ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત કલાઇમેટ ચેન્જના પુસ્તક કન્વિનિયન્ટ એકશનના લોકાર્પણમાં પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. એ. પી. જે. અબ્દુલ કલામે કલાયમેન્ટ ચેન્જ માટે ગુજરાત કાર્બન ન્ટુટ્રલ સ્ટેટ બની રહ્યું હોવાનું જણાવી ઊર્જાશક્તિના સંવર્ધન અને દુર્વ્યય સામે બચતના નવતર ઉપાયો પ્રયોજવાના દ્રષ્ટિવંત નેતૃત્વને માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા.
નોબેલ પારિતોષિક વિજેતા ર્ડા. આર. કે. પચૌરીએ જલવાયુ પરિવર્તનના સંકટની સામે સમાધાનનો કાર્યપથ બતાવવાનું શ્રેય ગુજરાતને આપ્યું હતું.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલાઇમેટ ચેન્જની ચર્ચાને કલાઇમેટ જસ્ટીસ તરફ પ્રેરિત કરવાનું આહ્વાન કર્યું હતું.
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પર્યાવરણ અધ્યયન પુસ્તક કન્વિનીયન્ટ એકશન- ગુજરાત્સ રિસપોન્સ ટુ ચેલેન્જીસ ઓફ કલાઇમેટ ચેન્જનું લોકાર્પણ આજે અમદાવાદમાં પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. એ. પી. જે. અબ્દુલ કલામના હસ્તે અને ટેરીના ડાયરેકટર જનરલ નોબલ પુરસ્કાર વિજેતા ર્ડા. શ્રી આર. કે. પચૌરીની ખાસ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
પ્રકૃતિ ગીત, પ્રાકૃતિક વેષભૂષામાં બાળકોના નૃત્ય સાથે લેસર ટેકનોલોજીના વિનિયોગથી પુસ્તકનું લોકાર્પણ થયું હતું. પ્રારંભમાં ૬૩ પૃથ્વીસુકતની ઋચાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.
શ્રી નરેન્દ્રભાઈ મોદી આ અંગ્રેજી પુસ્તકમાં કલાયમેન્ટ ચેન્જ વિષયની તલસ્પર્શી છણાવટ કરી છે અને અમેરિકાના શ્રી અલગોરે પછી વિશ્વના બીજા રાજનીતિજ્ઞ તરીકે કલાઇમેટ ચેન્જના પુસ્તક લેખક બન્યા છે.
મેકમિલન પબ્લીકેશન દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે અને વિશ્વખ્યાત ધ કલાઇમેટ ગ્રૃપના વડા શ્રી સ્ટીવ હાવર્ડે તેને ગ્રીન બાયોગ્રાફી ગણાવી છે.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં કલાઇમેટ ચેન્જના સંકટ અને તેના ઉપાયોની ચર્ચા કલાઇમેટ જસ્ટીસને કેન્દ્રસ્થાને પ્રેરિત કરવાનું નવતર સૂચન કર્યું હતું.
આ વિષય ઉપર સંકટની ગહનતા અંગે વિશ્વમાં ચર્ચાઓ ઘણી થાય છે. પરંતુ સંકટમય સ્થિતિને બદલવા માટે સમયસરના સામાન્ય માનવીને અનુકૂળ એવા એક પગલાં (એકશન)ની અનિવાર્યતા સેંકડો વિચારો કરતાં વધારે છે, એમ તેમણે જણાવ્યું હતું.
સાબરમતીમાં નર્મદાનું શુદ્ધ પાણી આપીને કલાઇમેટ ચેન્જમાં કલાઇમેટ જસ્ટીસની ભૂમિકા રજૂ કરીને મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, બોરવેલમાંથી અમદાવાદ મહાનગરપાલિકાના પાણી ખેંચવાના ખર્ચમાં જ રૂા. ૧૮ કરોડની વાર્ષિક બચત થઇ છે અને ક્ષારતત્વ-ટીડીએસની માત્રા લીટર દીઠ ૧પ૦૦ મી.લી.માંથી ૧પ૦ મી.લી. થઇ ગઇ છે.
