બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો સ્વર્ણિમ જયંતી સમાપન સમારોહ ફેબ્રુઆરીમાં યોજાશે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ શ્રી મનનકુમાર મિશ્રાના નેતૃત્વમાં આવેલા વિવિધ રાજ્યની બાર કાઉન્સીલોના એડવોકેટ સભ્યોએ સૌજન્ય મુલકાત લીધી હતી અને ગુજરાત બાર કાઉન્સિલની સ્વર્ણિમ જયંતીનો સમાપન સમારોહ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે આગામી ફેબ્રુઆરી-૨૦૧૪માં યોજવામાં આવનાર છે તેની ભૂમિકા રજૂ કરી મુખ્યમંત્રીશ્રીને તેના ઉદ્ઘાટન માટે નિમંત્રણ આપ્યું હતું.
મહાત્મા ગાંધીજી પણ અમદાવાદના સીટી વકીલ મંડળના સભ્ય હતા અને હાલ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશમાં કુલ મળીને ૧૭ લાખ વકીલોનું સભાસદ મેળવેલું છે. આમ છતાં વકીલોના વ્યવસાય અને સંલગ્ન પ્રશ્નો અંગે કેન્દ્ર સરકાર સતત ઉદાસિન રહી છે એમ જણાવી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને ઉપસ્થિત સભ્યોએ વકીલાતના વ્યવસાયને સમાજહિત અને ન્યાય પ્રણાલી માટે ઉપયુકત ગણાવીને તેની ગરિમા જાળવવા અંગે મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો હતો.
બાર કાઉન્સીલના આ ડેલીગેશને શ્રી નરેન્દ્રભાઇ મોદીની પાસે દેશ ભવિષ્યની આશા રાખે છે અને તેમની રાષ્ટ્રભાવનાની કદર કરે છે એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બાર કાઉન્સીલ, ન્યાયપાલિકા અને વકીલાતના વ્યવસાય માટે આજના યુગમાં ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ થવો જોઇએ એ ભૂમિકા સાથે ગુજરાતમાં બાર કાઉન્સીલ માટે ઇ-લાયબ્રેરીની સુવિધા, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક તાલીમ સહિતની અનેક પહેલ ઝડપી અને સરળ થાય તે માટે કરેલી છે તેમ જણાવ્યું હતું.
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના આ ડેલીગેશને મહાત્મા ગાંધીજી સહિત દેશના ગણમાન્ય રાજનેતાઓ વકીલાતના વ્યવસાયમાં હતા તેની રૂપરેખા સાથે જણાવ્યું કે વકીલાતનો વ્યવસાય સમાજના શ્રેય માટે જરૂરી છે.