પ્રધાનમંત્રી મોદીએ 16 ફેબ્રુઆરીનાં રોજ તેમના સંસદીયક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યા હતા અને સાથે-સાથે રિક્ષાચાલક મંગલ કેવટને મળ્યાં હતાં, જેમણે પોતાની પુત્રીનાં લગ્નનું આમંત્રણ પ્રધાનમંત્રીને મોકલ્યું હતું.
કેવટે પોતે રુબરુ જઈને પ્રધાનમંત્રી કાર્યાલયમાં આમંત્રણપત્રિકા આપી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદીએ કેવટને પોતે જવાબ આપ્યો હતો. તેમણે કેવટની પુત્રીનાં લગ્ન માટે શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો હતો, જેનાથી કેવટ અને એમના પરિવારજનો ખુશ થયા હતા!
કેવટે પ્રધાનમંત્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે પ્રધાનમંત્રી મોદી તેમની વારાણસીને મુલાકાત દરમિયાન કેવટને મળ્યાં હતાં, તો તેઓ ખૂબ ખુશ થયા હતા.
પ્રધાનમંત્રી મોદીનાં સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઈને મંગલ કેવટે ડોમરી ગામનાં કાંઠે આવેલા ગંગાના ઘાટને સ્વચ્છ રાખવાનાં અભિયાનમાં સક્રિયપણે સામેલ થયા હતા. કેવટ ગંગા મૈયાનાં ભક્ત પણ છે અને પોતાની આવકનો અમુક ભાગ નદીને સ્વચ્છ રાખવા માટે પણ વાપરે છે.