મહાત્મા મંદિર : ગાંધીનગર - રાષ્ટ્રીય શિક્ષણ સમિટનો પ્રારંભ
દેશ-વિદેશના ગણમાન્ય શિક્ષણકારો સાથે વન ટુ વન બેઠકો યોજી શિક્ષણનો ગુણાત્માક કાયાકલ્પ કરવા વિચાર-વિમર્શ કર્યો
ર૧મી સદીના જ્ઞાનયુગમાં ભારતની યુવાશકિતને શિક્ષણના માધ્યમથી સામર્થ્યવાન બનાવવામાં શિક્ષણવિદોના પ્રેરક યોગદાનને આવકારતા મુખ્યમંત્રીશ્રી
યુવા-જ્ઞાનકૌશલ્યાથી ભારત જ્ઞાનની સદીમાં વિશ્વનું નેતૃત્વ કરશે : મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગાંધીનગરમાં રાષ્ટ્રીય શિક્ષણ સમીટનું ઉદ્દઘાટન કરતાં ર૧મી સદીના જ્ઞાનયુગમાં ભારતની યુવાશકિતને શિક્ષણના માધ્યમથી સામર્થ્યવાન બનાવીને ભારત વિશ્વગુરૂ બનવાનું નેતૃત્વ કરે એ માટે શિક્ષણવિદોને ઉત્તમ યોગદાન આપવા પ્રેરક આહ્નવાન કર્યું હતું.
વિશ્વના સૌથી યુવાદેશ તરીકે ભારત પાસે જ્ઞાનસંસ્કૃતિની મહાન વિરાસત છે એમાં જ્ઞાનની સદીને અનુરૂપ શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા શિક્ષણકારોના સમૂહમંથન માટે ગુજરાત સરકારે પહેલ કરી છે એમ તેમણે જણાવ્યું હતું.
યુવા ભારતને સુશિક્ષિત બનાવવાની દિશામાં ગુજરાત સરકારે પહેલ કરીને આજથી બે દિવસ માટે આ વાઇબ્રન્ટ ગુજરાત રાષ્ટ્રીય શિક્ષણ પરિષદનું આયોજન કરેલું છે. દેશ-વિદેશના ૧૦૦ થી વધુ વાઇસ ચાન્સેલરો અને ૮પ શિક્ષણવિદો સહિત પ૦૦૦ ડેલીગેટસ આ રાષ્ટ્રીય શિક્ષણના નીતિનિર્ધારણમાં સાત ચર્ચાસત્રોમાં દિશાસૂચક સમૂહમંથન કરશે. ૭પ જેટલા શિક્ષણ વિષયક થીમ ઉપર સંશોધન પેપર્સ ચર્ચા સત્રોમાં રજૂ કરાશે.
દિવસ દરમિયાન સમિટમાં ભાગ લઇ રહેલા ઇટાલીના એમ્બેસેડર સહિત દેશ-વિદેશના ગણમાન્ય એવા ૧૬ શિક્ષણવિદો સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વન-ટુ-વન બેઠક યોજીને ગુણાત્મક શૈક્ષણિક ક્રાંતિ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.
પહેલીવાર ગુજરાત સરકારે શિક્ષણ વિષયક 'ડિજીટલ એક્ષ્પો' મહાત્મા મંદિરના પરિસરમાં પ્રસ્તુત કર્યું છે જેનું ઉદ્દઘાટન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ કર્યું હતું.
આપણાં દેશમાં વિકાસની અપાર સંભાવના છે, સામર્થ્ય છે અને જનશકિતને જોડીશું તો આપણે નવી ઉંચાઇ પાર કરીશું એવો દ્રઢ વિશ્વાસ પ્રગટ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે યુવા ભારતનો દ્રષ્ટિકોણ વિશાળ છે અને દુનિયામાંથી જે ઉત્તમ હોય તેને અપનાવવાનો આવિષ્કા્ર કરી શકે છે.
દેશ-વિદેશના શિક્ષણ ક્ષેત્રના વિવિધ તજ્જ્ઞોને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષણ માટેની ચિન્તા કરવા માટે આપણે ભાવિ પેઢીઓને માર્ગદર્શક બનવા માટે શિક્ષણમાં ગુણાત્મક બદલાવનું દાયિત્વ નિભાવીએ.
