જળ સિંચન માટે સૌરાષ્ટ્રમાં નર્મદા અવતરણ સૌની યોજનાનો કાર્યારંભ
સૌરાષ્ટ્રની ખેતીવાડી અને કૃષિ આધારિત અર્થતંત્રનો કાયાકલ્પ કરશે સૌની યોજના ૧૧૫ ડેમો ભરાશે
૧૧ જિલ્લાની ૧૦.૨૩ લાખ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે
જળસંચય માટેની મહત્વકાંક્ષી સૌની યોજનાનું ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન
૧૧૨૬ કી.મી.ની કૂલ ચાર લીન્ક ઝોન ધરાવતી વિશાળ પાઇપલાઇનોથી નર્મદાનું પાણી લિફટ કરાશે.
સરદાર સરોવર ડેમના દરવાજા મૂકવાની તત્કાલ મંજૂરી આપો –મુખ્યમંત્રીશ્રી
નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી અટકાવવાથી ખેડૂતોના અરમાનો રોળાઇ રહયા છે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રમાં કૃષિ અર્થતંત્રની કાયાપલટ કરનારી નર્મદા આધારિત મહત્વાકાંક્ષી જળસિંચનની સૌની યોજનાનું ખાતમૂહૂર્ત કરતા સરદારસરોવર ડેમ ઉપર દરવાજા મૂકવા માટે કેન્દ્ર સરકાર, રાજકારણ વચ્ચે લાવ્યા વગર તાત્કાલિક મંજૂરી આપે એવો પુનઃ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
મહેરબાની કરીને ગુજરાતના ખેડૂતોની આડે આવવાને બદલે નર્મદા યોજનાના ડેમના દરવાજા મૂકવાની મંજૂરી મળે તે આજના સમયની માંગ છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજકોટમાં સૌની યોજનાના કાર્યારંભ સમારંભમાં મુખ્યમંત્રીશ્રીએ નર્મદા યોજનાને રાજકારણથી પર રાખવાના તેમના અભિગમનો પુનરોચ્ચાર કર્યો હતો. નર્મદાના પૂરના એક મિલીયન એકરફીટ વધારાના પાણીનો જળસંચય માટે ઉપયોગ કરવા, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના-સૌની યોજનાની ઘાોષણા મુખ્યમંત્રીશ્રીએ રાજકોટમાં ૨૫ મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કિસાન સંમેલનમાં કરી હતી. આજે તેનું ખાતમૂહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું છે.
સૌની યોજનામાં નર્મદાની કૂલ ૧૧૨૬ કી.મી. ચાર લિન્ક લીફટ પાઇપલાઇનો દ્વારા ૧૧૫ ડેમમાં નાખીને ૧૦.૨૩ લાખ એક જેટલો વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. સૌની યોજના સૌરાષ્ટ્રના બધા જ ૧૧ જિલ્લાઓની ધરતીને ખેતીવાડીથી હરિયાળી બનાવતી સૌની યોજના માટે રૂ. ૧૦૮૬૧ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
ગુજરાતમાં ખેતીને અને આધુનિક જળસંચયમાં એગ્રીએક અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ માત્ર પરંપરાગત ખેતીથી અર્થતંત્ર સમૃધ્ધ થવાનું નથી. ખેતીમાં મૂલ્યવર્ધિતની નિકાસની આખી પધ્ધતિ ઉભી કરવાની રાજ્યસરકારની કૃષિ નીતિની વિગતવારભૂમિકા આપી હતી. કપાસના મૂલ્યવર્ધક અને વિકાસ માટે તેમણે એગ્રોબેઇઝ ઇન્ડસ્ટ્રીઝ, ગ્રીનહાઉસ નેટહાઉસ તથા નિયમિત ખેતી, પશુપાલન તથા વૃક્ષની ખેતીને સમાન હિસ્સે વિકસાવી કૃષિ અર્થતંત્ર નર્મદા યોજના કોઇ એક સરકાર, કોઇ એક મુખ્યમંત્રી કે કોઇ પક્ષની નથી તેમ ભારપૂર્વક પૂનરોચ્ચાર કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદા યોજના રાજકારણથી પર છે પરંતુ નર્મદા યોજનાના સરદારસરોવર ડેમ સંપુર્ણાપણે પૂરો કરવા ડેમના દરવાજા મૂકવાની પરવાનગી ભારત સરકાર આપે તે માટે આ સરકાર બધી જ ક્રેડીટ આપવા તૈયાર છે.
પંડિત નહેરૂએ ૪૫ વર્ષ પહેલા સરદાર સરોવર યોજનાનો પાયો નાંખ્યો ત્યારથી અત્યાર સુધી આ યોજના વિવાદમાં મૂકવાના કારણો જનતા સમજે છે. પરંતુ હવે ડેમ પૂરો થયો છે ત્યારે દરવાજા મૂકવાની મંજૂરી કાંઇ જ વ્યાજબી કારણવગર નથી મળતી ત્યારે દુઃખ થાય છે. આમાં કોઇ રાજકારણ નથી, ખેડૂતો અને પશુઓનું, ગુજરાતના વિકાસની ભલાઇનું જ કારણ છે પરંતુ ગુજરાતના ખેડૂતોના અરમાનોને વેરણછેરણ ના કરો એવી હૃદયસ્પર્શી અપીલ તેમણે કરી હતી.
