મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના વેપાર ઉઘોગ વિશ્વના સ્નેહમિલનમાં એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, ભારતની આવતીકાલ ગુજરાતની છે. ગુજરાતમાં જે સામર્થ્ય અને શકિતઓ છે તે બધી જ તાકાત જોડીને આવતીકાલને સામર્થ્યવાન બનાવવી છે.
માત્ર સંપત્તિનું સર્જન જ નહીં પરંતુ માનવશકિત વિકાસના ક્ષેત્રોમાં ગુજરાતને વિકસિત દેશોના માપદંડની ઉંચાઇ ઉપર લઇ જવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટ-૨૦૦૯ની અપૂર્વ સફળતામાં સહભાગી બનેલા ગુજરાતના વેપાર ઉઘોગના પ્રતિનધિઓનું સ્નેહમિલન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝના પ્રમુખ શ્રી રૂપેશ શાહ દ્વારા યોજવામાં આવ્યું હતું.
રાજ્યના ચેમ્બર સહિત ઉઘોગ વેપાર જગતે આ સમીટને અદભૂત સફળતા અપાવવામાં જે ફાળો આપ્યો છે તે પણ અભૂતપૂર્વ છે અને તે માટે રાજ્ય સરકારની આભારની લાગણી મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
ગુજરાતમાં જે જે સામર્થ્ય-શકિતઓ પડેલી છે તે બધી જ શકિતઓને જોડીને આવતીકાલના ગુજરાતનું નિર્માણ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી. આ સરકારનો પ્રમુખ એજન્ડા માનવવિકાસ ઇન્ડેક્ષનો છે અને જનસમાજના સામર્થ્યને જોડીને આરોગ્ય, શિક્ષણ, વંચિતોનો વિકાસ જેવા સામાજિક સુખાકારી-સુવિધાના ક્ષેત્રોમાં ગુણાત્મક પરિવર્તન લાવવા ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ નર્મદાના પીવાના પાણીનો પ્રબંધ, જળસંચય વ્યવસ્થાપન, નિર્મળ ગુજરાત જેવા અભિયાન, માતા અને બાળકને કુપોષણ તથા અસુરક્ષિત પ્રસુતિ સારવારની સમસ્યાથી થતા અપમુત્યુ નિવારવા માટે ચિરંજીવી યોજના, બાલસખા યોજના, ગરીબ સગર્ભાને સુખડી વિતરણ, ગ્રામ્ય ગરીબ બાળકોને ભગવાનના ભાગરૂપે દૂધનો પોષક આહાર, ૧૦૮ ઇ.એમ.આર.આઇ.ની પ્રસુતિ સેવા, આંગણવાડી અપગ્રેડેશન જેવી અનેક વિવિધ નવી પહેલરૂપ યોજનાઓની સફળતાની વિગતવાર ભૂમિકા આપી હતી.
સામાજિક સુખાકારીમાં ગુણાત્મક બદલાવનું વિઝન રજૂ કરતાં તેમણે જણાવ્યું કે, જનસુખાકારીની પાયાની સમસ્યાઓના કાયમી ઉકેલમાં સમાજશકિતને પહેલીવાર જોડી છે અને બેટીબચાવો સામાજિક આંદોલન પ્રેરિત કરીને સ્ત્રી-પુરૂષ દરના અસમતુલનનો કાયમી ઉકેલ લાવવાનું અભયિન ઉપાડયું છે. ગરીબોને ઝડપી ન્યાય મળે તે માટે ન્યાયતંત્રને નવી પહેલ માટે પ્રેરિત કરીને ગુજરાતમાં ઇવનીંગ કોર્ટથી ઝડપી ન્યાયની ક્રાંતિની દિશા બતાવી છે.
પાંચ વર્ષ પહેલા ૪૫ લાખ કોર્ટ કેસ પેન્ડીંગ હતા, ૬૫ લાખ નવા ઉમેરાયા, 1 કરોડ કેસો પેન્ડીંગ થવા જોઇતા હતા પરંતુ ગુજરાતમાં ન્યાય પ્રણાલીમાં ગુણાત્મક પરિવર્તન આવતા આજે ૨૫ લાખ જ બાકી રહ્યા છે અને ૨૦૧૦માં તો એવી તંદુરસ્ત સ્થિતિનું નિર્માણ થશે, જ્યારે જે વર્ષે કેસ કોર્ટમાં નોંધાશે તે જ વર્ષે કોર્ટના બોર્ડ ઉપર મુકાશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રૂપેશભાઇ શાહે સ્વાગત પ્રવચનમાં વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટની જ્વલંત સફળતાનું સંપૂર્ણ શ્રેય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ધદ્રષ્ટીભર્યા આયોજન અને રાજ્ય સરકારની સર્વાંગી વિકાસની પ્રતિબધ્ધતાને આપ્યું હતું. રાજ્યના સમગ્રતયા વિકાસમાં ચેમ્બર ઓફ કોમર્સ રાજ્ય સરકાર સાથે સહયોગ કરવા સદાય તત્પર રહેશે તેવો વિશ્વાસ તેમણે આપ્યો હતો.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી અશોભાઇ ભટ્ટ, મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સર્વ શ્રી વજુભાઇ વાળા, આનંદીબેન પટેલ, ફકીરભાઇ વાધેલા, દિલીપભાઇ સાંધણી, નિતિનભાઇ પટેલ તથા રાજ્ય મંત્રીશ્રીઓ પર્વતભાઇ પટેલ અને જયસિંહજી ચૌહાણ તથા અમદાવાદના મેયર શ્રી કાનાજી ઠાકોર સહિત વિવિધ સમાજ વર્ગોના પ્રતિનિધિઓ, વરીષ્ઠ ઉઘોગ વેપાર સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.