્યમથી લોકોને માત્ર પોતાની વાતો શેર કરી શકશે, તેમના યોગદાન બદલ પુરસ્કાર પણ મળી શકશે. ગુજરાતના વિકાસ અંગે ઉપયોગી વિચારો રજૂ કરવાની તક પણ લોકોને મળી રહેશે. પોતાના આઇડિયાઝ રજૂ કરનારા લોકો પૈકી ૪ વિજેતાઓને પસંદ કરીને તેમને સીધા શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે પોતાની વાત શેર કરવાની તક મળશે. શ્રી નરેન્દ્રભાઇ મોદી દુનિયાભરના પોતાના શુભેચ્છકો સાથે સંવાદ કરવા આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો સુંદર ઉપયોગ કરતા આવ્યાં છે. શ્રી મોદી મે-૨૦૦૯માં ફેસબુકમાં જોડાયા હતાં અને આજે તેમના ૧ મિલિયનથી પણ વધારે ફેન છે. શ્રી મોદી આ માધ્યમનો સક્રિય પણે ઉપયોગ કરતાં આવ્યાં છે અને લોકોને ગુજરાતની વિકાસગાથા જણાવવા તથા તહેવારો દરમિયાન લોકોને શુભેચ્છાઓ પાઠવવા માટે તેનો ઉપયોગ કરતાં આવ્યાં છે. ફેસબુક ઉપરાંત શ્રી મોદી ટ્વિટર ઉપર પણ સક્રિય રહ્યાં છે. ટ્વિટર પર તેમના ૧ મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. તેઓ જાતે પોતાના બ્લોગ લખે છે અને તેમની યુટ્યુબ ચેનલ પર લોકો તેમના સંખ્યાબંધ વિડિયો અને વક્તવ્યો જોઇ શકે છે. આ વર્ષે ૩૧મી ઓગસ્ટના રોજ શ્રી મોદી ગુગલ પ્લસ હેંગઆઉટના માધ્યમથી લોકો સાથે વાર્તાલાપ કરનાર સૌપ્રથમ ભારતીય નેતા બન્યાં. તેમના આ હેંગઆઉટને ભારે સફળતા મળી અને દુનિયાભરના ૧૧૬ દેશોના લોકોએ તેને નિહાળ્યું હતું. ભારતમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ગુગલ પ્લસ હેંગઆઉટ હતું.