પ્રિય મિત્રો,
આજે ૧૭ મી સપ્ટેમ્બર મારો જન્મદિવસ છે. ઘણીવાર મને આ પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે – ’’મોદીજી, તમે તમારો જન્મદિવસ કેવી રીતે મનાવો છો? આ ખાસ દિવસે તમે શું કરો છો? વગેરે... હકીકત એ છે કે મારા જીવનકાળ દરમ્યાન આ દિવસ અન્ય દિવસોથી ક્યારેય અલગ રહ્યો નથી, એ જ રીતે મારા જીવનનાં પ્રત્યેક દિવસ પણ જન્મદિવસ જેટલા જ ખાસ છે.
મારા યુવા મિત્રો અને શુભચિંતકો મારા પ્રત્યેનાં સ્નેહભાવને લઈને આ દિવસે વિવિધ પ્રકારની સામાજિક સેવાપ્રવૃત્તિઓ કરતા હોય છે. આ દિવસે સમાજસેવાનાં અદભુત કાર્યોનાં આયોજન બદલ હું તેમનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
આ વર્ષે ૧૭ મી સપ્ટેમ્બરનો દિવસ મારા માટે વિશેષ રહેશે કારણકે તેના પછીનાં ૧૮ મી સપ્ટેમ્બરનાં રોજ હું ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે લોકોની સેવામાં ૪૦૦૦ દિવસની યાત્રા પૂર્ણ કરીશ. ગુજરાતની સ્થાપના બાદ રાજ્યએ અગાઉ ક્યારેય પણ આટલી લાંબી રાજકીય સ્થિરતા જોઈ નથી. જો એક રાજકીય રીતે સ્થિર, પ્રગતિશીલ અને વાઈબ્રન્ટ સરકાર માત્ર એક દશકા જેટલા સમયમાં કેવા અદભુત પરિણામો આપી શકે એ જોવું હોય તો ગુજરાત એનું જીવંત ઉદાહરણ છે.
ગુજરાતની સફળતા કોઈ એકાદ વ્યક્તિ, કુટુંબ કે થોડા ઘણા લોકોનાં એકાદ જૂથને આભારી નથી. ગુજરાતની ૪૦૦૦ દિવસની સાફલ્યગાથાની પાછળ એક મજબુત ટીમ-સ્પિરિટ અને ’મૈ નહિ, હમ’ ની ભાવના કારણભુત છે.
’સૌનો સાથ, સૌનો વિકાસ’ નાં ગુજરાતનાં મંત્રએ નવી રાજકીય સંસ્કૃતિનાં નિર્માણ માટેની ચેતના પૂરી પાડી છે.
ગુજરાતને વિકાસની નવી ઉંચાઈએ પહોંચાડવા પાછળ મારા છ કરોડ ગુજરાતી ભાઈ-બહેનોનો સહકાર અને યોગદાન અત્યંત મહત્વનું રહ્યું છે. આજનાં આ દિવસે હું ગુજરાતીઓનાં આ જુસ્સાને હ્રદયપૂર્વક નમન કરું છું.
હું ગુજરાત સરકારનાં ૬ લાખથી વધુ કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠા અને પ્રતિબધ્ધતાને પણ બિરદાવું છું, જેમના અથાક પ્રયત્નોને કારણે આપણું રાજ્ય વિકાસની નવી ઉંચાઈએ પહોંચ્યું છે અને હ્રદયમાં ગર્વ તથા મનમાં આશા લઈને ગુજરાતે વૈશ્વિક નકશા પર પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.
૪૦૦૦ દિવસની આ યાત્રામાં સ્થાપિત હિતો ધરાવતા કેટલાક તત્વો દ્વારા ફેલાવવામાં આવતા અતિશયોક્તિ ભરેલા જૂઠ્ઠાણાઓનો ભોગ પણ મારે બનવું પડ્યું છે અને આવા તત્વોને જ્યારે મારા તરફથી કોઇ પ્રતિક્રિયા નથી મળતી ત્યારે તેઓ વધારે બેબાકળા બની જાય છે. મારું હંમેશથી એવું માનવું રહ્યું છે કે જેટલાં વધારે પથ્થર તેઓ મારી સામે ફેંકશે, ગુજરાત અને તેના લોકોના વિકાસની એટલી જ ઉંચી સીડી હું તેમાંથી બનાવીશ.
અલબત્ત, નકારાત્મક માનસિકતા ધરાવતા તત્વો દ્વારા ફેલાવામાં આવતા જૂઠાણાની સામે બીજી બાજુ મને લોકો તરફથી ઘણી પ્રશંસા, નવા વિચારો અને જ્ઞાનરત્નો મળતાં રહ્યાં છે, જેને કારણે મારો ભરપૂર આંતરિક વિકાસ થયો છે. આજે, હું આપની સામે કેટલાંક પત્રો મૂકવા માગું છું, જેનાથી આ વાત આપોઆપ ખ્યાલ આવી જશે. જૂઠાણાઓની ભરમાર વચ્ચે સત્ય ઓળખવું ઘણું આસાન બની જશે.
આમાંથી બે પત્રો સર્વોચ્ચ અદાલતના જાણીતા ભુતપુર્વ ન્યાયાધિશ અને જાહેર જીવનના એક ગણમાન્ય વ્યક્તિ એવાં ૯૮ વર્ષીય જસ્ટીસ વી.આર. ક્રિશ્ન ઐયરે લખ્યાં છે. આ પત્રોમાં તેમની ઉષ્મા અને સ્નેહભાવ છલકાય છે. આ પત્રો મારા માટે એક ખજાના સમાન છે, જેને હું જીવનભર યાદ રાખીશ.