"યુનાન, મિશ્ર ઓ રોમ સબ મીટ ગયે જહાંસે, બાકી મગર હૈ અબતક નામોનિશાન હમારા, કુછ બાત હૈ કી, હસ્તી્ મિટતી નહી હમારી"નું ભારતીય સંસ્કૃતિનું સામર્થ્ય દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણા પૂર્વજોએ માનવ-સંપદાનું એવું નિરંતર નિર્માણ કર્યું કે અનેક આક્રમણો, સંકટો, સમસ્યામાંથી પાર ઉતરવાની ઉત્તમ પરંપરા સર્જી એવા સમાજની રચના જે જ્ઞાન ઉપર આધારિત હતી, યુગાનુકુલ પરિવર્તન અપનાવવાની શકિત ધરાવતી હતી. એટલે જ "કુછ બાત હૈ કિ હસ્તી મીટતી નહીં હમારી" એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણવ્યું કે ગુલામકાળમાં અંગ્રેજોએ ચતુરાઇથી મેકોલે એ શિક્ષણ પ્રણાલી દેશમાં દાખલ કરીને આપણી મહાન શિક્ષણ પરંપરાને વિખેરી નાંખી પરંતુ આઝાદ ભારતમાં આધુનિક બદલાવ સાથે શિક્ષણની નવી પ્રણાલીથી આપણે શિક્ષણથી વિશ્વને, માનવજાતને માટે નવી ઊર્જાનોસ્ત્રોત ભારતમાતાની ભૂમિ ઉપર આકાર લઇ શકે એવી પૂરી ક્ષમતા ધરાવીએ છીએ.
મનુષ્યના વિકાસ માટે વ્યકિત-સમૂહ-સમાજ-રાજ્ય્-રાષ્ટ્ર અને વિશ્વ વ્યકિત સુધીનો વિકાસ આપણા શિક્ષણની વિરાસતમાં છે એને વ્યવસ્થારૂપે વિકસીત કરવાની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
વિદ્યાર્થીને શાળા અભ્યાસથી જ તેની રૂચિ-શકિતના વિકાસ માટે પ્રેરિત કરવા એપ્ટીટયુડ સર્ટિફિકેટની સંશોધન-જિજ્ઞાસાની પરિપૂર્તિ માટેની વ્યવસ્થા વિકસાવવાનું સૂચન કરતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ માટે સંસદમાં કાનૂન બનાવવાની જરૂર નથી આપણો વ્યકત-વિકાસનો શિક્ષણ વિશેનો અભિગમ બદલવાની જરૂર છે.
શિક્ષણમાં 'શ્રમ એવ જયતે' નો મહિમા કેન્દ્રસ્થ હોવો જોઇએ એનું પ્રેરક ચિન્તન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે શિક્ષણમાં શ્રમનું મહત્વ જ સમાજને પ્રશિક્ષિત કરશે. શિક્ષણના માધ્યમથી વ્યકિતત્વ વિકાસ માટે રોબોટ-નિર્માણની જરૂર નથી. હાથ, મગજ અને હ્વદયને જોડીને જ શિક્ષણથી માનવનો વિકાસ થઇ શકશે. માનવીય સંવેદનાસભર હ્વદય, બૌધ્ધિક કૌશલ્ય અને હાથના હુન્નરથી જ વિદ્યાર્થી સામર્થ્ય વાન બનશે તેમ તેમણે જણાવ્યું હતું.
આપણને એવા વ્યકિતત્વ વિકાસની શિક્ષિત યુવાશકિતની આવશ્યૌકતા છે જેની સમાજ વિકાસમાં આવશ્યતકતા હોય-આ માટે પ્રેકટીકલ એજ્યુકેશન સાથે રિસર્ચ-ઇનોવેશનની શૈક્ષણિક કૌશલ્યાની ક્ષમતાનું સંવર્ધન થવું જોઇએ એમ પણ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું હતું. નવી પેઢીમાં પરિવર્તન માટેની ક્ષમતા છે તેને કૌશલ્ય્વાન બનાવવાની શિક્ષા-પ્રણાલી ઉપર ધ્યાપન કેન્દ્રીત કરવાનું અને તેના માટેનું વાતાવરણ તૈયાર કરવાનું માર્ગદર્શક સૂચન તેમણે કર્યું હતું.
