એક તાજા સરવે અનુસાર સરેરાશ 70% લોકો #MannKiBaat સાંભળે છે અને કહે છે કે આ કાર્યક્રમે સમાજમાં હકારત્મકતાની લાગણીમાં વધારો કર્યો છે: વડાપ્રધાન મોદી
જ્યારે મેં #MannKibaat શરુ કરી હતી ત્યારે મેં નક્કી કર્યું હતું કે તેમાં રાજકારણ બિલકુલ નહીં હોય કે પછી તેમાં સરકારના વખાણ કરવાનો પ્રયાસ પણ નહીં હોય કે મોદી પણ નહીં હોય: વડાપ્રધાન
#MannKiBaat એ સરકાર બાબતે નહીં પરંતુ આપણા સમાજ અને એક પ્રેરણાદાયી ભારત અંગે છે: વડાપ્રધાન મોદી
ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે લોકોની પ્રતિભાને પ્રોત્સાહન આપવું જોઈએ; આ આપણા બધાની સામુહિક જવાબદારી છે અને #MannKiBaat એ દિશામાં એક નમ્ર પ્રયાસ છે: વડાપ્રધાન મોદી
જ્યારે પણ હું #MannKiBaat માટે કોઈ પત્ર કે સૂચન વાંચું છું મને લોકોની લાગણીઓ અને અપેક્ષાઓનો સરળતાથી ખ્યાલ આવી જાય છે: વડાપ્રધાન મોદી
સ્વચ્છતા, ડ્રગ મુક્ત ભારત, સેલ્ફી વિથ ડોટર જેવી પહેલને મિડિયા દ્વારા નવીન રીતે કવર કરવામાં આવી અને પ્રસારિત કરવામાં આવી: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન મોદી
છોડી દેવા' ની જગ્યાએ 'સ્વીકારો', 'જવા દેવા' ની જગ્યાએ 'ચર્ચા કરો', ત્યારે જ સંપર્ક અસરકારક બનશે: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન મોદી
મારો પ્રયાસ વિવિધ કાર્યક્રમો અને સોશિયલ મિડિયા દ્વારા યુવાનો સાથે સતત સંપર્કમાં રહેવાનો હોય છે. હું સદાય તેમની પાસેથી કશુંક શીખવાની કોશિશ કરતો હોઉં છું: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન મોદી
જો આપણે આપણા યુવાનોને એક તક આપીએ, તેમને તેમની જાતને વ્યક્ત કરવા ખુલ્લો મંચ આપીએ તો પછી તેઓ દેશમાં એક હકારાત્મક પરિવર્તન લાવી શકે તેમ છે: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન
આપણા બંધારણની ખાસ વાત એ છે કે તેમાં આપણા હક્કો અને ફરજોનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. આ બંનેનું મિશ્રણ દેશને આગળ લઇ જશે: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન
બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે બંધારણ સભાએ માત્ર બે વર્ષ, અગિયાર મહિના અને સત્તર દિવસ લીધા હતા: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન મોદી
ચાલો આપણે આપણા બંધારણમાં સમાવવામાં આવેલા મૂલ્યો સાથે આગળ વધીએ અને આપણા દેશમાં શાંતિ, પ્રગતિ સુખાકારી સુનિશ્ચિત બનાવીએ: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન મોદી
આપણા બંધારણ પ્રત્યે ડૉ. બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય પ્રદાનને કોઇપણ ભૂલી શકે તેમ નથી: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન મોદી
લોકશાહી બાબા સાહેબના જીવનનું અમૂર્ત સ્વરૂપ હતી: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન મોદી
ઇન્ડિયા ફર્સ્ટ સદાય ડૉ આંબેડકરનો મૂળ સિદ્ધાંત રહ્યો હતો: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન મોદી
ગુરુ નાનક દેવ જી એ સદાય સમાજ પ્રત્યે સત્ય, ફરજ, સેવા, કરુણા અને ભાઈચારાનો માર્ગ દર્શાવ્યો હતો: #MannKiBaat દરમ્યાન વડાપ્રધાન મોદી