જસ્ટીસ ઐયર લખે છેઃ-
પ્રિય નરેન્દ્ર મોદી,
મને તમારો પત્ર મળ્યો. મારા મતે તમે એક મહાન વ્યક્તિ, એક સર્જનાત્મક વહીવટકર્તા અને માનવતાવાદી છો. હું એક નાનો માણસ છું, મારી પાસે કોઇ સત્તા નથી, હવે ૯૮ વર્ષનો થયો છું અને જીવનના અંતિમ ચરણે પહોંચ્યો છું. મને તમારા પત્રથી અનહદ આનંદ થયો છે અને તમારી અદભુત ઉર્જા અને ધરમૂળ પરિવર્તન માટેના તમારા પ્રયાસોને જોઇને હું ખુશ છું. ભારતનું રાજકીય નેતૃત્વ આવી જ સર્જનાત્મકતાથી કામ કરે અથવા કમસેકમ પ્રત્યેક આંખના આંસુ લુછવાના વિઝન સાથે આગળ વધે તેવી મારી અપેક્ષા છે. જો સૌર અને પવનઉર્જાનો પર્યાપ્ત ઉપયોગ કરવામાં આવે તો ઉર્જાક્ષેત્રે આપણા દેશની ગરીબી ભુતકાળની ઘટના બની જશે. ભારતના કલ્યાણ માટે હું આપના નેતૃત્વની પ્રાર્થના કરું છું. ભગવાન કરે કે આવો દિવસ આવે અને ગાંધીજીના સ્વપ્ન સાકાર થાય.
પ્રિય મોદી, રાજકારણ સિવાય પણ હું ભારતના સામાન્ય માણસની ખુશીઓ માટે તમારી પડખે છું.
આપનો,
વી.આર.ક્રિશ્ન ઐયર
અન્ય એક પત્રમાં તેઓ લખે છેઃ
પ્રિય નરેન્દ્ર મોદી,
તમે કુરિયરથી મોકલેલ વિષયસામગ્રી પર નજર નાખ્યા બાદ હવે હું તમને ભારતીય ઇતિહાસના આધુનિક વિકાસના મહાકાવ્યના એક પાત્ર સ્વરુપે જોઉં છું. તમે એક મહાન દેશભક્ત છો અને કોઇ રાજકીય પક્ષથી ઉપરવટ તમારું વ્યક્તિત્વ છે. તમે હાથ ધરેલ રાષ્ટ્રીય મીશનને ચાલુ રાખજો. ભારતના ઉર્જાક્ષેત્રમાં તમે જે ભવ્ય યોગદાન આપ્યું છે તેના ઉલ્લેખ વિના ભારતનો ૨૦મી સદીનો ઇતિહાસ અધૂરો ગણાશે.
આપનો,
વી.આર.ક્રિશ્ન ઐયર
(મૂળ પત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો)
અન્ય એક પત્ર વર્ષો સુધી ભારતના સેન્ટ્રલ વિજિલન્સ કમીશનર (સીવીસી) સહિતની સેવાઓમાં નોંધપાત્ર પ્રદાન આપનાર શ્રી એન વિટ્ટલનો છે.
શ્રી વિટ્ટલ લખે છેઃ-
માનનીય અને પ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી,
આ પત્રની સાથે હું મારા પુસ્તક “એન્ડિંગ કરપ્શન? હાઉ ટુ ક્લિન અપ ઇન્ડિયા”ની નકલ મોકલી રહ્યો છું, જેને પેંગ્વિન બુક્સ દ્વારા આ મહિને પ્રકાશિત કરવામાં આવ્યું છે.
જો કોઇ નેતામાં સંપુર્ણ રાજકીય પ્રામાણિકતા અને સુશાસન માટેની પ્રતિબદ્ધતા હોય તો શું હાંસલ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે દેશ સમક્ષ મૂક્યું છે. તમે બતાવી આપ્યું છે કે નવા વિચારો પ્રત્યે ખુલ્લું મન રાખી તથા રાજકીય હિંમત દાખવીને વિકાસ તથા સુશાસનની સ્થાપના માટે કઠોર છતાં મજબૂત નિર્ણયોથી કેવાં સુંદર પરિણામો મેળવી શકાય છે.
સરકારમાં મારા ૪૨ વર્ષના અનુભવને આધારે મેં દેશના સૌથી મોટા પ્રશ્ન ‘જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર’નાં નિરાકરણ માટે એક નવો દ્રષ્ટિકોણ રજુ કરવાનો પ્રયાસ કર્યો છે.
જો વ્યસ્ત કામકાજની વચ્ચે પણ તમે મારા પુસ્તક પર નજર નાંખશો તો હું તમારો આભારી રહીશ.
આપનો,
એન વિટ્ટલ
(મૂળ પત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો)
આ બંને વ્યક્તિવિશેષ પોતાની પ્રામાણિકતા અને મૂલ્યોને કારણે જાણિતા છે. મારા પ્રતિ તેમનાં સ્નેહભર્યા શબ્દો બદલ હું હ્રદયપૂર્વક તેમનો આભાર માનું છું.
મારા જન્મદિવસ પર આપની શુભેચ્છાઓ અને આપના તરફથી સતત મળી રહેલા સહકાર બદલ હું ફરી એક વખત આપનો આભાર માનું છું.
જય જય ગરવી ગુજરાત!
આપનો,
નરેન્દ્ર મોદી