યુનિવર્સિટી પરિસર આ માટેનો પ્રેરણાષાત-કેટેલીક એજન્ટ બને એનું ચિન્તન આપતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વીસમી સદીના ઉતરાર્ધમાં ઇન્ફરમેશન ટેકનોલોજીએ માનવજીવનમાં ક્રાંતિ સર્જી, હવે ર૧મી સદીમાં ET એન્વાયર્નમેન્ટી ટેકનોલોજીના પ્રભાવ વિશ્વમાં વધવાનો છે એ દિશામાં ટેકનોલોજી એજ્યુકેશનના ગૂણાત્મનક વ્યાપ વિસ્તારની જરૂર ઉપર તેમણે ભાર મૂકયો હતો.
કૌશલ્ય વિકાસ - સ્કીલ ડેવલપમેન્ટાના ગુજરાત મોડેલની વિશેષતાનો નિર્દેશ કરી તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ITI પાસ યુવાન માટે પણ ઉચ્ચ ટેકનીકલ શિક્ષણના દરવાજા ખોલી નાંખ્યા છે. ITI પાસ ધોરણ ૮ થી ૧૦ કક્ષાનો કૌશલ્ય ધરાવતો વિદ્યાર્થી પણ ઇજનેર બની શકે એવું વાતાવરણ ઉભૂં કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સરકારી કાર્યસંસ્કૃતિમાં પણ સ્વાન્તઃન સુખાય-પસંદગીના કાર્યને સફળતાના શિખર સુધી પહોંચાડી શકાય છે તેનું દ્રષ્ટાંત આપી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રૂઢિગત સરકારી કાર્યસંસ્કૃતિમાં જડમૂળથી પરિવર્તન આવી શકે તો શિક્ષણમાં કેમ નહીં.
ર૧મી સદી જ્ઞાનની સદી છે અને ભારત તેની સામર્થ્યશકિતથી જ્ઞાનગુરૂનું નેતૃત્વ કરી શકે છે તેવો વિશ્વાસ દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવાદેશ છે અને આ દેશના જ યુવાનોને કૌશલ્યાવાન બનાવવાના અવસરો આપીને યુવાશકિતના જ્ઞાન-કૌશલ્યથી ભારત માનવજાતના કલ્યાણની દિશા આપી શકે છે.
આ હેતુસર આપણી શિક્ષા પ્રણાલી યુગ નિર્માતા, આવનારી પેઢીઓના ભવિષ્યના નિર્માણ માટે પોતાનું દાયિત્વ, અને નેતૃત્વા પુરૂ પાડે એવા શિક્ષણવિદોના યોગદાન લેવાની પ્રતિબધ્ધ તા તેમણે દર્શાવી હતી. સરકાર નહીં પણ શિક્ષણક્ષેત્રના કર્મઠ તજ્જ્ઞો આ દિશામાં માર્ગદર્શક હિતચિન્તક બનીને સમૂહ ચિન્ત્ન આપે એવું પ્રેરક આહ્વાન તેમણે કર્યું હતું.
પ્રારંભીક સત્રમાં ઇટાલીના એમ્બેસેડર શ્રીયુત ડેનિએલ માનસિની, દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. દિનેશ સિંઘ, મુંબઇ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રાજન વેલુરકર યુનિવર્સિટી ઓફ બફેલોના પ્રોવોસ્ટં-વાઇસ પ્રેસિડેન્ટી શ્રીયુત ચાર્લ્સલ ઝુકોસ્કી, યુનિવર્સિટી ઓફ હયુસ્ટનના ડીન પ્રો. રામચન્દ વગેરેએ પણ રાષ્ટ્રીય શિક્ષણ સમિટ માટે માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રણસિંહજી ચુડાસમાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શિક્ષણના અગ્ર સચિવ શ્રી એ. એમ. તિવારીએ આભારદર્શન કર્યું હતું.