પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ટેકનોલોજીની શક્તિમાં મક્કમપણે માને છે. ટેકનોલોજીના પોતે અચ્છા જાણકાર અને ઉપયોગ કરનારા શ્રી મોદી ટેકનોલોજીને એક સરળ, અસરકારક અને કરકસરયુક્ત વસ્તુ તરીકે નિહાળે છે, જેમાં ઝડપ, સરળતા અને સેવાનું સંયોજન સમાયેલું છે. ટેકનોલોજીના માધ્યમથી કામ ઝડપી બને છે, પ્રક્રિયા અને પદ્ધતિઓ સરળ રહે છે તથા લોકસેવાનું એ તેજસ્વી માધ્યમ છે. શ્રી મોદી દ્રઢપણે માને છે કે, ઓછા સશક્ત અને અધિકાર સંપન્ન લોકોને વધુ સશક્ત બનાવવાનું તેમજ વહિવટ વધુ પારદર્શક બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ ટેકનોલોજી છે.
મે 2014માં સત્તા સંભાળી ત્યારથી પ્રધાનમંત્રીએ સરકારી કામકાજમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવાના સતત પ્રયાસો કર્યા છે. તેમણે ડિજિટલ ઈન્ડિયા પહેલ જેવો એક સર્વસમાવેશી કાર્યક્રમ પ્રસ્તુત કર્યો, જેનો ધ્યેય સરકારનું કામકાજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે વધુ જોમવંતુ બનાવવાનો તેમજ ટેકનોલોજીની શક્તિના માધ્યમથી લોકોની સમસ્યાઓના ઉકેલ પુરા પાડવાનો રહ્યો છે. પ્રધાન મંત્રીએ “પ્રગતિ” નામે એક નવી પહેલ હાથ ધરી છે, જે ટેકનોલોજી આધારિત એક બહુ હેતુલક્ષી તથા મલ્ટી-મોડલ પ્લેટફોર્મ છે અને તેમાં પ્રોજેક્ટ્સની દેખરેખ રખાય છે તેમજ લોકોની સમસ્યાઓનો નિકાલ પણ કરાય છે. દરેક મહિનાના છેલ્લા બુધવારે પ્રગતિના સેશનમાં પ્રધાનમંત્રી પોતે ટોચના અધિકારીઓ સાથે બેસી અનેકવિધ ક્ષેત્રોમાં વ્યાપક કામગીરી હાથ ધરે છે. તેમની આ કાર્યપદ્ધતિના પરિણામે એક સકારાત્મક તફાવત જણાયો છે.
ભારત સરકાર દેશના લોકોને વધુ સારી આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ સુલભ બનાવવા પોતાના ટેકનોલોજીના ઉપયોગનું સ્તર વધુ ઊંચું લઈ જઈ રહી છે. કરોડો ભારતીય ખેડૂતોને હવે કૃષિ સંબંધી માહિતી એસએમએસ દ્વારા મળી રહી છે. કેન્દ્રીય કેબિનેટે એગ્રીટેક ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડના માધ્યમથી રાષ્ટ્રીય કૃષિ બજારને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. સમગ્ર ભારતમાં નિયંત્રિત ખેતીવાડી બજારોને એક સમાન ઈ-પ્લેટફોર્મના માધ્યમથી સંકલિત કરાશે. ખેડૂતો તથા વેપારીઓને એના માધ્યમથી પારદર્શક રીતે ખેતપેદાશો ખરીદવા અને વેચવાની તકો મળશે
જુલાઈ 2014માં પ્રધાનમંત્રીએ ‘MyGov’ પોર્ટલ ખુલ્લું મુકયું હતું, જે ઈન્ટરનેટના માધ્યમથી નાગરિકોને સરકારી કામગીરી તેમજ નીતિ નિર્ધારણમાં એક મહત્ત્વનો હિસ્સેદાર બનાવે છે. આ પોર્ટલ ઉપર વિવિધ મંત્રાલયો અને વિભાગો તેમના કામ સંબંધી ક્ષેત્રો અંગેની માહિતી તેમજ લોકોના અભિપ્રાયો મગાવે છે. પ્રધાનમંત્રીએ પોતે અનેકવાર આ પોર્ટલનો ઉપયોગ કર્યો છે, પછી એ તેમના માસિક રેડિયો પ્રોગ્રામ “મન કી બાત” માટે હોય કે અન્ય કોઈ પ્રસંગે હોય.
