પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (VBSY)ના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયબદ્ધ રીતે પહોંચે તે માટે સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.
હોમ એપ્લાયન્સ શોપના માલિક અને કર્ણાટકનાં તુમકુરમાં VBSY લાભાર્થી શ્રી મૂકેશ સાથે વાતચીત કરતાં તેણે પ્રધાનમંત્રીને પોતાનો વ્યવસાય સ્થાપિત કરવા માટે રૂ. 4.5 લાખની પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન મેળવવા વિશે જાણકારી આપી હતી, જેમાં અત્યારે તેઓ 3 લોકોને રોજગારી આપે છે. પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, શ્રી મૂકેશ એક જોબ સીકરમાંથી જોબ પ્રોવાઇડર બની ગયા છે અને લોનની સરળતા વિશે પૂછપરછ કરી હતી.
શ્રી મુકેશે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટ વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી, જ્યાં તેમણે મુદ્રા લોન વિશે માહિતી મેળવી હતી અને બેંકો દ્વારા તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સરળ લોન પ્રોસેસિંગ વિશે માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રી મોદીએ શ્રી મૂકેશને આજે 50 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સરખામણીમાં સંપૂર્ણપણે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ તરફ વળવાનું સૂચન કર્યું હતું, કારણ કે તેનાથી બેંક પાસેથી વધુ રોકાણનો લાભ લેવામાં મદદ મળશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રી મૂકેશ ભારતનાં યુવાનોની લવચિકતા અને દ્રઢનિશ્ચયનું ઉદાહરણ છે, જેઓ માત્ર રોજગારીની જ ઇચ્છા ધરાવતાં નથી, પણ રોજગારીનું સર્જન પણ કરે છે. તેમણે દેશના યુવાનોને ટેકો આપવાની સરકારની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો.