મુખ્યમંત્રી નિવાસ સંકુલમાં સુરક્ષા સેવાના સાથી પરિવાર સાથે સહભાગી બની શસ્ત્રપૂજા કરી
જાહેર સમારંભોમાં જનતાએ ભેટ આપેલ તલવાર જેવા શસ્ત્રોનું પૂજન કરવાની ગરિમામય પરંપરા સંપન્ન
શસ્ત્ર ભક્તિનો મહિમા : શસ્ત્રો નિર્દોષો અને સમાજની રક્ષા માટે છે, તેનો દુરુપયોગ થાય નહી..
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વિજયા દશમીના પ્રભાતના પ્રહોરમાં, તેમના નિવાસ સંકુલમાં સુરક્ષાસેવા સાથી પરિવાર સાથે સહભાગી બનીને, ભેટમાં મળેલા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યુ હતું. સમાજ અને રાષ્ટ્ર્રરક્ષા માટે પ્રતિબધ્ધ સુરક્ષાસેવાના સહુ કર્મયોગીઓને તેમણે શસ્ત્ર-ભક્તિનો મહિમા આત્મસાત કરવા પ્રેરક આહવાન કર્યુ હતું.
વિજયા દશમીના પર્વે, દર વર્ષની પરંપરા અનુસરીને, સુરક્ષા સેવાના તમામ સાથી-સહયોગીઓનો પરિવાર મુખ્યમંત્રીશ્રીના નિવાસે આ શસ્ત્રપૂજનમાં ઉપસ્થિત રહ્યો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદીને જાહેર કાર્યક્રમોમાં ભેટ મળેલા તલવાર, તીર-કામઠા જેવા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીના શક્તિ-આરાધનાના પર્વ પછી વિજયાદશમીનું પર્વ વિજયોત્સવ સાથે જોડાયેલું છે અને શસ્ત્ર-શક્તિનો મહિમા આસુરી તાકાતો સામે દૈવી શક્તિના વિજયનું મહાત્મય દર્શાવે છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુકે સુરક્ષા સેવાના સહયોગીઓનું જીવન શસ્ત્ર સાથે જોડાયેલું છે. શસ્ત્રની ભક્તિ આપણને તેના દૂરૂપયોગ ની વૃત્તિથી દૂર રાખે છે.
આપણી રામાયણ કાળની સંસ્કૃતિમાં સંસ્કાર, વિવેક થી જ શસ્ત્ર કે સત્તાના અહંકારથી આપણે દૂર રહી શકીએ તે રામચંદ્રજીના આદર્શ જીવન અને અહંકારી રાવણના પતનની સ્થિતી સમજાવે છે તેમ દ્રષ્ટાંતો સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું.
સુરક્ષા સેવાના કર્મયોગીના કઠોર સેવા પરિશ્રમની તનાવ મુક્ત જીંદગી માટે અને તેમના પરિવારના સુખ શાંતિ માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તન-મન ને સ્વસ્થ રાખવા માટેનું પ્રેરક માર્ગદર્શન પણ આપ્યુ હતું. જીવનની પ્રગતિમાટે બુરાઇઓ ઉપર વિજય મેળવવા અને શસ્ત્ર હોય, શાસ્ત્ર હોય કે શરીર હોય વિવેક અને વ્યવહાર બધામાં આપણે પવિત્રતાના ભાવથી સંક્લ્પરત રહીએ એમ તેમણે જણાવ્યુ હતું અને સુરક્ષા કર્મીઓના કુટુંબીજનોને વિજયા દશમીની શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સુરક્ષા અધિકારીશ્રી પ્રેમવીરસિંધ સહિત સુરક્ષાસેવાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યુ હતું.