- અમે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની સરકાર અને દેશનાં વડાઓ 30 નવેમ્બર, 2018નાં રોજ આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં આયોજિત જી20નાં શિખર સંમેલન માટે એકત્ર થયાં હતાં. અમે વર્ષ 2018માં જી20 માટે આર્જેન્ટીનાની અધ્યક્ષતાને અભિનંદન પાઠવ્યા હતા અને સાથસહકાર આપ્યો હતો તેમજ અમારા આતિથ્ય-સત્કાર બદલ અમારો આભાર વ્યક્ત કર્યો હતો.
- અમે આંતરરાષ્ટ્રીય રાજકીય, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય આર્થિક-નાણાકીય મુદ્દાઓ પર તેમજ પર્યાવરણને અનુકૂળ વિકાસ સામેના પડકારો વિશે અમારા અભિપ્રાયોનું આદાન-પ્રદાન કર્યું હતું. અમે વિશ્વની શાંતિ અને સ્થિરતા માટે, સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકા, સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રમાં વ્યક્ત ઉદ્દેશો અને સિદ્ધાંતો, લોકશાહી અને કાયદાનાં શાસનને પ્રોત્સાહન આપવા અમારી પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરીએ છીએ. અમે બહુધ્રુવીય દુનિયાને મજબૂત કરવા તથા ન્યાયી, વાજબી, સમાન, લોકતાંત્રિક અને પ્રતિનિધિત્વયુક્ત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા ખભેખભો મિલાવીને કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.
- અમે આતંકવાદી હુમલાઓનો સતત ખેદ વ્યક્ત કરીએ છીએ, જેમાં બ્રિક્સનાં કેટલાંક સભ્ય દેશોમાં થયેલા આતંકવાદી હુમલાઓ સામેલ છે. અમે આતંકવાદનાં તમામ સ્વરૂપો અને આતંકવાદીઓની તમામ પ્રકારની અભિવ્યક્તિઓને વખોડીએ છીએ, પછી એ અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ થઈ હોય અને કોઈ પણ સંગઠન કે વ્યક્તિએ કરી હોય. અમે કડક આંતરરાષ્ટ્રીય કાયદાકીય આધારે સંયુક્ત રાષ્ટ્રનાં નેજાં હેઠળ આતંકવાદનો સામનો કરવાનાં સહિયારા પ્રયાસો હાથ ધરવા અપીલ કરીએ છીએ. અમે તમામ દેશોને આતંકવાદનો સામનો કરવા વિસ્તૃત અભિગમ અપનાવવા અપીલ કરીએ છીએ, જેમાં જ્હોનિસબર્ગનાં જાહેરનામામાં ઓળખ કરાયેલા તમામ તત્ત્વો સામેલ છે.
- અમેWTOમાં વ્યક્ત થયા મુજબ નિયમો-આધારિત બહુપક્ષીય વેપારી વ્યવસ્થા માટે અમારો સંપૂર્ણ સાથ-સહકાર પુનઃવ્યક્ત કરીએ છીએ, જેથી પારદર્શક, તટસ્થ, ઉદાર અને સર્વસમાવેશક આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થા સુનિશ્ચિત થાય. અમે WTOની કામગીરીને સુધારવાનાં દ્રષ્ટિકોણ સાથે WTOનાં અન્ય સભ્ય દેશો સાથે નિખાલસ અને પરિણામલક્ષી ચર્ચાવિચારણાઓ કરવા અમારી સહિયારી તૈયારી વ્યક્ત કરીએ છીએ.
- WTOની સ્થાપનાની મૂળ ભાવના અને નિયમો એકપક્ષીય અને સંરક્ષણવાદી પગલાંઓનો સામનો કરે છે. અમેWTOની સ્થાપનાની મૂળ ભાવનાથી વિપરિત પગલાંઓનો વિરોધ કરવા, WTOમાં હાથ ધરવામાં આવેલી એની પ્રતિબદ્ધતાને ટેકો આપવા તથા ભેદભાવયુક્ત અને અંકુશાત્મક પગલાંનો પાછાં ખેંચવા તમામ દેશોને અપીલ કરીએ છીએ.
- અમે વિશ્વ વેપાર સંસ્થા (WTO)ની વર્તમાન અને ભવિષ્યનાં પડકારોનું સમાધાન કરવા એની પ્રસ્તુતતા અને અસરકારકતાને ધ્યાનમાં રાખીનેWTOમાં સુધારા-વધારા માટેની કામગીરીને સાથ-સહકાર આપીએ છીએ. આ કામગીરીમાં WTOનાં મૂળ મૂલ્યો અને મૂળભૂત સિદ્ધાંતો જાળવવા પડશે તેમજ WTOનાં તમામ સભ્ય દેશોનાં હિતો પ્રતિબિંબિત થવા જોઈએ, ખાસ કરીને વિકાસશીલ સભ્ય દેશોનાં.