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 3 ઑક્ટોબર 2014, વિજયાદશમીનું પાવન પર્વ. ‘મન કી બાત’ના માધ્યમથી આપણે બધાએ એક સાથે એક યાત્રા આરંભી હતી. ‘મન કી બાત’ આ યાત્રાના આજ 50 એપિસૉડ પૂરા થઈ ગયા છે. એ રીતે આજે આ ગૉલ્ડન જ્યુબિલી એપિસોડ – સુવર્ણ જયંતી એપિસૉડ છે. આ વખતે તમારા જે પત્રો અને ફૉન આવ્યા છે, તે મોટા ભાગના આ 50મા એપિસૉડના સંદર્ભે જ છે. માય ગોવ પર દિલ્લીના અંશુકુમાર, અમરકુમાર અને પટનાથી વિકાસ યાદવ, આ જ રીતે નરેન્દ્ર મોદી એપ પર દિલ્લીની મોનિકા જૈન, બર્દવાન, પશ્ચિમ બંગાળના પ્રસેનજીત સરકાર અને નાગપુરની સંગીતા શાસ્ત્રી આ બધાં લોકોએ લગભગ એક જ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે. તેમનું કહેવું છે કે ઘણી વાર લોકો તમને લેટેસ્ટ ટૅક્નૉલૉજી, સૉશિયલ મિડિયા અને મોબાઇલ ઍપ સાથે જોડે છે, પરંતુ તમે લોકો સાથે જોડાવા માટે રેડિયો જ કેમ પસંદ કર્યો? તમારી આ જિજ્ઞાસા ખૂબ જ સ્વાભાવિક છે કે આજના યુગમાં જ્યારે લગભગ રેડિયો ભૂલાઈ ગયો હતો તે સમયે મોદી રેડિયો લઈને શા માટે આવ્યા? હું તમને એક કિસ્સો સંભળાવવા માગું છું. આ 1998ની વાત છે, હું ભારતીય જનતા પક્ષના સંગઠનના કાર્યકર્તાના રૂપમાં હિમાચલમાં કામ કરતો હતો. મે નો મહિનો હતો અને હું સાંજના સમયે પ્રવાસ કરતો કોઈ અન્ય સ્થાન પર જઈ રહ્યો હતો. હિમાચલના પહાડોમાં સાંજે તો ઠંડક થઈ જાય જ છે, તો રસ્તામાં એક ઢાબા પર ચા માટે રોકાયો અને જ્યારે મેં ચા માટે ઑર્ડર આપ્યો તો તેના પહેલાં, તે ઘણું નાનું ઢાબું હતું, એક જ વ્યક્તિ પોતે ચા બનાવતો હતો, વેચતો હતો. ઉપર કપડું પણ નહોતું. એમ જ રૉડના કિનારા પર નાનકડી લારી લઈને ઊભો હતો. તો તેણે પોતાની પાસે એક કાચનું વાસણ હતું, તેમાંથી લાડુ કાઢ્યો, પછી બોલ્યો, "સાહેબ, ચા પછી, પહેલાં લાડુ ખાવ. મોઢું મીઠું કરો. " મને નવાઈ લાગી. મેં પૂછ્યું, "શું વાત છે, ઘરમાં કોઈ લગ્ન જેવો કોઈ પ્રસંગ છે કે શું ? તેણે કહ્યું, નહિં નહિં, સાહેબ તમને ખબર નથી શું, અરે ઘણી ખુશીની વાત છે. તે ઉછળી રહ્યો હતો. ખૂબ જ ઉમંગથી ભરેલો હતો. મેં પૂછ્યું શું થયું, " અરે કહે કે, આજે તો ભારતે બોંબ ફોડી દીધો છે. હું કહું છું કે, ભારતે બોંબ ફોડી દીધો છે. હું કાંઇ સમજ્યો નહીં તેણે કહ્યું, જુઓ સાહેબ રેડિયો સાંભળો, રેડિયો પર તે વિશે જ ચર્ચા ચાલી રહી હતી. તે સમયે આપણા વડાપ્રધાન અટલબિહારી વાજપેયી હતા, અને તે દિવસ હતો કે જયારે, ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું. અને તેમણે મિડિયા સામે આ અંગેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાંભળીને જ તે નાચી રહ્યો હતો. અને અને મને ઘણું જ આશ્ચર્ય થયું કે આ જંગલ જેવા સૂમસામ વિસ્તારમાં, બર્ફીલા પહાડોની વચ્ચે એક સામાન્ય માણસ જે ચાની લારી લઈને પોતાનું કામ કરી રહ્યો છે અને દિવસભર રેડિયો સાંભળતો રહેતો હશે અને તે રેડિયોના સમાચારની તેના મન પર એટલી અસર હતી, એટલો પ્રભાવ હતો અને ત્યારથી મારા મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે રેડિયો જન-જન સાથે જોડાયેલો છે અને રેડિયોની બહુ મોટી તાકાત છે.

કમ્યૂનિકેશનની પહોંચ અને તેનું ઊંડાણ, કદાચ રેડિયોની બરાબરી કોઈ કરી શકતું નથી. મારા મનમાં તે સમયથી આ વાત ઘર કરી ગઈ છે અને તેની તાકાતનો મને ત્યારે જ અંદાજ આવી ગયો હતો. તો જ્યારે હું વડા પ્રધાન બન્યો ત્યારે સૌથી શક્તિશાળી માધ્યમ તરફ મારું ધ્યાન જાય તે ઘણું સ્વાભાવિક હતું. અને જ્યારે મેં, મે 2014માં એક 'પ્રધાનસેવક'ના રૂપમાં કાર્યભાર સંભાળ્યો તો મારા મનમાં ઈચ્છા હતી કે દેશની એકતા, આપણા ભવ્ય ઇતિહાસ, તેનું શૌર્ય, ભારતની વિવિધતાઓ, આપણા સમાજની રગ-રગમાં સમાયેલી સારપ, લોકોનો પુરુષાર્થ, ધગશ, ત્યાગ, તપસ્યા આ બધી વાતોને, ભારતની આ વાતને, જન-જન સુધી પહોંચાડવી જોઈએ. દેશનાં દૂર-સુદૂર ગામોથી લઈને મહાનગરો સુધી, ખેડૂતોથી લઈને યુવાન વ્યાવસાયિકો સુધી… અને બસ તેમાંથી આ ‘મન કી બાત’ની યાત્રાનો પ્રારંભ થયો.

