મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સમગ્ર ગ્રામપ્રદેશમાં ત્રણ દિવસના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ર૦૦૯-જનઅભિયાનનો ગુરૂવાર તા.૧૮ જૂનથી પ્રારંભ થઇ રહ્યો છે.
પ્રથમ દિવસે મુખ્ય મંત્રીશ્રી દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વનવાસી ગામોમાં પ્રાથમિક શિક્ષણને ગૂણવત્તાસભર બનાવવા માટેના સામાજિક આંદોલનની આહ્લેક જગાવશે. તેઓ કલિયારી, વેલણપુર, જામનપાડા, ગવળી ફળીયાના ગામોમાં વનવાસી કન્યાઓને શિક્ષિત બનાવવાનું અભિયાન હાથ ધરશે.
મુખ્યમંત્રીશ્રી પ્રેરિત કન્યા કેળવણી મહોત્સવના ગ્રામ્ય અભિયાનમાં મંત્રીમંડળ, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને સચિવશ્રીઓ પણ વિવિધ ગામોમાં ત્રણ દિવસ સુધી પ્રાથમિક શિક્ષણની જ્યોત પ્રગટાવશે.