અફઘાનિસ્તાનનાં વિદેશ મંત્રી શ્રી સલાહુદ્દીન રબ્બાની આજે બપોરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ પુષ્ટિ કરી હતી કે, ભારત અફઘાનિસ્તાન સાથેનાં તેનાં સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાન અને તેની પ્રજા પર લાદી દેવામાં આવેલા આતંકવાદ સામેની લડાઈમાં ભારતનાં મજબૂત સાથસહકારની પણ કટિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી હતી. તેમણે અફઘાનિસ્તાન અને તેની જનતાને ભારતનાં સંપૂર્ણ સાથસહકારની પણ ખાતરી આપી હતી, જેમાં શાંત, સમૃદ્ધ, લોકતાંત્રિક અને અખંડ દેશનાં નિર્માણમાં તેમનાં પ્રયાસોમાં માનવતાલક્ષી અને વિકાસલક્ષી સહાય સામેલ છે.
વિદેશ મંત્રી રબ્બાનીએ પ્રધાનમંત્રીને અફઘાનિસ્તાનમાં સ્થિતિ વિશે જાણકારી પણ આપી હતી. બંને નેતાઓ સંમત થયા હતાં કે અફઘાન શાંતિ પ્રક્રિયા અફઘાન-સંચાલિત, અફઘાન દ્વારા નિયંત્રિત હશે અને અફઘાન દ્વારા નિયમન થશે.
વિદેશ મંત્રી રબ્બાની ભારત-અફઘાનિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠક માટે ભારતમાં આવ્યાં છે, જેમાં તેઓ ભારતનાં વિદેશ મંત્રી સાથે સહઅધ્યક્ષ છે.