યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ શ્રી ચાર્લ્સ માઇકલના આમંત્રણને માન આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત-ઇયુના આગેવાનોની બેઠકમાં ભાગ લીધો હતો.
વિવિધ માળખા હેઠળ યોજાયેલી આ બેઠકમાં તમામ 27 ઇયુ સદસ્ય રાષ્ટ્રના આગેવાનો ઉપરાંત યુરોપીયન કાઉન્સિલ અને યુરોપીયન કમિશનના પ્રમુખે ભાગ લીધો હતો. ઇયુએ પહેલી વાર ઇયુ+27 માળખા હેઠળ ભારત સાથે બેઠક યોજી હતી. યુરોપીયન યુનિયન કાઉન્સિલના પોર્ટુગીઝ પ્રેસિડેન્સીએ આ બેઠક માટે પહેલ કરી હતી.
આ બેઠક દરમિયાન આગેવાનોએ લોકશાહી, સૈદ્ધાંતિક સ્વતંત્રતા, કાનૂન અને બહુપક્ષીય બાબતો પર ભારત-ઇયુ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. તેમણે ત્રણ વિવિધ વિષયો પર પોતાના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. આ મુદ્દાઓમાં (1) વિદેશ નીતિ અને સુરક્ષા (2) કોવિડ19, આબોહવા અને પર્યાવરણ અને (3) વેપાર, જોડાણ અને ટેકનોલોજીનો સમાવેશ થતો હતો. તેમણે કોવિડ19ની મહામારી સામે લડત આપવા અને અર્થતંત્રને મજબૂત બનાવવા, હવામાનમાં પરિવર્તન અને વિવિધ સંસ્થાનોમાં સુધારા જેવી બાબતો પર પણ ચર્ચા કરી હતી. કોવિડ19ની મહામારીમાં તાકીદે સહકાર આપવા બદલ ભારતે ઇયુ તથા તેના સદસ્ય રાષ્ટ્રનો આભાર માન્યો હતો અને તેમના સહકારની પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત સંતુલિત અને વ્યાપક મુક્ત વેપાર અને રોકાણ કરારો અંગે ફરીથી શરૂ થયેલી વાટાઘાટોને આગેવાનોએ આવકારી હતી. આ બંને સમજૂતિ પર વહેલી તકે લક્ષ્યાંક હાંસલ કરી શકાય તેથી વેપાર અને રોકાણ સમજૂતિ એક સાથેજ જ ચાલે તે અંગે પણ મંત્રણા થઈ હતી. આ એક મહત્વનું પરિણામ છે જે બંને પક્ષોને આર્થિક ભાગીદારીની પૂરી સંભાવનાઓનો અનુભવ કરાવશે. ભારત અને ઇયુએ ડબ્લ્યુટીઓ મુદ્દા, નિયમનકારી સહકાર, માર્કેટને લગતા મુદ્દા અને પુરવઠા આર્થિક સહકારને વધુ વ્યાપક અને મજબૂત બનાવવા અંગે પ્રતિબદ્ધ ચર્ચાની પણ જાહેરાત કરી હતી.
ભારત અને ઇયુએ મહત્વાકાંક્ષી અને વિસ્તૃત કનેક્ટિવિટી ભાગીદારી પણ લોંચ કરી હતી જે ડિજિટલ, ઊર્જા, પરિવહન અને પ્રજાથી પ્રજા સંપર્કને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ભાગીદારી સામાજિક, આર્થિક, રાજવીત્તીય, આબોહવા અને પર્યાવરણ ટકાવી રાખવા તથા આંતરરાષ્ટ્રીય કાનૂનના આદર અને વચનબદ્ધતાના સિદ્ધાંતો પર આધારિત રહેશે. આ ભાગીદારી કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે ખાનગી અને સરકારી ફાઇનાન્સિંગ પૂરું પાડશે. તેનાથી ભારત-પેસિફિક સહિત ત્રીજા દેશોમાં કનેક્ટિવિટીના સહકારને નવો વેગ આપશે.
ભારત અને ઇયુના આગેવાનોએ પેરિસ કરાર અને ક્લાઇમેટ ચેન્જ સામેના પડકારો, તેના શમનના પ્રયાસોને મજબૂત બનાવવા પર થયેલી સહમતિ જેવા લક્ષ્યાંકો પાર પાડવા માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. જેમાં કોપ26ના સંદર્ભમાં ફાઇનાન્સના અમલીકરણનો પણ સમાવેશ થતો હતો. સીડીઆરઆઈમાં સાંકળવાના ઇયુના નિર્ણયને પણ ભારતે આવકાર્યો હતો.
ભારત અને ઇયુએ 5G, AI, કોન્ટમ અને હાઈ પરફોર્મન્સ, AI અને ડિજીટલ રોકાણના મંચ પર વહેલાસર અમલીકરણ જેવી ટેકનોલોજી તથા ડિજિટલમાં દ્વિપક્ષીય સહકાર બાબતે પણ સહમતિ સાધી હતી.
આગેવાનોએ આતંકવાદ સામેની લડત, સાઇબર સિક્યુરિટી અને નૌકા સહકાર સહિતના પ્રાંતીય અને વૈશ્વિક મુદ્દા પર વધતા જતા સહકાર અંગે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ ભારત-પેસિફિક મુક્ત, સ્વતંત્ર અને કાનૂન આધારિત નીતિઓના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને રિજયનમાં આ પ્રવૃત્તિ જારી રાખવા સહમત થયા હતા. જેમાં ભારતના ઇન્ડો-પેસિફિક સમૂદ્રમાં કરાયેલી પહેલ અને ઇન્ડો-પેસિફિક પર ઇયુની નવી રણનીતિનો સમાવેશ પણ થતો હતો.
ઇયુના આગેવાનોની આ બેઠકની સાથે સાથે ભારત-ઇયુ રાઉન્ડ ટેબલ મંત્રણા પણ યોજાઈ જેમાં આબોહવા, ડિજિટલ અને આરોગ્ય જેવા મુદ્દા પર ભાર મુકાયો હતો. ભારતના નાણા મંત્રાલય, ભારત સરકાર અને યુરોપીયન ઇન્વેસ્ટમેન્ટ બેંક વચ્ચે પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 150 યુરો મિલિયનનો ફાઇનાન્સ કરાર પણ કરવામાં આવ્યો હતો.
ભારત અને ઇયુ આગેવાનોની આ બેઠકે વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા ચીંધી તેને કારણે આ બેઠક સિમાચિહ્ન બની ગઈ છે જેમાં જુલાઈ 2020માં 15મી ભારત-ઇયુ શિખર મંત્રણાની ભારત-ઇયા રોડમેપ 2025ની મહત્વાકાંક્ષી યોજનાના અમલીકરણને નવો વેગ સાંપડ્યો છે.