દર મહિને લાખોની સંખ્યામાં પત્રોને વાંચતાં, ફૉન કૉલ સાંભળતાં, ઍપ અને માય ગોવ પર કૉમેન્ટ જોતાં અને આ બધાંને એક સૂત્રમાં પરોવીને, હળવી વાતો કરતાં-કરતાં 50 એપિસૉડની એક મુસાફરી, એક યાત્રા આપણે બધાંએ ભેગાં મળીને કરી લીધી છે. હાલમાં જ આકાશવાણીએ ‘મન કી બાત’ પર સર્વેક્ષણ પણ કરાવ્યું. મેં તેમાંથી કેટલાક એવા પ્રતિભાવોને જોયા જે ઘણા રસપ્રદ છે. જે લોકોની વચ્ચે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે તેમાંથી સરેરાશ 70 ટકા નિયમિત રૂપે ‘મન કી બાત’ સાંભળનારા લોકો છે. મોટા ભાગના લોકોને લાગે છે કે ‘મન કી બાત’નું સૌથી મોટું યોગદાન એ છે કે તેણે સમાજમાં હકારાત્મકતાની ભાવના વધારી છે. ‘મન કી બાત’ના માધ્યમથી જન આંદોલનોને મોટા સ્તર પર ઉત્તેજન મળ્યું છે. #indiapositive અંગે વ્યાપક ચર્ચા પણ થઈ છે. તે આપણા દેશવાસીઓના મનમાં વસેલી પૉઝિટિવિટીની ભાવનાની, હકારાત્મકતાની ભાવનાની પણ ઝલક છે. લોકોએ પોતાનો અનુભવ પણ જણાવ્યો છે કે ‘મન કી બાત’થી વૉલ્યન્ટિયરિઝમ એટલે કે સ્વયંસ્ફૂરણાથી કંઈક કરવાની ભાવના વધી છે. એક એવું પરિવર્તન આવ્યું છે જેમાં સમાજની સેવા માટે લોકો હોંશથી આગળ આવી રહ્યા છે. મને એ જોઈને ખુશી થઈ કે ‘મન કી બાત’ના કારણે રેડિયો વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. પરંતુ માત્ર રેડિયોના માધ્યમથી જ લોકો આ કાર્યક્રમ સાથે જોડાઈ રહ્યા હોય તેવું નથી. લોકો ટીવી, એફ. એમ. રેડિયો, મોબાઇલ, ઇન્ટરનેટ, ફેસબુક લાઇવ અને પેરિસ્કૉપની સાથેસાથે નરેન્દ્ર મોદી એપના માધ્યમથી પણ ‘મન કી બાત’માં જોડાઈ રહ્યા છે. હું ‘મન કી બાત’ પરિવારના આપ સૌ સભ્યોને તેના પર વિશ્વાસ વ્યક્ત કરવા અને તેનો હિસ્સો બનવા માટે અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપું છું.

(ફૉન કૉલ-1)

માનનીય વડા પ્રધાન શ્રીનમસ્તેમારું નામ શાલિની છે અને હું હૈદરાબાદથી બોલી રહી છુંમન કી બાતકાર્યક્રમ જનતાની વચ્ચે એક ઘણો જ લોકપ્રિય કાર્યક્રમ છેપ્રારંભમાં લોકોએ વિચાર્યું હતું કે આ કાર્યક્રમ પણ એક રાજકીય મંચ બનીને જ રહી જશે અને તે આલોચનાનો વિષય પણ બન્યો હતોપરંતુ જેમજેમ આ કાર્યક્રમ આગળ વધ્યોતેમ આપણે જોયું કે રાજકારણના સ્થાનેતે સામાજિક સમસ્યાઓ અને પડકારો પર જ કેન્દ્રિત રહ્યો અને આ રીતે મારા જેવા કરોડો સામાન્ય લોકો સાથે જોડાતો ગયોધીમેધીમે આલોચના પણ સમાપ્ત થવા લાગીતો મારો પ્રશ્ન એ છે કે તમે આ કાર્યક્રમને કઈ રીતે રાજકારણથી દૂર રાખવામાં સફળ રહ્યા?શું ક્યારેય તમારું એવું મન નથી થયું કે તમે આ કાર્યક્રમનો રાજકારણ માટે ઉપયોગ કરો કે પછી આ મંચ પરથી તમારી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી શકોધન્યવાદ.

