નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારતીય સરહદો વટાવી ચૂકી છે! અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી, ચીનથી લઈને યુરોપ સુધી આપણને એવા લોકો મળી જ રહેશે, જે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલીથી પ્રભાવિત હોય. વાયબ્રન્ટ ગુજરાત પરિષદોએ એક શાસનકર્તા તરીકે નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય આભા સુપેરે દર્શાવી હતી. આ પરિષદોમાં એક સોથી વધુ દેશો ભાગ લે છે અને તેના પરિણામો આપણી સામે જ છે. આ પરિષદો ગુજરાતમાં મૂડીરોકાણો અને આર્થિક વિકાસ લાવી. શ્રી મોદીએ વિદેશોમાં વસેલા ગુજરાતીઓને પણ એટલી જ હદે પ્રભાવિત કર્યા છે અને તેનું કારણ ગુજરાતમાં થયેલા કામો છે. એ વાતમાં સહેજ પણ આશ્ચર્ય નથી કે, પ્રવાસી ભારતીય દિવસ પ્રસંગે પણ લોકો જેની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એવા વક્તા શ્રી મોદી જ છે. તેમણે ખૂબજ બહોળા પ્રવાસ ખેડ્યા છે અને ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, મોરિશિયસ, થાઈલેન્ડ તથા યુગાન્ડા સહિતના દેશોની મુલાકાતોનો એમાં સમાવેશ થાય છે.
ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી તેના એક મહિનામાં જ એ વખતના પ્રધાન મંત્રી શ્રી અટલ વિહારી વાજપેયીના નેતૃત્ત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ રશિયાની મુલાકાતે ગયું હતું અને તેમાં મોદી પણ સામેલ હતા. તેમણે એ વખતે જ રશિયાના અસ્ત્રાકન પ્રાંત સાથે એક સિમાચિહ્નરૂપ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
ગુજરાત અને રશિયા વચ્ચેના સંબંધો એ પછીના વર્ષોમાં વધુ ગાઢ બનતા જ ગયા, કારણ કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ રશિયાની અનેક સત્તાવાર મુલાકાતો લીધી હતી તથા બન્ને વચ્ચે ઊર્જાના ક્ષેત્રે ખૂબજ મહત્વનો સહયોગ સધાયો હતો.
ઈઝરાયેલના પ્રવાસે ગયેલા એક ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિમંડળમાં સામેલ ભારતીય નેતાઓમાં પણ નરેન્દ્ર મોદીનો સમાવેશ થતો હતો. આજે ગુજરાત અને ઈઝરાયેલ વચ્ચે એક સશક્ત ભાગીદારી આકાર લઈ રહી છે અને ખાસ કરીને માનવ સંસાધનો, કૃષિ, પાણી, વીજળી તથા સુરક્ષાના ક્ષેત્રોમાં મહત્વનો સહયોગ સ્થાપિત થયો છે.
ભારત અને અગ્નિ (દક્ષિણ-પૂર્વ) એશિયા વચ્ચેના સંબંધો તો સદીઓ જૂના છે અને તે આજે પણ એટલા જ મજબૂત છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અગ્નિ એશિયાના દેશોની તો અનેકવાર મુલાકાતો લીધી હતી. તેઓ હોંગકોંગ, મલેશિયા, સિંગાપોર, તાઈવાન તથા થાઈલેન્ડના પ્રવાસે જઈ આવેલા છે અને આ દેશો પણ વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવો સહિત ગુજરાતમાં યોજાતા વિવિધ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવોમાં સક્રિય રીતે ભાગ લેતા રહે છે.
