ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બિઝનેસ મેનેજમેન્ટના ૩૩ વિદ્યાર્થીઓના ડેલીગેશને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ભારતના વિકાસનું તેમનું વિઝન, આંતરરાષ્ટ્રીય સંબંધો, શિક્ષણ અને માનવસંસાધન વિકાસ, મહિલા સુરક્ષા, યુવા સશકિતકરણ અને ભ્રષ્ટાચાર-નિવારણ સહિતના વિવિધ વિષયો ઉપર પ્રશ્નોત્તરી કરીને મુખ્યમંત્રીશ્રીના ચિન્તન-વિચારોથી ખૂબજ પ્રભાવિત થયું હતું.
ગુજરાતમાં ભ્રષ્ટાચારમૂકત સરકારની પ્રતિષ્ઠા ધરાવતા વહીવટીતંત્રમાં પારદર્શીતા અને અસરકારક પરિણામો માટેની પ્રક્રિયા તથા નીતિવિષયક નિર્ણયો સાથે જાહેરજીવનનું નેતૃત્વ પુરૂ પાડવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રસપ્રદ પ્રશ્નો પૂછીને ભારતના આગામી દશ વર્ષના વિકાસ વિઝનમાં ગાંધીજીની દોઢસોમી જન્મજ્યંતી (ર૦૧૯) અને આઝાદીના અમૃતપર્વ (ર૦ર૩) વિષયક સિમાચિન્હોની ભૂમિકા જાણી હતી.