સપ્ટેમ્બર, 2015માં પોતાની અમેરિકાની મુલાકાત વખતે પ્રધાનમંત્રી સિલિકોન વેલી પણ ગયા હતા અને ત્યાં તેઓ અનેક અગ્રણી ટેકનોલોજી કંપનીઓના સીઈઓને મળ્યા હતા. તેઓ ફેસબુકના વડામથકે પણ ગયા હતા અને ત્યાં ખૂબજ લોકપ્રિય એવા ટાઉનહોલ સવાલ-જવાબ સત્રમાં ભાગ લઈ તેમણે અનેકવિધ મુદ્દાઓ ઉપરના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેમણે ગૂગલની ઓફિસની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમને એ કંપની દ્વારા હાથ ધરવામાં આવનારૂં ટેકનોલોજીકલ નવિનીકરણ દર્શાવવામાં આવ્યું હતું. ટેકનોલોજીની દુનિયાના માંઘાતાઓએ જેમાં હાજરી આપી હતી એ ડિજિટલ ઈન્ડિયા ડિનરમાં પ્રધાનમંત્રીએ સરકારની પરિકલ્પના મુજબના ડિજિટલ ઈન્ડિયાનું ચિત્ર રજૂ કર્યું હતું. સત્યા નંદેલાથી લઈને સુંદર પિચાઈ સહિતના અગ્રણી ટેકનોલોજી સીઈઓએ ભારતમાં એક ડિજિટલ સશક્તિકરણ ધરાવતા સમાજની રચનાના સરકારના પ્રયાસોની ખૂબજ પ્રશંસા કરી હતી. આ યાત્રામાં શ્રી મોદી મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરનારા નવા ઉદ્યમોના ઉદ્યોગસાહસિકોને પણ મળ્યા હતા. શ્રી એલોન મસ્કે તેમને ટેસ્લા મોટર્સના ઉત્પાદન મથકની સફર પણ પોતે સાથે રહી કરાવી હતી. શ્રી મોદી અને શ્રી મસ્કે ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં તથા ખેતીમાં વિકાસ માટે ટેકનોલોજી કેવી રીતે સહાયક બની શકે છે તેના વિષય ઉપર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય ત્યારે ટેકનોલોજી ક્ષેત્રે સહકાર માટે હંમેશા વ્યાપક ચર્ચાઓ કરે છે. ભારત-આફ્રિકા શિખર પરિષદ દરમિયાન ભારત ટેકનોલોજીના ક્ષેત્રે આફ્રિકાને કેવી રીતે સહાયક બની રહેશે તેના ઉપાયો પણ દર્શાવ્યા હતા.
અંગત મોરચે પણ શ્રી મોદીને ઓળખતા હોય તેવા લોકોને તેમનો ટેકનોલોજી તરફનો પ્રેમ બરાબર યાદ હશે જ. તેઓ ફેસબુક, ટ્વીટર, લિંક્ડઈન તથા ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સના માધ્યમથી ડિજિટલ ઉપસ્થિતિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ સક્રિય રહેનારા વિશ્વ નેતાઓમાંના એક છે. તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો સાથે પરામર્શ કર્યો છે અને તેમની પાસેથી માહિતી, સૂચનો મગાવ્યા છે. લોકોને પોતાની દિકરીઓ સાથે સેલ્ફી લઈને તે શેર કરવાની વાત હોય કે પછી અતુલ્ય ભારત (ઈન્ક્રેડિબલ ઈન્ડિયા) વિષે લોકોની પાસેથી તેમની આગવી તસવીરો પ્રાપ્ત કરવાની વાત હોય, તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ એક સકારાત્મક તફાવત લાવવામાં કર્યો છે.
શ્રી મોદી એમ-ગવર્નન્સ અથવા તો મોબાઈલ ગવર્નન્સને પણ ખૂબજ મહત્ત્વ આપી રહ્યા છે. તેઓ પોતાની મોબાઈલ એપ, ‘NarendraModiMobileApp’ ધરાવે છે, જે એપલ અને એન્ડ્રોઈડ ફોન્સ ઉપર ઉપલબ્ધ છે. આ એપ દ્વારા આપ તાજા સમાચારો, અપડેટ્સ મેળવી શકો છો અને શ્રી મોદી સાથે સંપર્ક પણ કરી શકો છો.
આ રીતે, શ્રી મોદી સતત અને મક્કમ નિર્ધારપૂર્વક એ દિશામાં કામ કરી રહ્યા છે કે જ્યાં 1.25 અબજ ભારતીયો ટેકનોલોજીના માધ્યમથી સંપર્કમાં રહે, જોડાયેલા રહે તેમજ ટેકનોલોજી ચાલિત નવિનીકરણમાં સામેલ થાય. તેઓ ભારતને ડિજિટલ હાઈવેઝ દ્વારા જોડવા ધારે છે, જેના થકી ઈન્ટરનેટ દ્વારા નેટીઝન્સ સશક્ત નાગરિકો બને.
આ પણ જુઓઃ પીએમ મોદી સાથે ડિજિટલ સંવાદ