શ્રી નરેન્દ્ર મોદીએ 2011માં ચીનના પ્રવાસ વખતે ત્યાં ચેંગડુ પ્રાંતમાં હુઆવે ટેકનોલોજીઝના સંશોધન અને વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન સાથે નિકટના આર્થિક સબંધો વિકસાવીને ગુજરાત માટે પણ તકોના એક નવા જ વિશ્વના દ્વાર ખુલ્લા મુક્યા હતા. તેઓએ ચીનના ત્રણ સત્તાવાર પ્રવાસ ખેડ્યા હતા, જેમાં છેલ્લો પ્રવાસ નવેમ્બર, 2011માં હતો. એ પ્રવાસ વેળાએ ચીનની ટોચની નેતાગીરીએ બેઈજિંગના લોકોના ધ્રી ગેઈટ હોલમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. આવું સન્માન ચીન દ્વારા સામાન્ય રીતે કોઈપણ અન્ય દેશના વડાને જ અપાય છે. તેમની ચીનની મુલાકાતોના પગલે, ગુજરાતમાં મોટા પાયે ચીની મૂડીરોકાણ થયું છે અને તેમાં સિચુઆન પ્રાંત – ગુજરાત વચ્ચે એક સમજુતીપત્ર ઉપર સહી-સિક્કા તથા ચીની કંપની હુઆવેની સહાયથી એક સંશોધન અને વિકાસ કેન્દ્રની સ્થાપનાનો સમાવેશ થાય છે.
શ્રી નરેન્દ્ર મોદીએ જુલાઈ 2012માં જાપાનની મુલાકાત લીધી હતી તે વખતે ત્યાંના ટોચના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી રહેલા જણાય છે.
પૂર્વ સાથેના સંબંધો આટલેથી જ પુરા નથી થતા. જાપાન ગુજરાતનું એક મહત્વનું આર્થિક ભાગીદાર છે અને વાયબ્રન્ટ ગુજરાત પરિષદોને તેનું સતત સમર્થન મળતું રહ્યું છે. દિલ્હી – મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઈસી) ગુજરાતની આર્થિક ભૂરચનામાં ધરખમ પરિવર્તન લાવનારો બની રહેશે અને તે યોજનાને જાપાનની સહાયથી પણ જાપાન અને ગુજરાતના સંબંધો વધુ મજબૂત બન્યા છે. 2012માં નરેન્દ્ર મોદી જાપાનની ઐતિહાસિક યાત્રાએ ગયા હતા અને ત્યાં તેમણે જાપાનના ટોચના પ્રધાનો સાથે પરામર્શ કર્યો હતો, તો તેઓ શિન્ઝો એબે (હાલમાં જાપાનના પ્રધાનમંત્રી, એ વખતે તેઓ વિરોધ પક્ષમાં હતા)ને પણ મળ્યા હતા. જાપાનની સાથે સાથે, મુખ્યમંત્રી મોદીની દક્ષિણ કોરિયાની મુલાકાતે પણ બન્ને વચ્ચે ફળદાયી આર્થિક તથા સાંસ્કૃતિક આદાન પ્રધાન થયું છે અને તેનાથી ગુજરાતના એકંદર વિકાસને વેગ મળ્યો છે.
શ્રી શિન્ઝો એબે સાથે શ્રી નરેન્દ્ર મોદી
ગુજરાતીઓએ પૂર્વ આફ્રિકાના રાજકીય અર્થતંત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને આજે પણ પૂર્વ આફ્રિકાના દેશોમાં ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી છે, ત્યારે ગુજરાત અને પૂર્વ આફ્રિકાના દેશો વચ્ચે ઘનિષ્ઠ સંબંધો કેળવવાનું શ્રી મોદી માટે ખૂબજ સ્વાભાવિક રહ્યું છે. તેઓએ કેન્યા અને યુગાન્ડાની અત્યંત સફળ યાત્રાઓ કરી હતી અને ત્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ગુજરાતમાં થયેલા વિકાસથી કેન્યા અને યુગાન્ડાની સરકારો પણ ખૂબજ પ્રભાવિત થઈ હતી. જાન્યુઆરી 2014માં દક્ષિણ આફ્રિકાના હાઈકમિશનર શ્રી મોદીને મળ્યા હતા અને 2015માં મહાત્મા ગાંધીની ભારતમાં વાપસીના 100 વર્ષની ઉજવણી કરવાની મોદીની યોજનાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા. (ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત પાછા ફર્યા હતા).
