પ્રિય મિત્રો,
સપ્તાહો સુધી અવિરત સભાઓ, પ્રચાર અને લોકો સાથેની વાતચીતો બાદ હવે ચૂંટણીઓનો અંતિમ તબક્કો આવી પહોંચ્યો છે. ૧૩ ડિસેમ્બરે ગુજરાતે રેકોર્ડ પ્રમાણમાં મતદાન કર્યું. આ અગાઉની તમામ ચૂંટણીઓ કરતા આ વખતે મતદાનની ટકાવારી વધારે રહી. આ માટે હું આપ સૌને અભિનંદન પાઠવુ છું. આનાથી સ્પષ્ટ થાય છે ભાજપ આ વખતે પોતાના તમામ જૂના રેકોર્ડ તોડીને જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે અને વિજયી બનશે.
મેં ગુજરાતની ઘણી ચૂંટણીઓ જોઈ છે, પણ આ વખતે એક બાબત એવી છે જે અગાઉની ચૂંટણીઓમાં નહોતી. આ વખતે માત્ર આપણા દેશની જ નહિ પણ દુનિયા આખીની નજર ગુજરાતનાં લોકો ઉપર ઠરેલી છે. રાજ્યની ચૂંટણીઓથી આટલી મોટી સંખ્યામાં લોકો આકર્ષિત થયા હોય એવું પહેલા ક્યારેય બન્યુ નથી.
છેલ્લા ઘણા મહિનાઓથી હું ગુજરાતભરમાં ફરી રહ્યો છું. આ દરમ્યાન મેં મારી નજરે જોઈ હોય એવી એક વાત કહું. આ વખતની ચૂંટણીઓ ભાજપ નથી લડી રહ્યું! કે પછી નરેન્દ્ર મોદી પણ નથી લડી રહ્યા! આ વખતની ચૂંટણીઓ લડી રહ્યા છે ગુજરાતનાં છ કરોડ લોકો. હજી વધુ ઉત્સાહવર્ધક બાબત તો એ છે કે આ વખતે ચૂંટણીનો ભાર જાણે ગુજરાતનાં યુવાનોએ પોતાના ખભે ઉચકી લીધો છે. આવુ પહેલા ક્યારેય બન્યુ નથી! આ બહુ હકારાત્મક નિશાની છે.
૨૦૧૨ની ગુજરાતની ચૂંટણીઓને ધારાસભ્ય કોણ બનશે એટલા પૂરતી સીમિત ન રાખતા. કોઈ પાર્ટીને જીતાડવા કે કોઈ પાર્ટી પોતાની ડિપોઝીટ ગુમાવે એવા આશયથી મત ન આપશો. તમારા મતનું મુલ્ય ઘણું વધારે છે. જ્યારે મત આપવા જાવ ત્યારે ગુજરાતનાં ભવિષ્ય વિશે વિચારજો, એવું વિચારજો કે આવનારા પાંચ વર્ષમાં ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જાય તેવા સુકાનીનાં રૂપમાં તમે કોને જોવા માંગો છો.
છેલ્લા અઠવાડિયાઓ દરમ્યાન હું ઘણા લોકોને મળ્યો, મેં ઘણી સભાઓ સંબોધી. આ દિવસોમાં લોકોનો જે સ્નેહ મળ્યો એનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે એમ છે.
પ્રચાર દરમ્યાન સૌથી અનોખો અનુભવ થ્રીડી પ્રોજેક્શન ટેક્નોલોજી દ્વારા એક સાથે ઘણી જગ્યાઓ પર લોકોને સબંધન કરવાનો રહ્યો. ટેક્નોલોજીનો આવો પ્રયોગ પહેલા દુનિયામાં ક્યાંય થયો નહોતો. મને ખુશી છે કે આધુનિક ટેક્નોલોજીનો નવીન રીતે ઉપયોગ કરવામાં ગુજરાત ફરી એક વાર આગળ રહ્યું. જો કે ટેક્નોલોજી તો એક માધ્યમ છે, વાસ્તવમાં લોકો સાથેનો મારો સબંધ દિલનો છે, અને ઘણો ગહેરો છે!
અમે લોકો સમક્ષ માત્ર એક મુદ્દો લઈને ગયા છીએ, અને એ મુદ્દો છે વિકાસનો. અમે લોકોને અપીલ કરી કે છેલ્લા ૧૧ વર્ષમાં રાજ્યનો જે વિકાસ થયો છે તેના આધાર પર અમને ફરી એક વાર ગુજરાતની સેવા કરવાનો અવસર આપો. આજે ગુજરાત અને વિકાસ એકબીજાનાં પર્યાય બની ચૂક્યા છે. અમારી સરકારની તમામ યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન અમે સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને કર્યું છે અને ગુજરાતને વધુ પ્રગતિશીલ રાજ્ય બનાવવાનો અમારો નિર્ધાર છે, આવનારા પાંચ વર્ષમાં આ નિર્ધાર વધુ મજબુત બનશે.