(ફૉન કૉલ સમાપ્ત)

તમારા ફૉન કૉલ માટે ઘણો આભાર. તમારી આશંકા સાચી છે. હકીકતે નેતાને માઇક મળી જાય અને લાખો-કરોડોની સંખ્યામાં સાંભળનારા હોય તો પછી શું જોઈએ? કેટલાક યુવાન મિત્રોએ ‘મન કી બાત’માં આવેલા બધા વિષયો પર એક અભ્યાસ કર્યો તેઓએ બધાં જ એપિસોડનું શબ્દ વિશ્લેષણ, લેક્સિકલ એનાલિસિસ કર્યું, અને તેમણે અધ્યયન કર્યું કે કયો શબ્દ કેટલી વાર બોલવામાં આવ્યો. કયા શબ્દો વારંવાર બોલવામાં આવ્યા. તેમનું એક તારણ એ છે કે આ કાર્યક્રમ બિનરાજકીય રહ્યો છે. જ્યારે ‘મન કી બાત’ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ન તો તેમાં રાજકારણ આવે, ન તેમાં સરકારની પ્રશંસા થાય, ન તેમાં ક્યાંય મોદી હોય અને મારા આ સંકલ્પને નિભાવવા માટે સૌથી મોટું બળ, સૌથી મોટી પ્રેરણા મળી તમારામાંથી. દરેક ‘મન કી બાત’ના પહેલાં આવતા પત્રો, ઑનલાઇન કૉમેન્ટ, ફૉન કૉલ, તેમાં શ્રોતાઓની અપેક્ષાઓ સ્પષ્ટ હોય છે. મોદી આવશે અને ચાલ્યા જશે, પરંતુ આ દેશ અટલ રહેશે, આપણી સંસ્કૃતિ અમર રહેશે. 130 કરોડ દેશવાસીઓની આ નાની નાની વાતો હંમેશાં જીવિત રહેશે. આ દેશને નવી પ્રેરણા, ઉત્સાહથી નવી ઊંચાઈઓ પર લેતી જશે. હું પણ ક્યારેક પાછળ વળીને જોઉં છું તો મને પણ ઘણું મોટું આશ્ચર્ય થાય છે. ક્યારેય કોઈ દેશના કોઈ ખૂણામાંથી પત્ર લખીને કહે છે- અમે નાના દુકાનદારો, રિક્ષા ચલાવનારાઓ, શાકભાજી વેચનારા, આવા લોકો સાથે બહુ ભાવતોલ ન કરવા જોઈએ. હું પત્ર વાંચું છું, આવો જ ભાવ ક્યારેક કોઈ બીજા પત્રમાં આવ્યો હોય, તેને સાથે ગૂંથી લઉં છું. બે વાતો હું મારા અનુભવની પણ તેની સાથે કહી દઉં છું, તમારા બધાંની સાથે વહેંચી લઉં છું અને પછી ખબર નહીં, ક્યારે તે વાત ઘર-પરિવારો સુધી પહોંચી જાય છે, સૉશિયલ મિડિયા અને વૉટ્સઍપ પર ફરતી રહે છે અને એક પરિવર્તનની તરફ આગળ વધતી રહે છે. તમે મોકલેલી સ્વચ્છતાની વાતોએ સામાન્ય લોકોનાં અનેક ઉદાહરણોએ, ખબર નહીં ક્યારે, ઘર-ઘરમાં એક નાનકડો સ્વચ્છતાનો બ્રાન્ડ ઍમ્બેસેડર ઊભો કરી દીધો છે જે ઘરના લોકોને પણ ટોકે છે અને ક્યારેક ફૉન કૉલ કરીને વડા પ્રધાનને પણ આદેશ આપે છે.

કોઈ સરકારની એટલી તાકાત ક્યારે હશે કે selfiewithdaughterની ઝુંબેશ હરિયાણાના એક નાનકડા ગામથી શરૂ થઈને આખા દેશમાં જ નહીં, વિદેશોમાં પણ પ્રસરી જાય. સમાજનો દરેક વર્ગ, સેલિબ્રિટીઓ, બધાં જોડાઈ જાય અને સમાજમાં વિચારપરિવર્તનની એક નવી, આધુનિક ભાષામાં, જેને આજની પેઢી સમજતી હોય તેવી અલખ જગાવી દે. ક્યારેક ક્યારેક ‘મન કી બાત’ની મજાક પણ ઉડે છે પરંતુ મારા મનમાં હંમેશાં જ 130 કરોડ દેશવાસીઓ વસેલા રહે છે. તેમનું મન મારું મન છે. ‘મન કી બાત’ સરકારી વાત નથી- આ સમાજની વાત છે. ‘મન કી બાત’ એક aspirational India, મહત્ત્વાકાંક્ષી ભારતની વાત છે. ભારતનો મૂળ પ્રાણ રાજકારણ નથી, ભારતનો મૂળ પ્રાણ રાજશક્તિ પણ નથી. ભારતનો મૂળ પ્રાણ સમાજનીતિ અને સમાજશક્તિ છે. સમાજજીવનનાં હજારો પાસાં હોય છે, તેમાં એક પાસું રાજકારણ પણ છે. રાજકારણ જ બધું થઈ જાય, તે સ્વસ્થ સમાજ માટે એક સારી વ્યવસ્થા નથી. ક્યારેક-ક્યારેક રાજકારણની ઘટનાઓ અને રાજકારણીઓ એટલાં હાવી થઈ જાય છે કે સમાજની અન્ય પ્રતિભાઓ અને અન્ય પુરુષાર્થો દબાઈ જાય છે. ભારત જેવા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જનસામાન્યની પ્રતિભાઓ-પુરુષાર્થને ઉચિત સ્થાન મળે, તે આપણાં બધાંની સામૂહિક જવાબદારી છે અને ‘મન કી બાત’ આ દિશામાં એક નમ્ર અને નાનકડો પ્રયાસ છે.