દક્ષિણ આફ્રિકાના હાઈ કમિશનર શ્રી એફ. કે. મોરૂલની આગેવાની હેઠળના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે શ્રી નરેન્દ્ર મોદી
અનેક પ્રસંગોએ નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓએ સંખ્યાબંધ ભારતીયોના ચહેરા ઉપર ખૂબજ આનંદની લાગણીઓ ચમકાવી છે. સ્વ. સ્વાતંત્ર્ય સેનાની શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ પુષ્પો 50 વર્ષ કરતા પણ વધુ સમય પછી સ્વિત્ઝરલેન્ડથી પાછા લાવી શકાય તે માટે તેમણે સફળતાપૂર્વક જહેમત ઉઠાવી હતી અને એ માટે તેઓ પોતે જીનીવા ગયા હતા અને અસ્થિ પુષ્પો પાછા લાવ્યા હતા.
સ્વિત્ઝરલેન્ડમાં 2003માં સ્વ. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ પુષ્પો સ્વીકારી રહેલા શ્રી મોદી
2011માં ચીનની જેલોમાં સબડી રહેલા ભારતના હીરાના વેપારીઓ સામેના કેસોની કાર્યવાહી ઝડપી બનાવવા તેમણે ચીની સત્તાવાળાઓને કરેલી અપીલ ખૂબજ બહુમૂલ્ય બની રહી હતી કારણ કે તેના પગલે કાર્યવાહી ઝડપી તો બની જ હતી, સાથે સાથે કેટલાક વેપારીઓ વતન પાછા પણ ફરી શક્યા હતા.
શ્રી મોદીએ એ વખતે ભારતના પ્રધાનમંત્રીને ખૂબજ મક્કમતાપૂર્વક પડકાર્યા પણ હતા અને સર ક્રીક બાબતે કોઈ સમજુતી કે સમાધાન કરવા સામે ચેતવણી આપતા કહ્યું હતું કે, તેનાથી ભારતના વ્યૂહાત્મક તથા આર્થિક હિતોને નુકશાન થશે.. મંચ ઉપર પણ તેઓ વિશ્વના ટોચના નેતાઓ સાથે પરામર્શ કરતા હોય ત્યારે શ્રી નરેન્દ્ર મોદી માટે હંમેશા “ઈન્ડિયા ફર્સ્ટ” (ભારતના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા) મુખ્ય હોય છે.
દક્ષિણ એશિયામાં પણ નરેન્દ્ર મોદી એટલા જ લોકપ્રિય છે. 2011માં કરાચી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ ગુજરાતના વિકાસના મુદ્દે વાત કરવા ચેમ્બરની બેઠકને સંબોધન માટે તેમને આમંત્રણ આપ્યું હતું. કેસીસીઆઈના કાર્યાલયનું ભૂમિપૂજન 1934માં મહાત્મા ગાંધીએ કર્યું હતું અને ચેમ્બરે કેસીસીઆઈ કાર્યાલયના બિલ્ડીંગની પ્રતિકૃતિ શ્રી મોદીને સ્મૃતિ ચિન્હ તરીકે અર્પણ કરી હતી. શ્રીલંકાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ત્યાંની યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતા શ્રી રાનિલ વિક્રમસિંઘે પણ શ્રી મોદીને મળ્યા હતા અને ગુજરાતના વિકાસની વાત કરવા તેમને શ્રીલંકાની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ગુજરાત અને યુરોપ વચ્ચેના સંબંધો પણ ઐતિહાસિક રીતે સર્વોચ્ચ સ્તરે રહ્યા છે. ગ્રેટ બ્રિટનના હાઈ કમિશનર, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ, ડેન્માર્ક તથા સ્વીડનના રાજદૂતોએ 2012 અને 2013માં શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ સાથે પણ મોદીએ પરામર્શ એ વખતે કર્યો હતો. ઈયુના નેતાઓ, પ્રતિનિધિઓએ પણ છેલ્લા એક દાયકામાં થયેલા ગુજરાતના વિકાસની પ્રશંસા કરી હતી.
યુરોપિયન દેશો ગુજરાતમાં દરેક ક્ષેત્રે આકર્ષક તકો માટે નજર દોડાવી રહ્યા છે, પછી તે આર્થિક હોય કે સામાજિક અથવા સાંસ્કૃતિક ક્ષેત્ર હોય.
