સમાજ માટેની સંવેદના જગાવતા અભિયાનને બિરદાવતા નરેન્દ્રભાઇ મોદી
સૂરત મહાનગરમાં વધુ ૪ જનહિતના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન
માહિતી વિભાગઃ ગુજરાત પાક્ષિક ૧ લાખ ૧૦ હજાર કૉલેજના વિદ્યાર્થીઓને ઘરબેઠા મળશે
સૂરતઃ રવિવારઃ- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સાંજે સૂરતમાં ભારતની સૌથી મોટી સૂરત નાઇટ મેરેથોનને પ્રસ્થાન કરાવતા સમાજ માટેની સંવેદના જગાવવા માટેના આ સામૂહિક શકિતના અભિયાન આપણી સાચી ઓળખ છે, તેમ કહ્યું હતું.
સૂરત મહાનગર સેવાસદન અને સમાજ શક્તિની સહભાગીતાથી સૂરત નાઇટ મેરેથોનનું આ અનોખું અભિયાન જનહિતાર્થે યોજવામાં આવ્યું હતુ઼. આ મેરેથોનમાં ૬૬૦૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો. મેરેથોનની આવકનું ભંડોળ સુરતમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા સર્વેલન્સ પ્રોજેકટ અને કેન્સરના દર્દીઓની સારવાર માટે વપરાશે.
મુખ્યમંત્રીશ્રીએ મહાપાલિકા ઉપક્રમે આજે સૂરતમાં વધુ ચાર લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસકામોના નજરાણા નગરવાસીઓને ચરણે ધર્યા હતા. જેનો કુલ ખર્ચ ૧૭૫ કરોડ રૂા. થવા જાય છે.
લોકાર્પણના બે વિકાસકામોમાં શહેરમાં બીઆરટીએસ માટેના બે ફલાયઓવર બ્રીજ તથા ખાતમુહૂર્તના બેકામોમાં મુખ્યમંત્રીશ્રી ગૃહ યોજના હેઠળ નવા આવાસોના નિર્માણ આજે રસ્તા-ડ્રેનેજ- પાઇપલાઇનના કામોનો સમાવેશ થાય છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીને માહિતી વિભાગના ગુજરાત પાક્ષિકના ગ્રાહક લવાજમ પેટે રૂા.૫૧ લાખના જનભાગીદારી દાતા ભંડોળનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૮૧ કોલેજોના ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓને ઘરબેઠા ‘ગુજરાત' વાંચવા મળશે.
માહિતી ખાતાના સાફલ્યગાથા આધારિત ‘અનુભૂતિ' પુસ્તકનું વિમોચન પણ તેમણે કર્યું હતું.
સૂરતીલાલાની ઉમંગમસ્તીના મિજાજ જ એની આગવી તાકાત છે અને એ ગુજરાતની પણ તાકાત છે એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય માનવીની અનુભૂતિ એ જ વિકાસની ઓળખ છે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી આવાસ યોજનાના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યા બાદ તેમણે આ ગૃહ યોજના ગરીબ-મધ્યમવર્ગોને પાકા મકાનના માલિક બનવાનું સપનું સાકાર કરશે, એમ જણાવ્યું હતું.
નાઇટ મેરેથોનની પહેલ કરવાનું શ્રેય સૂરતને આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સામૂહિક જીવન એ સમાજશકિતની પ્રવૃત્તિને ધબકતી રાખે છે, અને તેના માટેના આવા અભિયાનોમાં જોડાવું એ સમાજ માટેની સંવેદના માટેનો પ્રયાસ છે.