(ફૉન કૉલ-2)

નમસ્તે વડા પ્રધાનશ્રીહું પ્રોમિતા મુખર્જી બોલી રહી છુંમુંબઈથીસરમન કી બાતનો દરેક એપિસૉડ ઇનસાઇટથીજાણકારી ઇન્ફૉર્મેશનથીપૉઝિટિવ સ્ટૉરીઓથી અને સામાન્ય માનવીનાં સારાં કામોથી ભરપૂર હોય છેતો હું આપને એ પૂછવા માગું છું કે દરેક પ્રૉગ્રામ પહેલાં તમે કેટલી તૈયારી કરો છો?”

(ફૉન કૉલ સમાપ્ત)

ફૉન કૉલ માટે તમારો ઘણો આભાર. તમારો સવાલ એક રીતે આત્મીયતાથી પૂછાયેલો પ્રશ્ન છે. હું માનું છું કે ‘મન કી બાત’ના 50મા એપિસૉડની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તમે વડા પ્રધાનને નહીં, જાણે કે પોતાના એક નિકટના સાથીને પ્રશ્નો પૂછી રહ્યા છો. બસ, આ જ તો લોકતંત્ર છે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે, જો હું તેનો સીધા શબ્દોમાં ઉત્તર આપું તો કહીશ- કંઈ પણ નહીં. ખરેખર તો, ‘મન કી બાત’ મારા માટે ઘણું સરળ કામ છે. દરેક વખતે ‘મન કી બાત’ પહેલાં લોકોના પત્રો આવે છે. માય ગોવ અને NarendraModi મોબાઇલ App પર લોકો પોતાના વિચારો જણાવે છે. એક ટૉલ ફ્રી નંબર પણ છે- 1800 11 7800. ત્યાં કૉલ કરીને લોકો પોતાના સંદેશાઓ પોતાના અવાજમાં રેકૉર્ડ પણ કરે છે. મારો પ્રયાસ રહે છે કે ‘મન કી બાત’ પહેલાં વધુમાં વધુ પત્રો અને કૉમેન્ટ હું પોતે વાંચું. હું ઘણા બધા ફૉન કૉલ સાંભળૂં પણ છું. જેમજેમ ‘મન કી બાત’નો એપિસૉડ નજીક આવે છે તો પ્રવાસ દરમિયાન, તમારા દ્વારા મોકલાયેલા વિચારો અને માહિતીને હું ઘણી બારીકાઈથી વાંચું છું.

દરેક પળે, મારા દેશવાસીઓ, મારા મનમાં વસેલા રહે છે અને આથી જ્યારે હું કોઈ પત્ર વાંચું છું તો પત્ર લખનારાની પરિસ્થિતિ, તેના ભાવ, મારા વિચારના હિસ્સા બની જાય છે. તે પત્ર મારા માટે માત્ર એક કાગળનો ટુકડો નથી રહેતો અને આમ પણ મેં લગભગ 40-45 વર્ષ અખંડ રૂપે એક પરિવ્રાજકનું જીવન જીવ્યું છે અને દેશના મોટા ભાગના જિલ્લાઓમાં ગયો છું અને દેશના દૂર-સુદૂર જિલ્લાઓમાં મેં ઘણો સમય પણ વિતાવ્યો છે. અને, આ કારણે જ્યારે હું પત્ર વાંચું છું તો હું તે સ્થાન અને સંદર્ભને સરળતાથી પોતાની સાથે જોડી શકું છું. પછી, હું કેટલીક હકીકતો જેમ કે ગામનું નામ, વ્યક્તિનું નામ, વગેરે ચીજોને નોંધી લઉં છું. સાચું પૂછો તો ‘મન કી બાત’માં અવાજ મારો છે, પરંતુ ઉદાહરણો, ભાવનાઓ અને લાગણી મારા દેશવાસીઓની જ છે. હું ‘મન કી બાત’માં યોગદાન કરનારા પ્રત્યેક વ્યક્તિનો આભાર માનવા માગું છું. એવા લાખો લોકો છે જેમનું નામ હું આજ સુધી ‘મન કી બાત’માં નથી લઈ શક્યો, પરંતુ તેઓ નિરાશ થયા વગર પોતાના પત્રો, પોતાની ટિપ્પણીઓ મોકલતા રહે છે- તમારા વિચાર, તમારી ભાવનાઓ મારા જીવનમાં ઘણું જ મહત્ત્વ રાખે છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારાં બધાંની વાતો પહેલાંથી અનેક ગણી વધુ મને મળશે અને ‘મન કી બાત’ને વધુ રોચક, વધુ પ્રભાવી અને ઉપયોગી બનાવશે. એવી પણ કોશિશ કરાય છે કે જે પત્રો ‘મન કી બાત’માં સમાવિષ્ટ નથી કરાયા તે પત્રો અને સૂચનો પર સંબંધિત વિભાગો પણ ધ્યાન આપે. હું આકાશવાણી, એફ. એમ. રેડિયો, દૂરદર્શન, અન્ય ટી. વી. ચેનલો, સૉશિયલ મિડિયાના મારા સાથીઓને પણ ધન્યવાદ આપવા માગું છું. તેમના પરિશ્રમથી ‘મન કી બાત’ વધુમાં વધુ લોકો સુધી પહોંચે છે. આકાશવાણીની ટીમ દરેક એપિસૉડને ઘણીબધી ભાષાઓમાં પ્રસારણ માટે તૈયાર કરે છે. કેટલાક લોકો કુશળતાથી પ્રાદેશિક ભાષાઓમાં મોદીને મળતા આવતા અવાજમાં અને તે જ ટૉનમાં ‘મન કી બાત’ સંભળાવે છે. આ રીતે તેઓ માત્ર 30 મિનિટ માટે નરેન્દ્ર મોદી જ બની જાય છે. હું તે લોકોને પણ તેમની પ્રતિભા અને કૌશલ્ય માટે અભિનંદન આપું છું, આભાર માનું છું. હું તમને બધાને આગ્રહ કરીશ કે આ કાર્યક્રમને તમારી સ્થાનિક ભાષાઓમાં પણ અવશ્ય સાંભળો. હું મિડિયાના મારા એ સાથીઓને પણ હૃદયપૂર્વક અભિનંદન આપવા માગું છું જેઓ પોતાની ચેનલો પર ‘મન કી બાત’નું દર વખતે નિયમિત રીતે પ્રસારણ કરે છે. કોઈ પણ રાજકારણી મિડિયાથી ક્યારેય પણ ખુશ નથી હોતો, તેને લાગે છે કે તેને ઘણું ઓછું કવરેજ મળે છે અથવા જે કવરેજ મળે છે તે નેગેટિવ હોય છે, પરંતુ ‘મન કી બાત’માં ઉઠાવાયેલા અનેક વિષયોને મિડિયાએ પોતાના બનાવી લીધા છે. સ્વચ્છતા, સડક સુરક્ષા, ડ્રગ્ઝ ફ્રી ઇન્ડિયા, સૅલ્ફી વિથ ડૉટર જેવા અનેક વિષયો છે જેમને મિડિયાએ નવીન રીતે એક અભિયાનનું રૂપ આપીને આગળ વધારવાનું કામ કર્યું. ટી. વી. ચેનલોએ તેમને સૌથી વધુ જોવાતો રેડિયો કાર્યક્રમ બનાવી દીધો. હું મિડિયાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમારા સહયોગ વિના ‘મન કી બાત’ની આ યાત્રા અધૂરી જ રહેત.

(ફૉન કૉલ-3)

નમસ્તે મોદીજી. હું નિધિ બહુગુણા બોલી રહી છુંમસૂરી ઉત્તરાખંડથીહું બે બાળકોની માતા છુંહું ઘણી વાર જોઉં છું કે આ ઉંમરનાં બાળકો એ પસંદ નથી કરતા કે તેમને કોઈ કહે કે તેમણે શું કરવાનું છે; પછી તે શિક્ષકો હોય કે તેઓ તેમનાં માતાપિતા હોયપરંતુ જ્યારે તમારી મન કી બાતમાં તમે બાળકોને કંઈક કહો છો તો તેઓ દિલથી સમજે છે અને તે વાતનો અમલ કરે પણ છે– તો શું તમે અમારી સાથે આ રહસ્યને વહેંચશો? જે રીતે તમે બોલો છો કે તમે જે મુદ્દાઓ ઉઠાવો છો જે બાળકો સારી રીતે સમજીને અમલ કરે છેધન્યવાદ.