- વિશ્વ વેપાર સંસ્થા (WTO)નાં વિવાદની પતાવટની વ્યવસ્થા સંસ્થા ઉચિતપણે કામ કરે એ માટે આવશ્યક છે. એની અસરકારક કામગીરી સભ્ય દેશો માટેWTOની અંદર ભવિષ્યમાં વાટાઘાટો કરવા માટે વિશ્વસનિય વાતાવરણ ઊભું કરશે. એટલે અમે WTO વિવાદ પતાવટ વ્યવસ્થાની સ્થિર અને અસરકારક કામગીરી માટે આવશ્યક પૂર્વજરૂરિયાત સ્વરૂપે અપીલેટ બોડી પસંદગીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવાની અપીલ કરીએ છીએ.
- અમે અમારી વચ્ચે સંચાર અને સહકાર વધારવાની તથા વિશ્વ વેપાર સંસ્થા (WTO)ને પડકારજનક સમય સાથે તાલમેળ જાળવવા સક્ષમ બનાવવા, સર્વસમાવેશ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા તથા આંતરરાષ્ટ્રીય વેપારમાં તમામ દેશોની ભાગીદારી અને વૈશ્વિક આર્થિક શાસનમાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવવા અમારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.
- અમે જી20નાં આર્જેન્ટીનાનાં અધ્યક્ષપદ હેઠળ ન્યાયિક અને ટકાઉ વિકાસ માટે સર્વસંમતિ ઊભી કરવા તથા ભવિષ્યનાં કાર્ય, વિકાસ માટે માળખાગત ક્ષેત્ર અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખાદ્ય સુરક્ષા પર એનું ધ્યાન કેન્દ્રિત કરવાના વિષયને આવકારીએ છીએ.
- અમે વિકાસ માટે માળખાગત સુવિધાઓનાં મહત્ત્વને સ્વીકારીએ છીએ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સહિત રાષ્ટ્રીય અને સહિયારી પહેલો મારફતે સતત અને આપત્તિ સામે મજબૂત માળખાનાં વિકાસ માટે સંસાધનો ઊભા કરીને વૈશ્વિક સ્તરે માળખાગત સુવિધાઓમાં રહેલી અસમાનતાને દૂર કરવા પ્રદાન કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.
- અમે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)નાં કેન્દ્રમાં ક્વોટા આધારિત અને પર્યાપ્ત સંસાધન સાથે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેફ્ટી નેટને મજબૂત કરવાની હિમાયત કરીએ છીએ. આ માટે અમેIMFનાં ક્વોટાનાં 15મી સાધારણ સમીક્ષાનાં તારણ પર અમારી કટિબદ્ધતાને પુનઃવ્યક્ત કરીએ છીએ, જેમાં નવી ક્વોટા ફોર્મ્યુલા સામેલ છે, જેથી 2019 સ્પ્રિંગ મીટિંગ્સ સુધીમાં અને 2019ની વાર્ષિક બેઠકો સુધીમાં વૈશ્વિક અર્થતંત્રમાં વિકાસશીલ અને વિકસિત અર્થતંત્રોનું પ્રસ્તુત પ્રદાન પ્રતિબિંબિત કરવા એમને ઉચિત મહત્ત્વ મળે, ત્યારે સાથે-સાથે ઓછા વિકસિત દેશોનાં હિતોનું રક્ષણ થાય.
- અમે સતત વિકાસ માટે અને સતત વિકાસનાં લક્ષ્યાંકો માટે વર્ષ 2030નાં એજન્ડાનાં અમલીકરણ માટે અમારી સંપૂર્ણ કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ, જે આર્થિક, સામાજિક અને પર્યાવરણીય એમ ત્રણ પાસાંઓમાં સમાન, સર્વસમાવેશક, ઉદાર, સંપૂર્ણ નવીનતા પર સંચાલિત અને સતત વિકાસ સંતુલિત અને સંકલિત રીતે પ્રદાન કરશે તેમજ વર્ષ 2030 સુધીમાં ગરીબી નાબૂદ કરવાનાં અંતિમ લક્ષ્યાંકને પાર પાડશે. અમે વિકસિત દેશોને એમનીODA કટિબદ્ધતાનું સંપૂર્ણપણે, સમયસર સન્માન કરવા તેમજ આદિસ અબાબા એક્શન એજન્ડાને અનુરૂપ વિકાસશીલ દેશોને વિકાસ માટે વધારાનાં સંસાધનો પ્રદાન કરવા અપીલ કરીએ છીએ.
