મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા મે. મારૂતિ સુઝુકી લિ.ના અધ્યક્ષ શ્રી આર. સી. ભાર્ગવ અને મેનેજીંગ ડિરેકટરશ્રી શિંઝો નાકાનિશી (Mr. SHINZO NAKANISHI) એ ગુજરાતમાં મારૂતિ સુઝૂકી કાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા માટે ફળદાયી પરામર્શ કર્યો હતો.
હરિયાણામાં મારૂતિ-કાર ઉત્પાદક આ કંપનીએ તેના આગામી મારૂતિકાર વિસ્તરણ પ્રોજેકટની ઉજ્જવળ સંભાવના માટે ગુજરાતને પહેલી પસંદગી આપી છે. મુખ્યમંત્રીશ્રી સાથે આજે યોજાયેલી આ બેઠકમાં મારૂતિ-સુઝુકી કાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવા માટે કરેલા અભ્યાસની વિગતો અને સંલગ્ન પાસાંઓની ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારના અભિગમને ખૂબજ સકારાત્મક અને પ્રોત્સાહક ગણાવતાં શ્રી આર. સી. ભાર્ગવે જણાવ્યું કે ગુજરાત ઉત્તમ પસંદગીનું સ્થળ છે. સૂચિત મારૂતિકાર ઉત્પાદન પ્રોજેકટ માટે પ૦૦ એકર જમીનની પ્રથમ તબક્કામાં જરૂરિયાત છે અને ૧૦ લાખ જેટલી મારૂતિકારોનું ઉત્પાદન કરનારા આ પ્રોજેકટ દ્વારા એકંદરે દોઢ લાખ જેટલી સીધી રોજગારીની તકોનું સર્જન થશે.
ગુજરાતમાં કાર ઓટોમોબાઇલ્સનું વિશાળ ભવિષ્ય ધ્યાનમાં લઇને તેમણે ઓટોમોબાઇલ્સ સેકટરમાં કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણનો પ્રોજેકટ હાથ ધરવાની પણ પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. મારૂતિ સુઝૂકી કારનો આ પ્રોજેકટ પાંચ વર્ષમાં દશ લાખ નવી કાર ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે અને વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને બીજા તબક્કકામાં વધુ દશ લાખ મારૂતિકાર ઉત્પાદન કરવાના વિસ્તૃતિકરણની સંભાવના તેમણે દર્શાવી હતી.
ગુજરાતમાં દરિયાકાંઠાના પરિવહન માટે અને વિશ્વના બજારોમાં કાર નિકાસ માટેની બંદરીય માળખાકીય સુવિધાઓને ઉત્તમ ગણાવતાં કંપનીના અધ્યક્ષશ્રીએ મારૂતિ કારની નિકાસની સવલતોને પણ પસંદગીના ધોરણમાં કેન્દ્રસ્થાને રાખી છે તેમ જણાવ્યું હતું.
શ્રી આર. સી. ભાર્ગવે જેમ હરિયાણામાં મારૂતિકારના ઉત્પાદક પ્રોજેકટ એકમોથી આનુસંગિક ઉદ્યોગો, રોજગારલક્ષી તકો અને સામાજિક માળખાકીય સુવિધાઓનો ઝડપી વિકાસ થયો છે, એમ ગુજરાતમાં પણ કંપની આ જ દિશામાં કાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ઉપરાંત, સ્કીલ ડેવલપમેન્ટ તથા વેન્ડર્સ પાર્ક જેવા આધુનિક સંલગ્ન પ્રોજેકટ પણ હાથ ધરશે એવી અભિલાષા વ્યકત કરી હતી.
મારૂતિ સુઝુકી કારના સૂચિત પ્રોજેકટ માટે રાજ્યમાં સ્થળની પસંદગી અને અન્ય પ્રક્રિયાઓ ત્રણેક મહિનામાં પૂર્ણ કરવાની તત્પરતા સાથે કંપની સંચાલકોએ મુખ્યમંત્રીશ્રીના વિધેયાત્મક વલણની પ્રસંશા કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ અગ્ર સચિવશ્રી એમ. શાહુ અને કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.