ગુજરાતમાં આધુનિક ખેતી માટે સદાય તત્પર એવા ખેડૂતોને આજે પણ નર્મદાના પાણીમાંથી માત્ર ૬૦ ટકાવપરાશ છે અને ડેમના દરવાજા મૂકવાથી નર્મદા યોજનાના પાણીનો વિકાસ માટે પુરેપુરો ઉપયોગ થઇ શકશે એમ તેમણે જણાવ્યું હતું.
ગામેગામ ખેડૂતોને પ્રશિક્ષિત કરવાનું અભિયાન ઉપાડવા તેમણે આહવાન કર્યું હતું. પાણીને પ્રાથમિકતા આપવાની રાજ્ય સરકારની જળસંચય અને જળસિંચનની સફળ રણનીતિની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
ભૂતકાળના વર્ષોમાં દુષ્કાળ અને પાણીની અછતના કારણે ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રની ખેતીવાડી ભાંગી પડેલી અને અછતના કપરા કાળમાં ઢોરઢાંખર સહિત માનવીઓ હિજરત કરી જતા હતા ત્યારે છેલ્લા દશ વર્ષમાં રાજ્યની વર્તમાન સરકારે ખેતીવાડી અને તેમાંય વિશેષ રૂપે પાણીનું વ્યવસ્થાપન કર્યું અને ગામડાની કૃષિ ફરી પ્રાણવાન બની અને ખેડૂતોએ પણ વીજળી નહીં પાણીની જરૂર છે તે વાત સ્વીકારી-એટલું જ નહીં સરકારથી બે ડગલા આગળ ચાલી પાણી માટે જળસંચયમાં જનભાગીદારી કરી અને પાણીના મૂલ્યને સમજી વધુ સિંચાઇ અપનાવી છે. સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો પથ્થર ઉપર પાટુ મારીને સોનું પકવનારા પુરૂષાર્થી છે અને પાણી મળતા ટપક સિંચાઇ અપનાવી કૃષિ ઉત્પાદનને એક લાખકરોડ રૂપિયાના વિક્રમસર્જક આંકને વટાવી દીધો છે તેમ તેમણે જણાવ્યું હતું.
હિંદુસ્તાનમાં અન્ય રાજ્યોને પાછળ રાખી દઇને કેળાની ખેતીમાં એકરદીઠ કેળાનું વધુ ઉત્પાદન કરીને નિકાસમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે એની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે પ્રગિતશીલ ખેતીના પ્રયોગો દ્વારા એકર દીઠ વધુ ઉત્પાદન, ટપક સિંચાઇથી પર ડ્રોપ મોર ક્રોપ થી ખેતી અને જમીનને વધુ ફળદ્રુપ બનાવી છે એની વિગતવારરૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
ખેતીની જમીન વધવાની નથી તે હકીકત ધ્યાનમાં રાખીને એકરદીઠ ઉત્પાદકતા વધારવાનો મહિમાં સમજાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે નર્મદાના જળસંચયથી જળસિંચન સુધી ખેડૂતોએ સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું છે તે માટે ખેડૂતો અભિનંદનના અધિકારી છે.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રની ડેરીઓ સજીવન કરવા માટેની સફળતા માટેના રાજ્ય સરકારના પ્રયાસોની સમજ આપતાં જણાવ્યું કે પશુ આરોગ્ય મેળાએ દૂધ ઉત્પાદનથી ઉન ઉત્પાદન સુધી વૈજ્ઞાનિકપશુપાલનને પ્રાધાન્ય આપ્યું છે.
સૌની યોજનાથી નર્મદાના જળ અવતરણનું જળસિંચનનું મહા અભિયાન ઉપાડયું છે ત્યારે ખેતી ક્ષેત્રે ગામડા સમૃધ્ધ થાય તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાતનો ખેતી વિકાસદર દશ-અગીયર ટકા વટાવી ગયો છે ત્યારે ભારતનો કૃષિ દર માંડ ત્રણ ટકા રહયો છે. વિકાસનું મોડેલ કેવું હોય તે ગુજરાતે પુરવાર કર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા પ્રભારી અને ઊર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલે નર્મદામૈયાના જળનું સૌરાષ્ટ્ર પ્રદેશમાં અવતરણ એ દુષ્કારને ભૂતકાળ બનાવનારું જળસંચય અભિયાન બનવાનું છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો, નર્મદા ડેમ જે સૌરાષ્ટ્રથી ૭૦૦-૮૦૦ કી.મી. દૂર છે તેના પાણી પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાના ૧૧૫ જળાશયોમાં ભરવાનું ભગીરથ ઇજનેરી કૌશલ્ય મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સાકાર થયું છે અને ૯૭૨ ઉપરાંત ગામોને લોકમાતા નર્મદાના જળ પહોંચવાના છે તેની ભૂમિકા તેમણે સ્વાગત પ્રવચનમાં આપી હતી.