પા્રચીન ઉનાઇ તીર્થક્ષેત્રનો ભવ્ય મહિમામંડિત
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉનાઇ માતા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન .
ઉનાઇમાં ગરમ પાણીના ઝરામાંથી જીઓ થર્મલ ઉર્જા માટે રૂા.૫૦ કરોડનો પ્રોજેકટ .
ભગવાન રામચન્દ્રજીના પ્રાચીન સ્મૃતિસ્થાનોને સાંકળીને રામ પગદંડીનો રૂા.૩૦ કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરાશે
નવસારી જિલ્લાના વિકાસ માટે રૂા.૭૦૧ કરોડના નવા આયોજન .
પીવાના પાણીના માટે રૂા.૨૦૦ કરોડ .
શ્રીલંકાની સરકાર રામચન્દ્રજીના શ્રીલંકાના સ્મૃતિસ્થળોનો પ્રવાસન વિકાસ કરશે ઃ ગુજરાત સરકાર સાથે સહયોગ
રૂા.૧૫૦૦૦ કરોડની વનબંધુ કલ્યાણ યોજના માટે આગામી પાંચ વર્ષમાં વધુ રૂા.૪૦૦૦૦ કરોડ .
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દક્ષિણ ગુજરાતના વનવાસી ક્ષેત્રે ઉનાઇના પ્રાચીન તીર્થ ક્ષેત્રમાં ઉનાઇ માતા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સમગ્ર પ્રદેશમાં વનવાસીઓ માટે આર્થિક સમૃધ્ધિનું પ્રાણપ્રતિષ્ઠા ગણાવ્યો હતો. ઉનાઇ માતાજીના મંદિરના નવનિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવા મંદિરમાં ભકિતભાવપૂર્વક પૂજાઆરતીદર્શન કર્યાં હતાં. આપણી સંસ્કૃતિની પરંપરામાં આધ્યાત્મિક ચેતના અને યાત્રાનું અનોખું મહાત્મ્ય છે અને ઉનાઇ માતાના રામાયણ કાળના પ્રાચીન તીર્થ ક્ષેત્રનો મહિમા મંડિત કરીને પ્રવાસન ઘ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત સમગ્ર ભારતના ભાવિકો માટે એક ઉત્તમ ધાર્મિક તીર્થ અને શ્રધ્ધાનું કેન્દ્ર બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.ઉનાઇ માતાજીના પ્રાચીન ઇતિહાસ અને રામજી ભગવાનના પુનિત પગલાં તથા ગરમ પાણીના ઝરાની લોકવાયકાની બધીજ જગ્યાઓના વિકાસ માટેનો પ્રોજેકટ રૂા.૩ કરોડના ખર્ચે હાથ ધર્યો છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રામ ભગવાન શ્રીલંકામાં પહોંચ્યા હતા અને ડાંગથી લઇને રામ પગદંડીના પાંચેય તીર્થક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકારે રૂા.૩૦ કરોડનો રામ પગદંડી પ્રોજેકટ પણ હાથ ધર્યો છે.
ઇતિહાસ કેવી કરવટ બદલે છે તેની ભૂમિકા આપી, મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, હવે તો શ્રીલંકાની સરકારે પણ શ્રીરામચન્દ્રજીના તમામ સ્મૃતિસ્થાનોના વિકાસનો પ્રોજેકટ હાથ ધર્યો છે અને ગુજરાત સરકાર સાથે પ્રવાસન વિકાસમાં રામ ટ્રેઇલ પ્રોજેકટ હાથ ધરશે. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી કલ્યાણ માટેની વનબંધુ યોજના આગામી પાંચ વર્ષ માટે વધુ વિસ્તૃત ફલક પર લંબાવીને રૂા.૪૦ હજાર કરોડની કરવાની મહત્ત્વાકાંક્ષી જાહેરાત કરી હતી અને રાજયના બજેટમાં આદિવાસી સંતાનો અને કન્યાઓના શિક્ષણની સુવિધા વધારવા માટે શિષ્યવૃત્તિઓ તથા ગણવેશ સહાયની વધારાની જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સદ્ભાવના મિશન અંતર્ગત નવસારી જિલ્લાના વિકાસની ગતિ તેજ બનાવવા રૂા.૭૦૧ કરોડના નવા વિકાસકામોની આયોજનની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સમુદ્રકાંઠના ગામોમાં પીવાના પાણીની સાત નવી જૂથ યોજના કાકરાપાર જળાશય આધારિત હાથ ધરવા રૂા.૨૦૦ કરોડનો પ્રોજેકટ હાથ ધરાશે, એમ ઉમેર્યુ હતું.
ઉનાઇ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અવસરે સૌને આવકારતાં યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ શ્રી મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આપણા પુરાણો અને ઙ્ગષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિના આસ્થા સાથે જોડાયેલા આસ્થાના કેન્દ્રોને આગવી ઓળખ આપી, ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવાનું કાર્ય કર્યુ છે. દક્ષિણ ગુજરાતના ડાંગમાં આવેલા અંજનીકુંડ, પંપા સરોવર, શબરીધામ, રામેશ્વર અને ઉનાઇ માતાજીના ધામ જયાં ભગવાન શ્રીરામ ગયા હતાં એવા ધામોને વિકસાવવા રામટ્રેઇલ પ્રોજેકટ બનાવાયો છે. જેના ભાગરૂપે રૂા.૩.૫૦ કરોડના ખર્ચે ઉનાઇ માતાજીના મંદિર અને પરિસરનું નિર્માણ થયું છે. તેમણે ગુજરાત વિશ્વના નકશામાં વિકાસની ઉંચાઇએ સર કરે અને આગવા ગુજરાતનું નિર્માણ થાય અને સર્વશકિતઓની સથવારે ગુજરાત સામર્થ્યવાન બને તેવી શુભેચ્છા વ્યકત કરી હતી.
રાજય પ્રવાસન મંત્રીશ્રી જિતેન્દ્રભાઇ સુખડિયાએ આ અવસરે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામના જયાં પાવન પગલાં પડયાં હતાં એવા દક્ષિણ ગુજરાતના સ્થાનોનો વિકાસ કરવાનો નિર્ધાર સરકારે કર્યો છે ત્યારે આ યાત્રાધામોના વિકાસમાં લોક સહયોગની જરૂર છે. રાજયના વિકાસમાં લોકોએ લોકભાગીદારી કરી છે, તેવો સહયોગ પ્રવાસધામોના વિકાસના લોકો દર્શાવે તે આવશ્યક છે. યાત્રાધામોમાં ધાર્મિક લાગણી પ્રબળ અને સંસ્કૃતિને અનુરૂપ વાતાવરણ ઊભંુ થાય તેવા સરકારના પ્રયાસો રહ્યા છે. યાત્રાધામોના વિકાસના કારણે દેશવિદેશીઓના પ્રવાસીઓમાં ખૂબ વધારો થયો છે. બે કરોડથી વધુ પ્રવાસીઓએ ગત વર્ષે ગુજરાતના પ્રવાસધામોની મુલાકત લીધી હતી.
આ પ્રસંગે વનપર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઇ પટેલ, રાજયસભા સાંસદ શ્રી કાનજીભાઇ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી વિજયભાઇ પટેલ, શ્રી લક્ષ્મણભાઇ પટેલ, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી આર.સી.પટેલ, વાંસદાના રાજા દિગ્વીરેન્દ્રસિંહ, દંડક શ્રીમતી ઉષાબેન પટેલ સહિત અન્ય મહાનુભાવો સહિત વનવાસી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં