લોહ પુરૂષ સરદાર સાહેબે દેશને એકતાથી જોડયો ન હોત તો જૂનાગઢ જવા માટે વિઝા લેવાનો વારો આવત
ભારતનાં ખૂણે ખૂણે કીટબોક્ષ ગ્રામ પંચાયતોમાં અપાશે
મુખ્ય મંત્રીશ્રીઃ- સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણની પ્રગતિ સાથે દેશ એકતાની શકિત વધતી જશે
- ભારતની એકતાની દોડનો જન-જનનો મિજાજ હવે રોકી શકાશે નહીં
- હિન્દુસ્તાન એકતાની શકિતથી સામર્થ્યવાન વિકાસ કરવા આગળ
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ માટે ભારતનાં ગામે ગામ હાથ ધરાનારા ‘‘લોહાસંગ્રહ અભિયાન’’નાં કીટ બોક્ષ લઇ જતાં ટ્રક-વાહનોના કાફલાને આજે અમદાવાદથી પ્રસ્થાન કરાવતાં જણાવ્યું કે દેશમાં હવે એકતાની દોડ એકતાનો જનમિજાજ રોકાવાનો નથી. આ દેશ એકતાની શકિત ઉપર જ વિકાસ માટે આગળ વધવાનો છે.
જે દેશમાં રાજનીતિ વિભાજન ઉપર વિકસી રહી હોય અને સમાજ તોડો અને રાજ કરો ની રાજકીય વિકૃતિવાળા વાતાવરણ છતાં એકતાનો મંત્ર લઇને રાષ્ટ્રભરમાં ૧૧૦૦ સ્થાનો ઉપર ૫૦ લાખ દેશવાસીઓ એકતાની દોડ કરે તે જ આઝાદી પછીની જન ચેતનાની ઐતિહાસિક ધટના છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે સરદાર પટેલનાં એકતાનાં સ્મારક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણમાં ભારતનાં ૭ લાખ ગામોની પવિત્ર માટી અને લોહપુરૂષ સરદાર સાહેબનાં પ્રિય કિસાનોએ વાપરેલા લોખંડના ખેત, ઓજારો પ્રતિકરૂપે એકત્ર કરવાનો લોહાસંગ્રહ અભિયાન ઉપાડયું છે. ભારતની ૧.૮૭ લાખ ગ્રામ પંચાયતો માટે કુલ ત્રણ લાખ કીટ બોક્ષ લઇને દેશનાં ખૂણે ખૂણે ૧૦૦૦ ટ્રકો સ્વયં સેવકો સાથે એકતાનો સંદેશો લઇને પહોંચશે જે લોખંડનાં ખેત ઓજારો, બે કરોડ નાગરિકોની સ્વરાજયની સ્વરાજય પીટીશનનાં વિશ્વનાં સૌથી લાંબા બેનર્સ અને ગામે ગામની માટીનાં કળશ લઇ પરત આવશે.
સરદાર પટેલને લોહ પુરૂષ ગણાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, કેટલાંક લોકો સરદાર સાહેબને દેશવાસીઓનાં મનમાંથી ભુલાવી દેવા માટેના પ્રયાસો થયા તેમ છતાં દેશનાં જન-જન અને જન-મનમાં સરદાર સાહેબે એકતાનાં મંત્રની શકિતનો પ્રાણ પૂર્યો છે એટલે જ સરદાર પટેલની પુણ્યતિથિ-૧૫મી ડિસેમ્બરે દેશભરમાં એકતાની દોડ-રન ફોર યુનિટીનાં ગુજરાત સરકારનાં રાષ્ટ્રીય અભિયાનને વિક્રમસર્જક સફળતાં કાશ્મીર થી કન્યાકુમારી સુધી મળી છે. હિન્દુસ્તાન માટે વિવિધતામાં એકતા વિવશતા નથી પણ વિશેષતા છે તે ભાવ જેટલો મજબૂત બનશે એટલું હિન્દુસ્તાન શકિતશાળી બનશે અને આ જ ભાવથી ભારતનાં ખૂણે ખૂણે જન-જનને એકતા માટેનાં અભિયાનમાં જોડવા માટેનું આ ખેત ઓજાર લોહા સંગ્રહ અભિયાન ઉપાડયું છે એમાં ગુજરાત તો નિમિત છે, એકતાનાં સરદાર પટેલનાં સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણમાં ભારતની સમગ્ર જનશકિત ભાગીદાર બનવાની છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વરાજની લડતમાં સરદાર પટેલે નેતૃત્વ લીધેલું અને કિસાન શકિતને આંદોલનમાં જોડેલી હવે સ્વરાજનો સંકલ્પ અધુરો છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનાં મંત્રથી સરદાર સાહેબે આઝાદ હિન્દુસ્તાનમાં સુશાસનનો કુશળ વહીવટકર્તા તરીકે અભિગમ અપનાવેલોએ ગુડ ગવર્નન્સનો સંકલ્પ આપણને સુરાજયનાં સપના સાકાર કરવાની દિશામાં લઇ જશે.
ભારતભરમાં લોહા સંગ્રહ અભિયાનમાં ગામે ગામની માટી તેમજ સુરાજય માટેનાં ૮૦ કિલોમીટર લાંબા પીટીશન હસ્તાક્ષર અને ખેત ઓજારનાં લોખંડ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતાની અદભૂત વિરાસત બનશે દેશનાં લાખો વિદ્યાર્થીઓ પોણા બે લાખ શાળઓમાં એકતા વિશેની નિબંધ પ્રતિયોગિતામાં ભાગ લેશે અને ૫૫૦૦ વિજેતા શાળાઓને ઇનામો અપાશે.સમગ્ર દેશમાં વિરાટ જનભાગીદારીને જોડતું એકતાનું અભિયાન દેશને નવી શકિત આપશે એમ જણાવ્યું હતું.
એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ આગળ વધતું રહેશે બીજી તરફ દેશની એકતાની તાકાત નિરંતર વધતી રહેશે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
અમદાવાદનાં મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા માટે લોખંડ એકત્રીકરણનો શુભારંભ આજે થઇ છે તેની સાથે જ જળ-માટી એકત્રીકરણ પીટીશન હસ્તાક્ષર અને નિબંધ સ્પર્ધાઓ એકતાનો પાયો વધુ મજબૂત બનાવશે.
આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં દાતાઓ તરફથી ચેક અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં મંત્રીઓ સર્વશ્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, સૌરભભાઇ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતાં.