- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 નવેમ્બર, 2019નાં રોજ ભારત-આસિયાન અને ઇસ્ટ એશિયા સમિટની સાથે-સાથે વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુહાન ફૂકને પણ મળ્યાં હતાં.
- બંને નેતાઓએ બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક અને પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધોની પુષ્ટિ કરી હતી તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત-વિયેતનામનાં સંબંધો સાંસ્કૃતિક અને સભ્યતાનાં જોડાણનાં મજબૂત પાયા તેમજ પારસ્પરિક વિશ્વાસ અને સમજણનાં પાયાં નિર્મિત તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચમાં મજબૂત સાથ-સહકાર આપવા કટિબદ્ધ છે.
- બેઠક દરમિયાન આ બાબતોની નોંધ લેવામાં આવી હતી – તાજેતરમાં બંને દેશો વચ્ચે ઉચ્ચ-સ્તરીય આદાનપ્રદાનને પરિણામે કેટલાંક ક્ષેત્રોમાં મજબૂત સાથસહકાર સ્થાપિત થયો છે, સંરક્ષણ અને સુરક્ષાનાં સંબંધોમાં વિસ્તરણ, ગાઢ આર્થિક અને વાણિજ્યિક જોડાણ તથા બંને દેશોનાં નાગરિકો વચ્ચેનાં સંબંધો પણ મજબૂત થયા છે.
- સંરક્ષણ અને સુરક્ષાનાં ક્ષેત્રોમાં જોડાણને વધારવા બંને પક્ષો દરિયાઈ ક્ષેત્રમાં સાથસહકાર વધારવા સંમત થયા હતાં. બંને નેતાઓએ કટ્ટરવાદ અને આતંકવાદનાં જોખમની ચર્ચા કરી હતી તેમજ આ સમસ્યાનું સમાધાન કરવા સંયુક્તપણે કામ કરવા સહમત થયા હતા.
- બંને પક્ષોએ ભારપૂર્વક ભારત-પ્રશાંત મહાસાગર વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ નિયમ-આધારિત વ્યવસ્થા જાળવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે આંતરરાષ્ટ્રીય કાયદા માટે સન્માન પર આધારિત હોય, જેમાં યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લૉ ઓફ ધ સી (UNCLOS) સામેલ છે. એનાથી દક્ષિણ ચીનનાં દરિયામાં નેવિગેશન, ઓવરફ્લાઇટ અને નિયમ-આધારિત વેપારની સ્વતંત્રતાને પ્રોત્સાહન મળશે.
- પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2020 માટે આસિયાનનાં આગામી અધ્યક્ષ તરીકે વિયેતનામ સાથે અને વર્ષ 2020-2021 માટે યુએનએસસીનાં અસ્થાયી સભ્ય તરીકે તેનાં કાર્યકાળ દરમિયાન સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી.