રાષ્ટ્રહિત, સુશાસન વ્યવસ્થા વિકાસમાં જનભાગીદારી સહિતના વ્યાપક ફલક ઉપર પ્રશ્નોત્તરી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે નેશનલ ડિફેન્સ કોલેજના ગુજરાતનો અભ્યાસ પ્રવાસ કરી રહેલા ભારતીય સુરક્ષા સેનાઓના રર વરિષ્ઠ અધિકારીઓએ સૌજન્ય મૂલાકાત લઇને ગુજરાતના ગુડ ગવર્નન્સ અને વિકાસ તથા ભારતની સાંપ્રત વિકાસલક્ષી સમસ્યાઓનું નિરાકરણ, લોકશાહી શાસન વ્યવસ્થા સહિતના વિવિધ વિષયો ઉપર પ્રશ્નો કર્યા હતા.ગુજરાતના વિકાસ અને સુશાસનની સફળતાના માધ્યમ સાથે ભારતની આબરૂ અને ઓળખ ઉભી થઇ રહી છે અને દેશની જનતામાં પણ પરિસ્થિતિ બદલી શકાય છે એવો વિશ્વાસ જાગ્યો છે. વિકાસ સિવાય સમસ્યાના સમાધાનનો કોઇ ઉત્તમ વિકલ્પ નથી અને ગુજરાતના વિકાસ સાથે નાગરિકોની જનભાગીદારી જોડાઇ છે. વિકાસ એ રાજકીય એજન્ડા નથી, પ્રજાકીય એજન્ડા બની ગયો છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
(NDC) નેશનલ ડિફેન્સ કોલેજના આ અધિકારીઓના અભ્યાસ ડેલીગેશનનું નેતૃત્વ કમાન્ડન્ટ વાઇસ એડિમરલ સુનિલ લાંબાએ કર્યું છે. આ અધિકારીઓએ "ઇન્ડિયા ફર્સ્ટ"ના રાષ્ટ્રહિતના ચિન્તનને આવકાર્યું હતું.દેશની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સુશાસન અને વિકાસના જનઆંદોલનની ભૂમિકા અને તે સંદર્ભમાં ગુજરાતમાં રાજકીય સ્થિરતા તથા રાજકીય ઇચ્છાશકિત હોય તો ગમે તેવા પડકારોને અવસરોની સફળતામાં બદલી શકાયા છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. લોકશાહીમાં સામાન્ય નાગરિકના સશકિતકરણ માટેનું માધ્યમ પ્રજાજનની ફરિયાદોનું સંતોષકારક નિવારણ છે અને ગુજરાતે " સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ" નો કાર્યક્રમ કરીને આવા વિશ્વાસનું જનતા જનાર્દનમાં પ્રગટીકરણ થયું છે. યુનોનો બેસ્ટ પબ્લીક સર્વિસનો એવોર્ડ મળેલો છે.
વર્તમાન લોકશાસન વ્યવસ્થામાં શાસકનું દાયિત્વ દેશ પ્રત્યે હોવું જોઇએ અને આતંકવાદ સામે "ઝીરો ટોલરન્સ"ની નીતિ જ કામિયાબ બનશે એમ મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષા સેનાના અધિકારીઓ સાથેની પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું. વોટબેન્કના રાજકારણના પરિણામે આપણી વિરાટ જનશકિતનું સામર્થ્ય વિકાસમાં પરિવર્તીત થતું નથી. સબસીડી ઘટાડવા માટેની અભિનવ યોજનાઓ સુચવનારા રાજ્યોને પ્રોત્સાહન મળવું જોઇએ, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.ગુજરાતમાં યુવાનોની ભારતી સેનાઓમાં સેવા-ભરતી અંગે છેલ્લા દશ વર્ષમાં ટકાવારીમાં ઘણો સુધારો થયો છે અને રાજ્ય સરકારે તે અંગેના પ્રયાસો સઘન બનાવ્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉદ્યોગના અગ્ર સચિવ શ્રી એમ. શાહુ, ઉદ્યોગ કમિશ્નરશ્રી કમલ દયાણી અને ઇન્ડેક્ષ્ટ-બી ના મેનેજિંગ ડિરેકટર શ્રી મૂકેશકુમાર ઉપસ્થિત હતા.