પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. તેમણે પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર પણ શરૂ કર્યું. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ એઈમ્સ, દેવઘરમાં સીમાચિહ્નરૂપ 10,000મા જન ઔષધિ કેન્દ્રને સમર્પિત કર્યું. વધુમાં, શ્રી મોદીએ દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો. પ્રધાનમંત્રીએ આ વર્ષની શરૂઆતમાં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મહિલા SHG ને ડ્રોન પૂરા પાડવા અને જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 સુધી કરવા આ બંને પહેલની જાહેરાત કરી હતી. કાર્યક્રમ આ વચનોની પરિપૂર્ણતા દર્શાવે છે.
આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના સ્વ-સહાય જૂથના સભ્ય કોમલાપતિ વેંકટા રાવણમ્માએ કૃષિ હેતુઓ માટે ડ્રોન ઉડવાનું શીખવાનો તેમનો અનુભવ શેર કર્યો. તેમણે પ્રધાનમંત્રીને જણાવ્યું કે ડ્રોન ઉડાવવાની તાલીમ પૂર્ણ કરવામાં તેમને 12 દિવસનો સમય લાગ્યો હતો.
ગામડાઓમાં ખેતી માટે ડ્રોનનો ઉપયોગ કરવાની અસર વિશે પ્રધાનમંત્રીની પૂછપરછ પર, તેમણે કહ્યું કે તે પાણીની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે અને સમય બચાવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રીમતી વેંકટા જેવી મહિલાઓ ભારતની મહિલાઓની શક્તિ પર શંકા કરનારાઓ માટે એક ઉદાહરણ છે. તેમણે કહ્યું કે કૃષિમાં ડ્રોનનો ઉપયોગ નજીકના ભવિષ્યમાં મહિલા સશક્તિકરણના પ્રતીક તરીકે ઉભરી આવશે. તેમણે વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં મહિલાઓની ભાગીદારીના મહત્વને પણ રેખાંકિત કર્યું હતું.