મેં વડાપ્રધાનશ્રીને પત્ર લખ્યો છે કે, ગુજરાતે કલાઇમેટ ચેન્જ માટે લીધેલા પહેલરૂપ પગલાંની સફળ વ્યૂહરચનાનું મોડેલ અન્ય રાજ્યો સમક્ષ મુકવું જોઇએ.
કોપન હેગન, કેનકૂન-મેકસીકોની કોપ કોન્ફરન્સ કે દાવોસની બેઠક કલાઇમેટ ચેન્જના સંકટ સામે યોગ્ય કદમ સૂચવવામાં નિષ્ફળ ગઇ છે ત્યારે ભારતની વેદ સંસ્કૃતિના પ્રકૃતિ તત્વો સાથેના સૌહાર્દભર્યા સંબંધોના આધાર ઉપર આ સંકટનું સમાધાન છે.
શ્રીયુત અલગોરેના ‘‘ઇન કન્વીનીયન્ટ ટ્રુથ'' પછી લખાયેલું આ કન્વીનીયન્ટ એકશન પુસ્તક વિશ્વને વિશ્વાસ આપવાના હેતુથી તૈયાર કર્યું છે. તેનું હાર્દ રજૂ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતે માર્ગ બતાવ્યો છે કે, સમસ્યાઓનું સમાધાન શકય છે.
સૌર ઊર્જા વિશે ઘણા જ્ઞાત છે પરંતુ ગુજરાતમાં તાપીના તટે સૂર્ય ઊર્જાના અશ્વને ઉપર ૭ ઊર્જાશક્તિ, ગેસ, થર્મલ, ન્યુકલીયર, હાઇડ્રો, સોલાર, વીન્ડ એન્ડ કલીન એનર્જી ફયુઅલ જેવી સૂર્યના ૭ અશ્વો ઉપર સવાર ઊર્જા શક્તિ અપનાવી છે.
તેમણે પૂર્ણિમાની રાત્રે નગર-ગામોમાં શેરી દીવાબત્તી બંધ રાખીને ચાંદનીના શીતળ પ્રકાશની ઊર્જા અપનાવવા પ્રેરક સૂચન કર્યું હતું.
જે વિશ્વ બેંકે નર્મદા સરદાર સરોવર ડેમમાં મદદ કરવાનો ઇન્કાર કર્યો હતો એ જ વિશ્વ બેંકે ભૂકંપ પછીના પુનઃસ્થાન માટે, પર્યાવરણની કાળજી લેવા માટે ગુજરાતને ગ્રીન એવોર્ડ આપવો પડયો, તેમ તેમણે જણાવ્યું હતું.
મનુષ્યને પ્રકૃતિના શોષણનો નહીં, દોહનનો જ અધિકાર છે. આ ભાવ જાગૃત કરવાનો આ પુસ્તકનો હેતુ સાર્થક થશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
આ પુસ્તકમાં મુખ્યમંત્રીશ્રીએ (લેખકે) ગુજરાત રાજ્યમાં રાજકીય ઇચ્છાશક્તિથી પર્યાવરણની વિઘાતક અસરોને સફળતાપૂર્વક ખાળવાના હાથ ધરેલા પહેલરૂપ ઉપાયો તથા પવન અને સૌર ઊર્જા ઉપયોગને પ્રોત્સાહિત કરીને તેમજ રાજ્યવ્યાપી ગેસગ્રીડ દ્વારા કલીન એન્ડ ગ્રીન એનર્જીના દોહન માટે ગુજરાતમાં રહેલી વિપૂલ સંભાવનાઓની વિસ્તૃત છણાવટ કરી છે.
જલવાયુ પરિવર્તનની આપત્તિને અવસરમાં પલટાવી પ્રથમ ક્રમ હાંસલ કરનારૂં ગુજરાત એકમાત્ર રાજ્ય છે, જેણે દેશભરમાં મહત્તમ કાર્બન ક્રેડિટ મેળવી છે તેનું નિરૂપણ પણ મુખ્યમંત્રીશ્રીની લેખનીમાં પ્રસ્તુત થયું છે.