(ફૉન કૉલ સમાપ્ત)

નિધિજી, તમારા ફૉન કૉલ માટે ઘણો આભાર. હકીકતે હું કહું તો મારી પાસે કોઈ રહસ્ય નથી. હું જે કરી રહ્યો છું તે બધા પરિવારોમાં પણ થતું જ હશે. સરળ ભાષામાં કહું તો હું પોતાને, તે યુવાની અંદર ઢાળવાનો પ્રયાસ કરું છું, પોતાને તે પરિસ્થિતિમાં રાખીને તેના વિચારોની સાથે એક સાંમજસ્ય બેસાડવાનો, એક વૅવલૅન્થ મેચ કરવાની કોશિશ કરું છું. આપણી પોતાની જિંદગીના તે જૂના બેગેજ છે, જ્યારે તે વચ્ચે નથી આવતા તો કોઈને પણ સમજવું સરળ બની જાય છે. ક્યારેકક્યારેક આપણા પૂર્વાગ્રહો જ, સંવાદ માટે સૌથી મોટું સંકટ બની જાય છે. સ્વીકાર-અસ્વીકાર અને પ્રતિક્રિયાઓના બદલે કોઈની વાત સમજવી, મારી પ્રાથમિકતા રહે છે. મારો અનુભવ રહ્યો છે કે આવામાં સામેના લોકો પણ, આપણને કન્વિન્સ કરવા માટે જાતજાતનો તર્ક કે દબાણ કરવાના બદલે, આપણી વૅવલૅન્થ પર આવવાનો પ્રયાસ કરે છે. આ રીતે કમ્યૂનિકેશન ગેપ સમાપ્ત થઈ જાય છે. પછી એક રીતે તે વિચારની સાથે આપણે બંને સહયાત્રી બની જઇએ છીએ. બંનેને ખબર જ નથી પડતી કે ક્યારે અને કેવી રીતે, એકે પોતાનો વિચાર છોડીને બીજાનો સ્વીકાર કરી લીધો છે- પોતાનો બનાવી લીધો છે. આજના યુવાઓની આ જ ખૂબી છે કે તેઓ એવું કંઈ પણ નહીં કરે જેના પર તેમને પોતાને જ વિશ્વાસ નથી અને જ્યારે તેઓ કોઈ ચીજ પર વિશ્વાસ કરે છે તો પછી તેના માટે બધું જ છોડીને તેની પાછળ લાગી જાય છે. ઘણી વાર લોકો પરિવારોમાં મોટી ઉંમરના લોકો અને તરુણો વચ્ચે કમ્યૂનિકેશન ગેપની ચર્ચા કરે છે. હકીકતે મોટા ભાગના પરિવારોમાં તરુણો સાથે વાતચીતનું વર્તુળ બહુ જ સીમિત હોય છે. મોટા ભાગના સમયમાં ભણતરની વાતો કે પછી ટેવો કે પછી જીવનશૈલીના મુદ્દે ‘આમ કર, આવું ન કર’ તેવી રોકટોક થતી હોય છે, કોઈ અપેક્ષા વગર ખુલ્લા મનની વાતો, ધીરેધીરે પરિવારોમાં ઘણી ઓછી થવા લાગી છે અને તે ચિંતાનો પણ વિષય છે.

Expectના બદલે accept અને dismiss કરવાના બદલે discuss કરવાથી સંવાદ પ્રભાવી બનશે. અલગ-અલગ કાર્યક્રમો કે પછી સૉશિયલ મિડિયાના માધ્યમથી યુવાનોની સાથે સતત વાતચીત કરવાનો મારો પ્રયાસ રહે છે. તેઓ જે કરી રહ્યા છે કે પછી વિચારી રહ્યા છે તેને શીખવાનો હું હંમેશાં પ્રયાસ કરતો રહું છું. તેમની પાસે હંમેશાં આઇડિયાનો ભંડાર રહે છે. તેઓ અત્યાધિક ઊર્જાવાન, નવીનતાથી ભરપૂર અને કેન્દ્રિત હોય છે. ‘મન કી બાત’ના માધ્યમથી યુવાનોના પ્રયાસોને, તેમની વાતોને, વધુમાં વધુ વહેંચવાનો હું પ્રયાસ કરું છું. ઘણી વાર ફરિયાદ હોય છે કે યુવાનો બહુ જ સવાલો પૂછે છે. હું કહું છું કે સારું છે કે નવજુવાનો સવાલ કરે છે. આ સારી વાત એટલા માટે છે કે તેનો અર્થ એ થયો કે તેઓ બધી ચીજોની મૂળમાંથી તપાસ કરવા માગે છે. કેટલાક લોકો કહે છે કે યુવાનોમાં ધૈર્ય નથી હોતું, પરંતુ મારું માનવું છે કે યુવાનો પાસે વેડફવા માટે સમય નથી. આ જ એ ચીજ છે જે આજે નવજુવાનોને વધુ ઇન્નૉવેટિવ બનવામાં મદદ કરે છે કારણકે તેઓ ચીજો ઝડપથી કરવા માગે છે. આપણને લાગે છે કે આજના યુવાઓ બહુ જ મહત્ત્વાકાંક્ષી છે અને ઘણી બધી મોટી મોટી ચીજો વિચારે છે. સારું છે, મોટાં સપનાં જુઓ અને મોટી સફળતાઓ મેળવો. આખરે, આ જ તો ન્યૂ ઇન્ડિયા છે. કેટલાક લોકો કહે છે કે યુવાન પેઢી એક જ સમયમાં અનેક ચીજો કરવા માગે છે. હું કહું છું કે તેમાં ખોટું શું છે? તેઓ મલ્ટિટાસ્કિંગમાં પારંગત છે આથી તેઓ આવું કરે છે. જો આપણે આસપાસ નજર દોડાવીશું તો ચાહે તે સૉશિયલ આંત્રપ્રિન્યૉરશિપ હોય કે સ્ટાર્ટ અપ હોય, રમતગમત હોય કે પછી અન્ય કોઈ ક્ષેત્ર- સમાજમાં મોટું પરિવર્તન લાવનાર યુવાનો જ છે. તે યુવાઓ, જેમણે સવાલ પૂછવાનું અને મોટાં સપનાં જોવાનું સાહસ દેખાડ્યું. જો આપણે યુવાનોના વિચારને ધરાતલ પર ઉતારી દઈએ અને તેમને અભિવ્યક્ત કરવા માટે ખુલ્લું વાતાવરણ આપીએ તો તેઓ દેશમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેઓ આવું કરી પણ રહ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, ગુરુગ્રામથી વિનિતાજીએ માય ગોવ પર લખ્યું છે કે ‘મન કી બાત’માં મારે આવતીકાલે એટલે કે 26 નવેમ્બરે આવનારા ‘સંવિધાન દિવસ’ વિશે વાત કરવી જોઈએ. તેમનું કહેવું છે કે આ દિવસ વિશેષ છે કારણકે આપણે સંવિધાનને અપનાવવાના 70મા વર્ષમાં પ્રવેશ કરનારા છીએ.