એટલાંટિક મહાસાગર પારથી પણ શ્રી નરેન્દ્ર મોદીની કામગીરીની પ્રશંસા થયેલી છે. સપ્ટેમ્બર 2011માં અમેરિકી કોંગ્રેસની રીસર્ચ સેવાના એક અહેવાલમાં શ્રી મોદીને ‘કિંગ ઓફ ગવર્નન્સ’ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. તે અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ગુજરાત અસરકારક ગવર્નન્સ તથા પ્રભાવશાળી વિકાસનું ભારતમાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું હતું અને ભારતના આર્થિક વિકાસમાં તે મહત્ત્વનું ચાલક બળ પણ બન્યું હતું. “આર્થિક પ્રક્રિયાઓ સ્ટ્રીમલાઈન કરવા, લાલ ફિતાશાહી દૂર કરવા તથા ભ્રષ્ટાચાર ઉપર કાબુ મેળવવા” બદલ મોદીની સરાહના કરવામાં આવી હતી.
વિશ્વના અગ્રણી ન્યૂઝ મેગેઝિન્સમાંના એક, ટાઈમે 26મી માર્ચ, 2012ના અંકમાં કવર પેજ ઉપર ‘મોદી મીન્સ બિઝનેસ’ શિર્ષક હેઠળના મુખ્ય અહેવાલ સાથે તેમની તસવીર ચમકાવી હતી. ટાઈમના કવર પેજ ઉપર ચમકી ચૂક્યા હોય તેવા અન્ય ભારતીય લોકોમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, લાલ બહાદૂર શાસ્ત્રી તથા આચાર્ય વિનોબા ભાવેનો સમાવેશ થાય છે. ટાઈમ મેગેઝિને ગુજરાતના છેલ્લા એક દાયકાના વિકાસને બિરદાવ્યો હતો અને નરેન્દ્ર મોદીને “એક મક્કમ, નો નોનસેન્સ નેતા ગણાવ્યા હતા, જે દેશને એવા વિકાસના માર્ગે દોરી જશે કે ભારત સંભવત્ ચીનની સમકક્ષ પહોંચી જશે”. 2014માં નરેન્દ્ર મોદીને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં સ્થાન મળ્યું હતું.
અમેરિકાની મોખરાની થિંક ટેંક્સમાંની એક, બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટ્યુશને પણ ગુજરાતના છેલ્લા એક દાયકાના વિકાસની પ્રશંસા કરી હતી. તેના મેનેજિંગ ડાયરેક્ટર વિલિયમ એન્થોલિસે એવું લખ્યું હતું કે, નરેન્દ્ર મોદી “એક પ્રતિભાશાળી અને અસરકારક રાજકીય નેતા છે અને તેઓ પોતે એવી જ શિખામણ આપે છે કે જેનું તેઓ પોતે પણ આચરણ કરતા હોય”. તેમણે પણ ગુજરાતને એક એવા રાજ્ય તરીકે ઓળખાવ્યું છે જેનો વિકાસ વિશ્વમાં અન્ય કોઈપણ સ્થળ કરતાં વધુ વેગવંતો રહ્યો હોય, ચીનના મોટા ભાગના વિસ્તારો સહિત.
અગ્રણી બિઝનેસ અખબાર ફાયનાન્સિયલ ટાઈમ્સે “મોદી પુટ્સ ગુજરાત ગ્રોથ ઓન એ ફાસ્ટ ટ્રેક” (મોદીએ ગુજરાતની વિકાસયાત્રાને વેગવંતી બનાવી) શિર્ષક હેઠળના એક લેખમાં ગુજરાતના વિકાસની સરાહના કરી હતી. એફટીએ ગુજરાતને બે આંકડામાં વાર્ષિક વૃદ્ધિ દર ધરાવતા ભારતના રોકાણકાર પ્રત્યે સૌથી વધુ મૈત્રીપૂર્ણ રાજ્ય તરીકે વર્ણવ્યું હતું. અખબારે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં એક દાયકાની શાંતિએ રાહ ચિંધ્યો છે અને તે મુજબ ગુજરાતમાં સમાજના તમામ વર્ગો, ખાસ કરીને યુવા પેઢી વધુ ધબકતી આવતીકાલના સપના જુએ છે.