રાજ્યની નિતીઓમાં જળ અને કૃષિ જેવાં માનવજીવનને સ્પર્શતા મહત્વપૂર્વ ક્ષેત્રોમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ સિધ્ધિઓ અને નાવિન્યપૂર્ણ અભિગમની સફળતાની ગાથા પણ લેખકે જલવાયુ પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં આ પુસ્તકમાં વર્ણવી છે. એટલું જ નહીં, આ નીતિનિર્ધારણ માટે મુખ્યમંત્રીશ્રીને પ્રેરક બની રહેલી બાબતોની પણ તેમણે છણાવટ કરી છે.
આ પુસ્તક લખવાની પોતાને પ્રેરણા કેવી રીતે મળી, અને વિકાસ પરત્વે તેમના અભિગમ અને વિચારો પ્રસ્તુત કરતા મુખ્યમંત્રીશ્રી-લેખકે જણાવ્યું કે તેઓ હંમેશા માનતા આવ્યા છે કે, માનવી અને પ્રકૃતિ વચ્ચે ગાઢ નાતો છે. આપણી વૈદિક પરંપરા અને વૈદિક ગ્રંથોમાં ખાસ કરીને અથર્વવેદમાં પણ આ બાબતની ભારપૂર્વક પુષ્ટિ કરવામાં આવી છે. પંચતંત્રની વાર્તાઓમાં પણ આ સંબંધનું અસ્તિત્વ પ્રતિબિંબિત થાય છે.
મહાત્મા ગાંધીજીના ટ્રસ્ટીશીપના વિચારે લેખકની વિચારધારાને પ્રેરીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પૂ.બાપુ કહેતાં કે ઃ ‘સંપત્તિ પર સમાજનો હક્ક છે, અને તેનો ઉપયોગ સમુદાયોના કલ્યાણ અર્થે જ કરવો જોઇએ.' ટ્રસ્ટીશીપની આ ભાવનાનો આપણે ક્લાઇમેેટ ચેન્જના પડકારને પહોંચી વળવા માટે ઉપયોગ કરવો જોઇએ. તેમ તેમણે જણાવ્યું હતું. પૃથ્વી આપણને આપણા પૂર્વજો તરફથી વિરાસતમાં નથી મળતી, પણ આપણે ભાવિ પેઢી પાસેથી તેને ઉછીની લઇએ છીએ. તેવો ઉત્તમ વિચાર વ્યકત કરતા લેખક જણાવે છે કે તેઓ ચોક્કસપણે માને છે કે, વર્તમાન પેઢીએ પ્રાકૃત્તિક સંપદાના ટ્રસ્ટી/વાલિ તરીકેની ભૂમિકા અદા કરવાની છે, અને તેનો એ રીતે સમુચિત ઉપયોગ કરવાનો છે કે જેથી આગામી પેઢી માટે પણ આ નૈસર્ગિક ભંડારો સુરક્ષિત રહે. એટલું જ નહીં ભાવિ પેઢીની પણ ચિંતા સેવવા સાથોસાથ વિષમ આબોહવા અને પર્યાવરણની વિઘાતક અસરોથી પ્રભાવિત થયેલા અકિંચનો અને કચડાયેલા વર્ગોની પણ ચિંતા રાખવાની છે તેમ તેમણે જણાવ્યું હતું.
ક્લાયમેન્ટ ચેન્જ ફક્ત વિકાસના કારણે જ નહીં, પરંતુ કદાચ વિકાસના અભાવે પણ હોઇ શકે. અલબત્ત પર્યાવરણ અને જલવાયુ પરિવર્તનના મુદે મૂલ્યો અને ન્યાયી અને યોગ્ય વિકાસ પ્રણાલીઓ આજે ચર્ચાના એરણ પર છે, અને તેથી જ પ્રસ્તુત પુસ્તકમાં લેખકે પોતાને એવું મહેસૂસ થતું હોવાનું જણાવ્યું છે કે આ ચર્ચાને નૈતિક પરિપ્રેક્ષ્યમાં ક્લાઇમેટ ચેન્જથી ક્લાઇમેટ જસ્ટીસ તરફ વાળવાની જરૂર છે. તેના આ વિચારને આ પૂસ્તક સ્વરૂપે રજૂ કર્યો છે, જેનું આયોજન ઘડ્યું છે અને અમલ કર્યો છે. પર્યાવરણીય ન્યાય આ દિશામાં માર્ગદર્શક પ્રકાશ અને પ્રેરણા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. એ. પી. જે. અબ્દુલ કલામે કલાઇમેટ ચેન્જના ઉદ્દભવ માટે એનર્જી-ઊર્જાના દુર્વ્યય અને પ્રદૂષણને મહત્વનું પરિબળ ગણાવ્યું હતું.
