ગાંધીનગરઃ બુધવારઃ ભારતના તમામ નાગરિકોને ઓળખ આપવા માટે રાષ્ટ્રભરમાં માન્ય એવો ૧ર અંકનો યુનિક આઇડેન્ટીફિકેશન નંબર આપવામાં આવશે. આ યોજનાના અમલ અને દેખરેખ માટે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને સ્ટેટ કેબીનેટ કાઉન્સીલ ફોર યુનિક આઇડેન્ટીફિકેશન પ્રોજેકટની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં તેના ઝડપી અમલ અને દેખરેખની કામગીરી માટે આજે ગાંધીનગર ખાતે મુખ્યસચિવ શ્રી અચલકુમાર જોતિની ઉપસ્થિતિમાં ભારતની યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેકટર જનરલ શ્રી બી. બી. નાણાવટી અને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ(આયોજન) શ્રી વી. એન. માયરાએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ પર હસ્તાક્ષર કર્યા હતા.
સર્વ પ્રથમવાર જ ભારતના તમામ નિવાસીઓને ભારત સરકારના આયોજન પંચ દ્વારા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરરીટી ઓફ ઇન્ડિયા મારફતે ઓળખરૂપ નંબર આપવામાં આવશે. આ નંબર કેન્દ્રીય ડેટાબેઝમાં સંગ્રહિત કરાશે જેની સાથે જનસંખ્યા સંબંધી-ડેમોગ્રાફીક્સની પ્રાથમિક માહિતી, ફોટોગ્રાફ, દસ આંગળીની છાપ તેમજ આંખની કીકી જેવી બાયોમેટ્રિક્સ માહિતી સાંકળી લેવામાં આવશે. દરેક વ્યક્તિની માહિતી તથા બાયોમેટ્રિક્સ વિગતો સાથે સંકળાયેલો યુનિક આઇડેન્ટીફિકેશન નંબર માત્ર દરેક નિવાસી-નાગરિકની આગવી ઓળખ માટે છે, તેના દ્વારા આપોઆપ કોઇ અધિકાર, લાભ કે હક્ક મળતા નથી. બાર આંકડાનો આ નંબર નાગરિકની ઓળખનો પુરાવો બની રહેશે, તે નાગરિકત્વનો પુરાવો ગણાશે નહીં. ભારતના તમામ નાગરિકોને એક નંબર આપવામાં આવશે, કોઇ કાર્ડ નહી ઃ
નાગરિકોને યુનિક આઇડેન્ટીફિકેશન નંબર આપવાની યોજનાના ઝડપી અમલ માટે ગુજરાત સરકારે પહેલ કરી છે. રાજ્ય સરકારે મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિના અધ્યક્ષસ્થાને સ્ટેટ યુનિક આઇડેન્ટીફિકેશન ઇમ્પ્લીમેન્ટેશન કમિટીની રચના પણ કરી છે. ગુજરાતમાં આ પ્રોજેકટનો અસરકારક અમલ કરાશે. મુખ્યસચિવશ્રીના અધ્યક્ષપદે રચાયેલી કમિટી આ પ્રેાજેકટની સફળતા માટે જરૂરી સૂચનો કરશે અને માર્ગદર્શન પણ આપશે. આ ઉપરાંત પ્રેાજેકટની પ્રગતિની સમીક્ષા પણ કરશે.
ગુજરાત સરકાર અને યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા વચ્ચે આજે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર થયા ત્યારે ઓથોરીટીના આસીસ્ટન્ટ ડાયરેકટર જનરલ શ્રી સુમનેશ જોષી અને શ્રી તેજપાલ સિંઘ ઉપરાંત ગુજરાત સરકારના નોડલ ઓફિસર શ્રી એ.ડી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુનિક આઇડેન્ટીફિકેશન નંબરની લાક્ષણિકતાઓ-ફાયદાઓ
આ નંબર ઓળખનો પુરાવો બનશે, નાગરિકત્વનો પુરાવો નહીં. ગણાય.
ભારતના તમામ નિવાસીઓને નંબર આપવામાં આવશે, કોઇ કાર્ડ નહી.
દરેક નિવાસીની યોગ્ય ચકાસણી બાદ નંબર અપાશે. જનસંખ્યા સંબંધી અને બાયોમેટ્રિક્સની માહિતીની ચકાસણી પછી જ ડેટાબેઝમાં માહિતીનો સંગ્રહ કરાશે.જેથી પ્રારંભથી જ સાચી માહિતીનો સંગ્રહ થશે
આ નંબર ઓળખના પુરાવાનો એકમાત્ર અને આધારભૂત સ્ત્રોત બની રહેશે.
એકવાર ૧ર આંકડાનો નંબર પ્રાપ્ત થયા બાદ નાગરિકો તેનો અનેકવાર ઉપયોગ કરી શકશે.આથી બેન્કમાં ખાતું ખોલાવવું, પાસપોર્ટ મેળવવો, ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા જેવી સેવાઓ માટે દર વખતે વિવિધ ઓળખ દસ્તાવેજો પુરા પાડવાની જરૂર રહેશે નહી.
ગરીબ અને વંચિત નાગરિકો પણ બેન્કિંગની ઔપચારિક વ્યવસ્થાનો લાભ મેળવી શકશે.
સ્થળાંતર કરતા લોકોને ગતિશીલ ઓળખ-પુરાવાનો લાભ મળશે.
સાચી અને આધારભૂત ઓળખ માહિતીને કારણે સેવાઓમાં સુધારો લાવી શકાશે, જેથી લોકોને વધુ સંતોષ મળશે.