મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલે અષાઢી બીજના કચ્છી નૂતન વર્ષ પ્રસંગે કચ્છ સહિત સમગ્ર ગુજરાત અને રાજય બહાર વસતા સૌ કચ્છી સમાજના નાગરિકોને હાર્દિક શુભ કામના પાઠવતા જણાવ્યું છે કે કચ્છી નવુ વર્ષ સમગ્ર કચ્છમાં સમૃધ્ધિ અને ખુશાલી સાથે સુખદાયી નિવડશે.
વીરભૂમિ ઝારા ડુંગર ઉપર અષાઢી બીજ મહોત્સવમાં ભાગ લેવા અષાઢી બીજ, બુધવારની સંધ્યાએ કચ્છ જનારા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર કચ્છની અત્યંત ગતિશીલ આર્થિક, સામાજીક અને શૈક્ષણિક ગતિવિધિઓને આગળ ધપાવવાનો નિર્ધાર વ્યકત કરતા શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે સમગ્ર દેશમાં સર્વાંગીણ વિકાસની દ્રષ્ટિએ કચ્છનું કલેવર બદલાઇ ગયું છે અને એક સમયે પછાત ગણાતો કચ્છ પ્રદેશ આજે સમૃદ્ધિ અને સંપદાની દ્રષ્ટિએ વિકસીત અને સંપન્ન બન્યો છે ત્યારે રાજ્ય સરકાર અને જનભાગીદારીના સમન્વયથી કચ્છ સર્વસમાવેશક વિકાસની નવી ક્ષિતિજોને પણ સાકાર કરશે.
કચ્છની આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓએ દેશ અને દુનિયાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે સાથે કચ્છના દરિયાકાંઠા આધારિત આધૂનિક માળખાકિય સુવિધાઓ સાગરખેડૂ વિકાસ પેકેજ, એસ.ઇ.ઝેડ.ની સ્થાપના તેમજ કોસ્ટલ એરીયા ડેવલપમેન્ટની નવી ક્ષિતિજો આકાર લઇ રહી છે.
હિન્દુસ્તાનના આર્થિક વિકાસનું તોરણ બની રહેનારો કચ્છનો રણપ્રદેશ નવા સીમાચિન્હ સ્થાપવાની દિશામાં ધબકતો બની ગયો છે. અને ખમીરવંતા કચ્છીઓની ભાગીદારીથી વિકાસયાત્રાની આ ગતિ નવા વર્ષમાં વધુ તેજ બનશે તેવી કામના તેઓએ પાઠવી છે.