પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 નવેમ્બર 2019 ના રોજ બ્રાઝિલિયા ખાતે 11મી બ્રિક્સ સમિટના અવસરે રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત યોજી હતી, આ વર્ષે બંને નેતાઓની આ ચોથી મુલાકાત હતી.
બેઠક દરમિયાન બંને નેતાઓએ પ્રધાનમંત્રીની વ્લાદિવોસ્ટોકની મુલાકાત પછી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ આપણાં સંરક્ષણ મંત્રી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાનની રશિયાની સફળ મુલાકાતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
બંને નેતાઓએ સંતોષ વ્યક્ત કરતાં નોંધ્યું કે 2025 સુધીમાં દ્વિપક્ષીય વેપારનું 25 અબજ ડોલરનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે. બંને નેતાઓએ નિર્ણય કર્યો કે પ્રાદેશિક સ્તરે વેપારના અવરોધોને નાબૂદ કરવા માટે રશિયન પ્રાંત અને ભારતમાં પ્રાદેશિક સ્તરે પહેલું દ્વિપક્ષીય પ્રાદેશિક મંચ આગામી વર્ષે યોજવામાં આવશે.
બંને નેતાઓએ તેલ અને કુદરતી ગેસની આયાતમાં કરવામાં આવેલી સ્થિરતા અને પ્રગતિની નોંધ લીધી. રાષ્ટ્રપતિ પુતિને કુદરતી ગેસમાં રહેલી સંભાવના પર પ્રકાશ પાડ્યો અને ભારતને આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું.
બંને નેતાઓએ નાગપુર-સિકંદરાબાદ રેલવે લાઇનની ગતિ વધારવાના સંદર્ભમાં રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કરેલા સુધારાની સમીક્ષા પણ કરી. નેતાઓએ સંરક્ષણ ક્ષેત્રે અને સિવિલ એટોમિક એનર્જીના ક્ષેત્રમાં થેયલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો . તેઓએ એટોમિક એનર્જીમાં ત્રીજા દેશોનો સાથ સહકાર મળવાની સંભાવનાઓ ને આવકારી હતી.
બંને નેતાઓએ એમ પણ નોંધ્યું છે કે બંને પક્ષો આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સમાન સ્થિતિમાં છે તેથી ભવિષ્યમાં આ અંગે સલાહ-સૂચન ચાલુ રાખવા સંમત થયા છે.
રાષ્ટ્રપતિ પુતિને આગામી વર્ષે મોસ્કોમાં ઉજવાનાર વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેવા પ્રધાનમંત્રી ને આમંત્રણ આપ્યું હતું, જેનો પ્રધાનમંત્રીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.