મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં સમગ્ર ગુજરાતમાં રમત-ગમતના જનમિજાજનું સાર્વાત્રિક વાતાવરણ ઊજાગર થાય તે હેતુથી ખેલકૂદ મહાકુંભનો વિરાટ સ્વર્ણિમ રમતોત્સવ પ્રત્યેક ગામથી લઇને રાજ્યકક્ષા સુધી યોજવાની રૂપરેખા પ્રેરિત કરી છે.
રાજ્ય સરકારના યુવકસેવા, રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે ખેલકૂદ-મહાકુંભના આયોજનની પૂર્વતૈયારીઓ માટે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું, તેમણે જણાવ્યું કે ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં રમત-ગમતના અને વિશેષ કરીને ભારતીય રમતોના સહજ સંસ્કાર બાળપેઢી અને યુવાપેઢીમાં ઉજાગર થવા જ જોઇએ. આ હેતુસર જે ૧૬ જેટલી સ્પર્ધાત્મક રમતોની ગ્રામકક્ષા, જિલ્લા પંચાયત બેઠક કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને મહાનગરો તથા રાજ્યકક્ષાની રમત-ગમત સ્પર્ધાઓ નિયત સમયપત્રક અનુસાર યોજાશે, જેમાં ચાર કેટેગરી રાખવામાં આવી છે (૧) ૧૬ વર્ષથી નીચેના યુવકો (ર) ૧૬ વર્ષથી નીચેની કન્યાઓ (૩) ૧૬ વર્ષથી ઉપરના કોઇપણ પુરૂષ ખેલાડી (૪) ૧૬ વર્ષથી ઉપરના મહિલા ખેલાડી. આ ઉપરાંત વિકલાંગ ખેલાડીઓ માટે પણ રાજ્યકક્ષાની રમતોની સ્પર્ધા યોજાશે.
મુખ્યમંત્રીશ્રીએ ખેલકૂદ મહાકુંભની સ્પર્ધાઓમાં ખેલદીલીના મિજાજ સાથે પ્રત્યેક ખેલાડી, ગામ, શાળા, કોલેજ, સંસ્થા પોતાના રમત-ગમતના જૂના વિક્રમ તોડીને નવા કીર્તિમાન સર્જે એવું આહવાન કર્યું છે.
ખેલકૂદ મહાકુંભમાં કોઇપણ ખેલાડી વ્યકિતગત કે સંસ્થાગત ધોરણે રમત સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે એમાં સરકારી ખેલાડી-કર્મચારીઓ, જાહેર સાહસો, ખાનગી ક્ષેત્ર, સુરક્ષા બળોના ખેલાડીઓ પણ ભાગ લઇ શકશે. મહાકુંભ અભિયાનની જૂદી જૂદી રમતોના સ્પોન્સર્સ પણ કાર્યરત થશે. ખેલકૂદ મહાકુંભ દરમિયાન રમત-ગમતનું સાર્વત્રિક વાતાવરણ તો નિર્માણ થશે જ, તેમજ સાથે સાથે ગ્રામસ્તર સુધીના ખેલાડીઓની પ્રતિભા શોધ અને રમત-ગમતથી સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિનું વાતાવરણ પેદા થશે.
આ બેઠકમાં રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ફકિરભાઇ વાઘેલા, સ્વર્ણિમ ગુજરાત ઉજવણી સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજા, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી , વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જહા સહિતના સચિવશ્રીઓએ ભાગ લીધો હતો.