આંબેડકર જયંતીએ ગરીબ કલ્યાણ મેળાના અભિયાનના ત્રીજા દિવસે મુખ્ય મંત્રીશ્રીનું વિડીયો કોન્ફરન્સથી ૧.૩ર લાખ લાભાર્થીઓને પ્રેરક સંબોધન
ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના જીવલેણ રોગોના દર્દીઓને રૂ. બે લાખ સુધી આરોગ્ય સારવાર સહાય માટે મુખ્ય મંત્રી અમૃતમ્ યોજના શરૂ કરી
રૂ. ર૦૦ કરોડનું બજેટ
રાજ્યના દલિતો-વંચિતો-શોષિતો-પીડિતોને ગરીબીમાંથી મુકત કરવાનો મક્કમ નિર્ધાર
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગરીબ કલ્યાણ મેળાના અભિયાનના ત્રીજા દિવસે બી.પી.એલ. ગરીબ લાભાર્થીઓને જીવલેણ દર્દોની સારવાર લેવા માટે રૂ. બે લાખ સુધીની વિનામૂલ્યે સહાય આપવા માટે મુખ્ય મંત્રી અમૃતમ્ યોજના શરૂ કરી છે તેવી જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ગંભીર રોગોની સારવાર લેવા માટે ગરીબ દર્દીઓને માટે બજેટમાં રૂ. ર૦૦ કરોડ ફાળવી દીધા છે, એમ તેમણે જણાવ્યું હતું.શાળામાં ભણતા બાળકો-લાખો ગરીબ પરિવારોના ગંભીર રોગોની શષાક્રિયા સારવાર તદ્દન વિનામૂલ્યે કરાવીને નવી જિંદગી આપનારી પણ આ જ સરકાર છે એમ તેમણે જણાવ્યું હતું.
ર્ડા. આંબેડકરની ૧ર૧મી જન્મ જયંતીએ ભીમ દિવાળીના દિવસે ગરીબ કલ્યાણ મેળાના આજના ત્રીજા દિવસે ર૩ તાલુકાના ૧.૩ર લાખ લાભાર્થીને ૧૭પ કરોડના લાભોનું વિતરણ થઇ રહ્યું છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ આજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી લાભાર્થીઓને પ્રેરક સંબોધન કર્યું હતું.
ર્ડા. આંબેડકરના દલિતો-શોષિતો-પીડિતો અને વંચિતોના વિકાસના સપના સાકાર કરવા રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોમાં ગરીબી સામે લડવાની શક્તિનો સંચાર કર્યો છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગરીબી સામે લડવા શિક્ષણ ઉત્તમ જડીબુટ્ટી છે એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ વંચિતોના શિક્ષણ માટે વ્યાપક ફલક ઉપર જે યોજનાઓ સુધારી છે તેની વિગતો આપી હતી.
ગુજરાતે ગરીબલક્ષી યોજનાઓના વીસ મુદ્દાના કાર્યક્રમના અમલીકરણમાં દશ-દશ વર્ષથી દેશમાં પ્રથમ રહીને ગરીબોના ઉત્કર્ષમાં દ્રષ્ટાંતરૂપ કાર્યસિદ્ધિ કરી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ સરકારે ગરીબોની બેલી બની, નોંધારાનો આધાર બની ગરીબીમાંથી બહાર લાવવા પ્રતિબદ્ધ છે. ચાર ગરીબ કલ્યાણ મેળાની વાર્ષિક ઝૂંબેશમાં કુલ મળીને રૂ. ૧૦,૦૦૦ કરોડના લાભો સામે ચાલીને આ સરકાર ગરીબોના હાથમાં સોંપી રહી છે, એની ભૂમિકા તેમણે આપી હતી.
ઘરવિહોણા ગરીબો માટે ખાસ નવી આવાસ વસાહતો જિલ્લે-જિલ્લે બની રહી છે અને આખા હિન્દુસ્તાનમાં કોઇ રાજ્યે વિચાર્યું પણ ના હોય એવું 0-16 BPLપોઇન્ટવાળા તમામ સાડા આઠ લાખ ગરીબોને પાકા આવાસ આપી દીધા છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ ગરીબ કલ્યાણ મેળો ગરીબી સામે લડવાનું જંગે મેદાન છે, એમ જણાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક ગરીબ પરિવાર ર્ડા. આંબેડકર જયંતીએ ઘર કરી ગયેલા વ્યસનને દેશવટો આપવાનો સંકલ્પ લેવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી અને શિક્ષણ આપવા સંતાનોને પેટે પાટા બાંધીને પણ ગરીબીમાંથી બહાર આવવાનું આહ્વાન કર્યું હતું.
શ્રમનો મહિમા સમજીને સહાયનો સદુઉપયોગ કરવા પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.