લેટિન અમેરિકી તેમજ કેરેબિયન દેશો (એલએસી) દેશોના એક પ્રતિનિધિમંડળ સાથે જુન, 2013માં શ્રી નરેન્દ્ર મોદી
અમેરિકન ખંડના અન્ય દેશો પણ ગુજરાતની સફળતાથી એટલા જ પ્રભાવિત છે. શ્રી નરેન્દ્ર મોદી જુલાઈ 2012માં 7 લેટિન અમેરિકી તેમજ કેરેબિયન દેશોના રાજદૂતોના એક સર્વોચ્ચ સ્તરના પ્રતિનિધિમંડળને મળ્યા હતા, જેમાં બ્રાઝિલ, મેક્સિકો, પેરૂ તથા ડોમિનિકન રીપબ્લિકનો સમાવેશ થાય છે. આ દૂતોએ ગુજરાતના વિકાસની પ્રશંસા તો કરી જ હતી, પણ સાથે સાથે પોતપોતાના દેશો અને ગુજરાત વચ્ચે સહકારની સંભાવનાઓ ચકાસી જોવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ ટ્રેડ સેન્ટર, લાકડા, ઈમારતી લાકડા તથા માર્બલ માટેના એસઈઝેડની સ્થાપનાનો આઈડિયા પ્રતિનિધિઓને આપ્યો હતો.
અમેરિકામાં 12 અલગ અલગ શહેરોમાં એનઆરઆઈઝના એક વિશાળ સમુદાયને 20મી મે, 2012ના રોજ તેમની ગુજરાત દિનની ઉજવણીઓના એક ભાગરૂપે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. એ સર્વગ્રાહી પ્રવચનમાં મોદીએ ગુજરાતમાં લેવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પગલાની વિસ્તૃત યાદી રજૂ કરી હતી અને ગુજરાતમાં અર્થતંત્રના ત્રણે ક્ષેત્રો કેવી રીતે સમન્વયથી વૃદ્ધિ પામી રહ્યા છે એ પણ જણાવ્યું હતું. તેમના એ સંબોધનને એનઆરઆઈ દ્વારા ઘણો સારો પ્રતિભાવ મળ્યો હતો અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોએ સેટેલાઈટ, ટેલિવિઝન તથા ઈન્ટરનેટના માધ્યમથી તે જોયું – સાંભળ્યું હતું.
શ્રી મોદી ત્યારથી જ વિદેશોમાં વસેલા ભારતીય સમુદાયના લોકો સાથે નિયમિત રીતે સંવાદ સાધતા રહ્યા છે તેનો સૌથી છેલ્લો પ્રસંગ 2014માં નવી દિલ્હી ખાતે યોજાયેલો પ્રવાસી ભારતીય દિવસ હતો.
13મી ફેબ્રુઆરી, 2014ના રોજ એ વખતના અમેરિકાના ભારત ખાતેના રાજદૂત શ્રીમતી નાન્સી પોવેલે ગાંધીનગર પધારી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. બન્ને વચ્ચે અનેક મુદ્દાઓ ઉપર વ્યાપક ચર્ચાઓ થઈ હતી.
વિદેશી મહાનુભાવો સાથેના આ સંવાદ તેમજ તેમના દ્વારા કરાયેલી પ્રશંસા ભારતમાં તેમજ ભારત બહાર પણ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની જબરજસ્ત લોકપ્રિયતાના ઉદાહરણ છે. વેપારીઓથી લઈને સામાન્ય લોકો તથા વિશ્વ નેતાઓ સહિત તમામ સ્તરના લોકો શ્રી નરેન્દ્ર મોદી સાથે તેમને ગુજરાતનું જે રીતે પરિવર્તન કરીને તેને ‘રાજ્યને ભારતનું ગ્રોથ એન્જિન’ બનાવી દીધું છે, એ વિષે ચર્ચા કરવા ઉત્સુક છે!