આ વખતની ચૂંટણીમાં મુકાબલો છે ભાજપનાં કાર્યકર્તાઓનાં પરિશ્રમ અને કોંગ્રેસનાં મનીપાવર વચ્ચે. પ્રચાર દરમ્યાન કોંગ્રેસ દ્વારા જે હદે જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા તે જોઈને હું દંગ રહી ગયો. કોંગ્રેસની શત્રુતા એક માણસ સાથે છે, પણ આ એક માણસ સાથેની શત્રુતાએ કોંગ્રેસ પાર્ટીમાં ગુજરાતવિરોધી માનસિકતાનું સ્વરૂપ લઈ લીધુ છે, એ બાબત ખેદજનક છે. તેમણે ગુજરાતનાં વિકાસ આડે રોડા નાંખવામાં કોઈ કસર છોડી નથી. જુઠ્ઠાણા ફેલાવાથી લઈને પડદા પાછળનાં આયોજનો, કોઈ પ્રયુક્તિ તેમણે બાકી રાખી નથી.
એવું લાગે છે કે ગુજરાતને, અહીંનાં લોકોને, યુવાનોને, ખેડુતોને, મહિલાઓને, શહેરોને, ગામડાઓને આપવા માટે કોંગ્રેસ પાસે બીજુ કાંઈ નથી, એટલે સુધી કે ખુદ આ દેશનાં વડાપ્રધાન, કે જે પોતે એક અર્થશાસ્ત્રી છે, તેમણે પણ વિકાસની રાજનીતિ છોડીને વિભાજનવાદી વોટબેંકની રાજનીતિ કરવી પડી છે. આ ચૂંટણીઓ વખતે કોંગ્રેસે પોતાની જે નકારાત્મક છબી બનાવી છે તે લાંબા સમય સુધી લોકોનાં દિમાગમાં બની રહેશે. કોંગ્રેસે જુઠ્ઠાણા, આરોપો-આક્ષેપો, નકારાત્મકતા ફેલાવતી પાર્ટી તરીકેની પ્રબળ છાપ ઉભી કરી છે.
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડથી કોંગ્રેસે દેશનું ખેલક્ષેત્ર વેચી દીધું, ર-જી કૌભાંડથી ટેક્નોલોજી વેચી દીધી, કોલગેટ કૌભાંડથી કોલસો વેચી દીધો, અને હવે તેની નજર આખે-આખો દેશ વેચી નાખવા તરફ ઠરી છે. પાકિસ્તાન સાથે પડદા પાછળ સોદો કરવા કોંગ્રેસ તૈયાર થઈ ગઈ, એ પણ પાછુ ગુજરાતનાં લોકોને પૂછ્યા વિના. આના પરથી જ કોંગ્રેસ ગુજરાત માટે કેવો અભિગમ રાખે છે એ સ્પષ્ટ થાય છે. સરક્રીકનો મુદ્દો એ માત્ર ગુજરાત કે કચ્છની જ વાત નથી, પણ દેશનાં હિતોને સાવ વેચી નાખવાની અને દેશની સુરક્ષા સામે રહેલા જોખમની વાત છે! વડાપ્રધાન માટે કદાચ એ જમીનનો એક ટુકડો હશે, પણ આપણા માટે એ દેહનો ટુકડો છે, આપણે તેનો એક ઈંચ પણ પાકિસ્તાનને નહીં આપીએ.
મિત્રો, તમે છેલ્લા ૧૧ વર્ષથી મને કામ કરતો જુઓ છો. મારા જીવનની દરેક ક્ષણ ગુજરાતનાં લોકોની સેવા માટે સમર્પિત છે. છેલ્લા ૧૧ વર્ષમાં ગુજરાતનાં વિકાસ માટે કામ કરતાં મેં એક દિવસનોય આરામ લીધો નથી. આ ભુમિને આપણે સૌ ચાહીએ છીએ. તમે દસ દિવસ માટેય જો બહાર જતા હોવ તો ઘરની ચાવી કોઈ અજાણ્યા માણસને સોંપશો? તો ગુજરાતનાં ભવિષ્યની ચાવી તમે એવા લોકોને કેવી રીતે સોંપી શકો જેમનું રાજ્યનાં વિકાસ માટેનું વિઝન હજીય કોયડા સમાન બની રહ્યું છે.
આવતીકાલે જેઓ મતદાન કરવાનાં છે તેમને મારી અપીલ છે કે ઘણી મોટી સંખ્યામાં મત આપે. છેલ્લા ૧૧ વર્ષમાં ગુજરાતે વિકાસનાં દરેક રેકોર્ડ તોડ્યા છે, તો ચાલો ગુજરાતની સિધ્ધિમાં હજુ એક વધારો કરીએ. ચાલો ભારે મતદાન બાબતે ગુજરાત એક નવો રેકોર્ડ બનાવે એવું કરીએ.
ફરી એકવાર પ્રચારકાર્ય દરમ્યાન મારી ઉપર સતત સ્નેહ દર્શાવવા બદલ આપનો આભાર માનું છું. તમારો આ જ સહયોગ અમને ભવ્ય અને દિવ્ય ગુજરાતનાં નિર્માણ માટેની પ્રેરણા આપે છે, એક એવું ગુજરાત કે જ્યાં માત્ર આપણી પેઢી જ નહિ પણ આવનારી પેઢીઓ પણ ખુશહાલ અને સમૃધ્ધ જીવન જીવે. મને વિશ્વાસ છે કે ૧૭મી તારીખે પહેલા તબક્કા કરતા પણ વધુ મતદાન થશે!
જય જય ગરવી ગુજરાત,
આપનો,
નરેન્દ્ર મોદી