મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૬૭ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કચ્છ યુનિવર્સિટી ખાતે સ્વામી વિવેકાનંદ જીવન-કવન પર આધારિત પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. તેમણે ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્વામીજીના જન્મ, અભ્યાસ, ગુરુ-શિષ્ય મિલન, સ્વામીજીનું દેશમાં ભ્રમણ, એક ભારતની કલ્પના વગેરેને આવરી લેતા સચિત્ર પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.
સ્વામીજીની શિકાગોમાં યોજાયેલી ધર્મ પરિષદમાં ઉપસ્થિતિ અને અમેરિકા, ઇંગ્લેન્ડમાં પ્રવચનમાળાથી લઇને ૪થી જુલાઇ ૧૯ર૦ ના રોજ સ્વામીજીએ ધ્યાનાવસ્થામાં પ્રાપ્ત કરેલી મહાસમાધિ સહિત સૌના જીવનમાં પ્રેરણામય બાબતોને યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા બખૂબી પ્રસ્તુત કરવામાં આવી છે.
સ્વામીજીએ નવેમ્બર ૧૮૯૧ થી એપ્રિલ ૧૮૯૨ સુધી ગુજરાતના અમદાવાદ, વઢવાણ, લીંબડી, ભાવનગર, ભૂજ, વેરાવળ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, માંડવી, પાલીતાણા, નડિયાદ, અને વડોદરા સહિત કુલ ૧૩ સ્થળોનું પરિવ્રાજક તરીકે ભ્રમણ કર્યું હોવાની વિગતોને પ્રદર્શનમાં આવરી લઇ સ્વામી વિવેકાનંદના જીવન કાર્યોને પણ આવરી લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી સાથે પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલ, સાંસદ સુશ્રી પુનમબેન જાટ, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જહા અને કમિશનરશ્રી રાજેશ માંજુ સહિત અધિકારીઓ, પદાધિકારીઓએ પ્રદર્શનને નિહાળ્યું હતું.