પ્રમુખ ઓબામાએ અમેરિકનોને નાના કારોબારને ટેકો આપવા માટે જણાવ્યું, પરંતુ શું ડૉ. મનમોહન સિંહ આ બાબતથી વાકેફ છે? જો હોય, તો તેઓ આપણા નાના ઉત્પાદકો તથા યુવાનોને વિનાશના માર્ગે શા માટે લઈ જઈ રહ્યા છે? શ્રી મોદી પૂછે છે.
પ્રધાનમંત્રી યુ.એસ.એ. માટે બે વખત ‘સિંઘમ્’ બની ગયા અને તે પણ જ્યારે યુ.એસ.એ. માં ચૂંટણી સામે હોય ત્યારે.
રિટેલમાં એફ.ડી.આઈ. દાખલ કરવાના યુ.પી.એ. સરકારના નિર્ણયનો શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સખતપણે વિરોધ કરવામાં આવેલ છે. યુ.પી.એ. સરકારની લોકો વિરોધી નીતિઓ પર સખત હુમલો કરતાં શ્રી મોદીએ કહ્યું છે કે, આ પ્રકારની નીતિ નાના ઉત્પાદકોને પ્રતિકૂળ અસર પાડશે અને આપણા યુવાનોમાં બેરોજગારી ઊભી કરશે.મહત્વપૂર્ણ રીતે, શ્રી મોદીએ આ નિર્ણયને લગતા કેટલાક અત્યંત અગત્યના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. ભાજપાની રાષ્ટ્રીય કારોબારી પછી યોજાયેલ જાહેર સભામાં તેમના ભાષણ દરમ્યાન શ્રી મોદીએ જણાવ્યું કે તેમણે યુ.એસ.એ. ના પ્રમુખ શ્રી બરાક ઓબામાની એક ટ્વિટ વિશે સાંભળ્યું છે, જેમાં તેમણે લોકોને મોટા મોલને બદલે નાના વેપારીઓ પાસેથી ખરીદી કરવાનો આગ્રહ કર્યો, કારણકે તેનાથી યુવાનો બેરોજગારીથી બચશે.
નવેમ્બર ૨૦૧૧ માં, શ્રી ઓબામાએ ટ્વિટ કર્યું હતું કે, “આજે, તમારી મનપસંદ સ્થાનિક દુકાનો પરથી ખરીદી કરીને તમારા સમુદાયના નાના વેપારીઓને ટેકો આપો. #સ્મૉલબિઝનેસસેટર્ડે”. આ ઉપરાંત, તેમણે આ મુદ્દા પર ઘણી અન્ય ટ્વિટ વિશે પણ જણાવ્યું છે.
આ રીતે, જો યુ.એસ.એ. જેવા એક ઉદાર અર્થતંત્રના પ્રમુખ નાના વેપારીઓનું સમર્થન કરવા માટે લોકોને આગ્રહ કરે છે, તો ભારતમાં તે પ્રકારે કેમ નથી થઈ રહ્યું? શું આપણા પ્રધાનમંત્રીને ઓબામાની સ્થિતિનો અંદાજ નથી? તેઓ કેમ આપણા નાના ઉત્પાદકોના ભવિષ્ય અને યુવાનો માટેની રોજગારીને નષ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે? શ્રી મોદી દ્વારા ઉઠાવવામાં આવેલ આ મહત્વના મુદ્દાઓ છે.
તેવી જ રીતે, શ્રી મોદીએ પૂછ્યું કે જ્યારે અમેરીકાના હિતનો સવાલ હોય ત્યારે પ્રધાનમંત્રી ‘સિંઘમ્’ કેમ બની જાય છે અને તે પણ એવાં વર્ષોમાં કે જ્યારે યુ.એસ.એ. માં ચૂંટણીઓ આવતી હોય. ૨૦૦૮ માં તેમણે પરમાણુ કરાર માટેનું એક વલણ અપનાવેલ હતું, જ્યારે આજે, ચાર વર્ષ પછી તે રિટેલમાં એફ.ડી.આઈ. માટેનું છે.
આ ચોક્કસપણે શ્રી મોદી દ્વારા ઉઠાવવામાં આવેલ અગત્યના પ્રશ્નો છે, જે પ્રધાનમંત્રી પાસેથી એક મજબૂત અને વિશ્વસનીય જવાબને પાત્ર છે.