ગુજરાતે કલાઇમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા ઊર્જાશક્તિને આધારસ્તંભ ગણી વિકાસના ક્ષેત્રની પહેલમાં પર્યાવરણની જાળવણીને કેન્દ્રસ્થાને રાખી છે. તેમાં અનેક ક્ષેત્રોમાં કાર્યસિદ્ધિ મેળવી છે તેની ર્ડા. અબ્દુલ કલામે પ્રસંશા કરી હતી.
ગુજરાતે કાર્બન ન્યુટ્રલ સ્ટેટથી પણ આગળ વધીને કલીન ફયુઅલ એન્ડ કલીન વોટર મેનેજમેન્ટની દિશા બતાવી છે, તેની ભૂમિકા ર્ડા. અબ્દુલ કલામે આપી હતી.
જયારે સમગ્ર વિશ્વમાં જળવાયુ સંતુલન ખોરવવાના કારણે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા તે સમયે ગુજરાતે વોટર મેનેજમેન્ટ દ્વારા રાજ્યની અનેક નદીઓનું આંતર જોડાણ કરીને એનર્જી એફિસીયન્સી અને જળ સંચયની દિશામાં શ્રેષ્ઠ કામ કર્યું છે.
તેમણે શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, તેમણે હવે સમગ્ર દુનિયાને કલીન હોમ, કલીન વિલેજ, કલીન સ્ટેટ અને કલીન નેશનની પરિભાષાને મૂર્તિમંત કરવા પોતાના રાજકીય નેતૃત્વનો પુરેપુરો ઉપયોગ કર્યો છે.
ગુજરાતે કોમ્યુનીટી પાર્ટીસીપેશનના અમોઘ શસ્ત્રથી કલાઇમેટ ચેન્જની દૂરગામી અસરો સામે આગોતરી ટક્કર ઝીલી છે. તેનો ઉલ્લેખ કરી પૂર્વ રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, અગાઉ ભૂતળના પાણીને સિંચાઇ માટે ખેંચવાના કારણે જળસ્તર વર્ષે સરેરાશ ૩ મીટર જેટલા નીચે ઉતરતાં હતાં, તેની સામે ગુજરાતના જળસંચયના અભિયાને એવો ચમત્કાર સજર્યો છે કે, આજે હવે વર્ષે સરેરાશ ૪ મીટર જેટલા જળસ્તર ઉંચા આવવાના શરૂ થયાં છે.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિવાન નેતૃત્વના ભારોભાર વખાણ કરતાં શ્રી કલામે કહ્યું હતું કે, અસરદાર રાજકીય નેતૃત્વ કલાઇમેટ ચેન્જ સામે લડી શકે તેવી સારી પરિયોજનાઓ ઉભી કરવા મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે.
ર્ડા. કલામે આ પ્રસંગે ગુજરાત કાર્બન ન્યુટ્રલ સ્ટેટ બને તેવું સપનું રજૂ કર્યું હતું અને વર્ષ ર૦૩૦ સુધીમાં ગુજરાત કાર્બન ન્યુટ્રલ સ્ટેટ બને તે દિશામાં રાજ્ય સરકારે પુરૂષાર્થ કર્યો છે તે પ્રસંશનીય છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ સ્ટેટ બની ગુજરાત વિશ્વમાં નામ રોશન કરશે.