- જોકે આંતરરાષ્ટ્રીય આર્થિક વિસ્તરણમાં અસંતુલન પેદા થયું છે અને ઉદારીકરણની પ્રક્રિયાનાં પીછેહટનું જોખમ ઊભું થયું છે. અમને ચિંતા છે કે, મોટાં વિકસિત અર્થતંત્રોમાં દ્વારા આર્થિક ઉદારીકરણમાંથી પીછેહટ કરવાથી એની નકારાત્મક અસરો દુનિયાનાં વિવિધ દેશોમાં થઈ છે અને તાજેતરમાં કેટલાંક વિકાસશીલ બજારનાં અર્થતંત્રોમાં અસ્થિરતા માટે જવાબદાર છે. જી20 અને અન્ય મંચો પર ઉદારીકરણની પ્રક્રિયા નબળી પડવાથી રાજકીય જોખમો નિવારવા અમે તમામ અર્થતંત્રોને ભાગીદારી વધારવા તેમનાં નીતિગત સંવાદ અને સંકલનની પ્રક્રિયાને મજબૂત કરવા અપીલ કરીએ છીએ.
- જળવાયુ પરિવર્તનનાં પડકાર સાથે સંબંધિત મુદ્દે અમેUNFCCCનાં સિદ્ધાંતો હેઠળ સ્વીકારવામાં આવેલી પેરિસ સમજૂતીનો સંપૂર્ણ અમલ કરવા અમારી પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરીએ છીએ. UNFCCCનાં સિદ્ધાંતોમાં સામાન્ય ઉદ્દેશ ધરાવતી જુદી જુદી જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓનાં સિદ્ધાંતો સામેલ છે તેમજ વિકાસશીલ દેશોને જળવાયુ પરિવર્તનનાં પડકારોને ઝીલવા પર્યાવરણને અનુરૂપ કામગીરી કરવા અને પર્યાવરણને લાભદાયક પદ્ધતિઓનો સ્વીકાર કરવા માટે એમની ક્ષમતા વધારવા વિકસિત દેશોને નાણાકીય, ટેકનોલોજીકલ અને ક્ષમતા-નિર્માણ માટે સાથસહકાર આપવા અપીલ કરીએ છીએ. અમે COP-24 દરમિયાન પેરિસ સમજૂતીનાં ઉદ્દેશો પાર પાડવા બનેલા કાર્યક્રમ હેઠળ સંતુલિત પરિણામ સુધી પહોંચવા તમામ દેશોને અપીલ કરીએ છીએ, જે પેરિસ સમજૂતીનો અમલ કરવા અને એને કાર્યરત કરવા સક્ષમ બનાવે છે. અમે ગ્રીન ક્લાઇમેટ ભંડોળની પ્રથમ ભરપાઈ કરવાની મહત્ત્વાકાંક્ષી પ્રક્રિયાનાં મહત્ત્વ પર અને એને યુદ્ધનાં ધોરણે સફળતાપૂર્વક હાથ ધરવા ભાર મૂકીએ છીએ.
- અમે 10મા બ્રિક્સ શિખર સંમેલનની સફળતા માટે દક્ષિણ આફ્રિકાને પુનઃ બિરદાવીએ છીએ. આ શિખર સંમેલનનું આયોજન 25 થી 27 જુલાઈ દરમિયાન જ્હોનિસબર્ગમાં થયું હતું. અમે અમારા દેશનાં લોકોનાં લાભ માટે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધારે ગાઢ બનાવવાની કટિબદ્ધતા પુનઃવ્યક્ત કરીએ છીએ. અમે દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતા હેઠળ અર્થતંત્ર, શાંતિ અને સુરક્ષા તથા લોકો વચ્ચે આદાન-પ્રદાનનાં ક્ષેત્રોમાં બ્રિક્સ દેશો વચ્ચે સાથ-સહકારની સફળતાઓ પર સંતોષ વ્યક્ત કરીએ છીએ, જેમાં નવી ઔદ્યોગિક ક્રાંતિ પર બ્રિક્સની ભાગીદારીની સ્થાપના(PartNIR), બ્રિક્સ વેક્સિન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, બ્રિક્સ એનર્જી રિસર્ચ કોઓપરેશન પ્લેટફોર્મ અને સાઉ પાઉલોમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની અમેરિકાસ રિજનલ ઓફિસની સ્થાપના સામેલ છે. અમે જ્હોનિસબર્ગ શિખર સંમેલન અને અગાઉનાં શિખર સંમેલનનાં ઉદ્દેશોનો સંપૂર્ણ અમલ કરવા અમારી સંપૂર્ણ કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ.
- અમે વર્ષ 2019માં બ્રાઝિલ દ્વારા આયોજિત 11માં બ્રિક્સ શિખર સંમેલન માટે આતુર છીએ અને બ્રિક્સનાં આગામી અધ્યક્ષ દેશ તરીકે બ્રાઝિલને અમારો સંપૂર્ણ સાથસહકાર આપવા કટિબદ્ધ છીએ.