મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હિમાચલ પ્રદેશમાં ભાજપાની ત્રણ વિશાળ જનરેલીઓ સાથે ૧પમી લોકસભા ચૂંટણીના તેમની રાષ્ટ્રવ્યાપી ચૂંટણી પ્રવાસ ઝૂંબેશનું સમાપન કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હિમાચલ પ્રદેશમાં હમીરપુર, બંગરૂટ અને બુંદરમાં જંગી જનસભાઓમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સત્તાસુખના દિવસો હવે પૂરા થઇ ગયા છે. કોંગ્રેસના પંજામાંથી જેમ ગુજરાતે છૂટકારો મેળવીને સુખશાંતિ અને વિકાસનો રાહ અપનાવ્યો છે એમ ભારતમાંથી પણ કોંગ્રેસી પંજાનું રાજ સમાપ્ત થઇ જવાનું છે. આની સાથે કોંગ્રેસના “પરિવારવાદ’ શાસનના સપના પણ ચકનાચૂર થઇ જશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
દેશના પ્રધાનમંત્રી એવા ડો. મનમોહનસિંહ શા માટે “મોદી’નું નામ સ્મરણ કરે છે તેનો પ્રશ્ન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીએ અડવાણીજી જેમ એનડીએના સર્વસંમત વડાપ્રધાનપદના ઉમેદવારની ચેલેંજ ઉપાડી નહીં અને હવે કોંગ્રેસની છાવણીમાં ડર પેસી ગયો છે કે દેશની જનતાનો મિજાજ તો ભાજપાની વિકાસ અને રાષ્ટ્રહિતની વિચારધારા તરફ જ છે. પાંચ વર્ષ સુધી કેન્દ્રમાં સત્તા ભોગવવા મળી છતાં વિકાસ કે સામાન્ય માનવીનું કોઇ કામ કોંગ્રેસે કર્યું નહીં અને તેનો દેશની જનતા હિસાબ આ ચૂંટણીમાં ચૂકતે કરી દેશે.
કોંગ્રેસના સાથી પક્ષોમાં ફાટફૂટ પડી છે તેનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે સરકારમાં રહેવું અને સામસામે ચૂંટણી લડવાની આ તકવાદી પક્ષોની સત્તાલાલસાને દેશની જનતા માટે ભારતનું સુકાન ભાજપાને જ સોંપવાનો નિર્ધાર વધારે મજબૂત બની ગયો છે એમ તેમણે જણાવ્યું હતું.