તેમણે આ માટે એનર્જી ઇન્ડીપેન્ડેન્સ અને વોટર ઇન્ટીગ્રેશન જેવા મુદ્દાને મહત્વના ગણાવી ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં અને નદીઓના આંતરજોડાણ દ્વારા જે પરીણામલક્ષી કામગીરી કરી છે તે સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણા પૂરી પાડે છે. ર્ડા. કલામે સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા, બાયો ફયુઅલ અને ન્યુકિલયર એનર્જી જેવા ઊર્જા સ્ત્રોતોના વિકાસ અને સંકલન દ્વારા ઊર્જા ક્ષેત્રે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની દિશામાં ગુજરાતના પ્રયાસોને સમગ્ર દેશ માટે પ્રેરણા સમાન ગણાવ્યા હતા. તેમણે ઊર્જા નીતિ અને કલાઇમેટ ચેન્જ નીતિઓના સંકલન ઉપર પણ ભાર મુકયો હતો અને જણાવ્યું હતું કે, આવા ક્ષેત્રોમાં લીડરશીપ પ્રવૃત્ત થાય અને લોકભાગીદારીને પ્રોત્સાહિત કરી શકાય તે અત્યંત જરૂરી છે, જે ગુજરાતે કરી બતાવ્યું છે.
ટેરીના ડાયરેકટર જનરલ ર્ડા. આર. કે. પચૌરીએ સમાજ અને રાષ્ટ્રને પથદર્શક એવા જલવાયુ પરિવર્તનના વિષય ઉપર કલાઇમેટ ચેન્જને પહોંચી વળવામાં ગુજરાતે જે કાર્ય સફળતારૂપ પગલાં લીધા છે તેના એક અધ્યયન-દસ્તાવેજરૂપે આ પુસ્તકને ગણાવ્યું હતું અને તેની ઉપયોગિતા જોતા મુખ્ય મંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા.
ર્ડા. પચૌરીએ જણાવ્યું કે, વિશ્વના ૧ર દેશો એવા છે કે જે કલાઇમેટ ચેન્જથી બિચારા બની શકે. આ સમસ્યા માટે વૈશ્વિક જાગૃતિ અનિવાર્ય છે. જલવાયું પરિવર્તનનું સંકટ હવે એક વાસ્તવિકતા બની ગઇ છે. તેનાથી દૂર ભાગવાનું શકય નથી. હવે તો આપણે આ સંકટનું સમાધાન કરવા સક્રિય કદમ ઉઠાવવાની જ જરૂર છે.
કલાઇમેટ ચેન્જના પડકાર માટે દ્રષ્ટિવંત નેતૃત્વ જરૂરી છે અને ગુજરાત જેવા પ્રદેશે તે પુરું પાડયું છે, તેમ જણાવી શ્રી આર. કે. પચૌરીએ સાગરકાંઠાની સ્થિતિ, માનવ સ્વાસ્થ્ય ઉપરની અસરો બધાએ ધ્યાનમાં રાખીને અને કૃષિ-મત્સ્યોદ્યોગ જેવા અર્થતંત્રો અને સૃષ્ટિ ઉપરની અસરો જોતાં સમુદ્રના પ્રદૂષણનો બોજ વધી રહ્યો છે તેનાથી સાવધ રહેવા ઉપર ભાર મુકયો હતો.
આપણી સમક્ષ સમય પાકી ગયો છે કે, માત્ર નીતિ નિર્ધારણથી આ પડકારને પહોંચી વળાશે નહીં. નક્કર પગલાં અને વિકાસની દરેક પ્રક્રિયામાં જલવાયું પરિવર્તનની અસરો નિવારવાનો ખ્યાલ કેન્દ્રસ્થાને રાખવો પડશે, એમ તેમણે જણાવ્યું હતું.
ર્ડા. પચૌરીએ કૃષિક્ષેત્રે જલવાયુ પરિવર્તનની અસરોનો ભોગ કિસાનો બનતા અટકે તેવા કૃષિ આપત્તિ વ્યવસ્થાપન ઉપર પણ ભાર મુકયો હતો અને ટેરી આ દિશામાં ગુજરાત સાથે સહયોગ આપવા તૈયાર છે તેની તત્પરતા બતાવી હતી.