વિનિતાજી, તમારા સૂચન માટે તમારો ઘણો આભાર.

હા, કાલે ‘સંવિધાન દિવસ’ છે. તે મહાન વિભૂતિઓને યાદ કરવાનો દિવસ, જેમણે આપણું બંધારણ બનાવ્યું. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણને અપનાવાયું હતું. બંધારણ ઘડવાના આ ઐતિહાસિક કાર્યને પૂરા કરવામાં બંધારણ સભાને 2 વર્ષ 11 મહિના અને 17 દિવસો લાગ્યા. કલ્પના કરો કે ત્રણ વર્ષની અંદર જ આ મહાન વિભૂતિઓએ આપણને આટલું વ્યાપક અને વિસ્તૃત સંવિધાન આપ્યું. તેમણે જે અસાધારણ ગતિથી બંધારણનું નિર્માણ કર્યું તે આજે પણ ટાઇમ મેનેજમેન્ટ અને પ્રૉડક્ટિવિટીનું એક ઉદાહરણ છે. તે આપણને પણ આપણી જવાબદારીઓને રેકૉર્ડ સમયમાં પૂરા કરવા માટે પ્રેરિત કરે છે. બંધારણ સભા દેશની મહાન પ્રતિભાઓનો સંગમ હતી, તેમાંથી દરેક વ્યક્તિ પોતાના દેશને એક એવું બંધારણ આપવા માટે પ્રતિબદ્ધ હતી જેથી ભારતના લોકો સશક્ત થાય, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સમર્થ બને.

આપણા બંધારણમાં ખાસ વાત એ જ છે કે અધિકાર અને કર્તવ્ય એટલે કે રાઇટ્સ અને ડ્યુટીઝ, તેના વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. નાગરિકના જીવનમાં આ બંનેનો તાલમેળ દેશને આગળ લઈ જશે. જો આપણે બીજાના અધિકારોનું સન્માન કરીશું તો આપણા અધિકારોની રક્ષા આપોઆપ થઈ જશે અને આ રીતે જો આપણે બંધારણમાં આપવામાં આવેલાં પોતાનાં કર્તવ્યોનું પાલન કરીશું તો પણ આપણા અધિકારોની રક્ષા આપોઆપ જ થઈ જશે. મને અત્યારે પણ યાદ છે કે 2010માં જ્યારે ભારતના ગણતંત્રને 60 વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે ગુજરાતમાં અમે હાથી પર રાખીને બંધારણની શોભાયાત્રા કાઢી હતી. યુવાઓમાં બંધારણ વિશે જાગૃતિ વધારવા માટે અને તેમને બંધારણનાં પાસાંઓ સાથે જોડવાનો તે એક યાદગાર પ્રસંગ હતો. વર્ષ 2020માં એક ગણતંત્રના રૂપમાં આપણે 70 વર્ષ પૂરાં કરીશું અને 2022માં આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થઈ જશે.

આવો, આપણે બધાં આપણાં બંધારણનાં મૂલ્યોને આગળ વધારીએ અને આપણા દેશમાં પીસ, પ્રૉગ્રેસ, પ્રૉસ્પરિટી એટલે કે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરીએ.

મારા પ્રિય દેશવાસીઓ, બંધારણ સભા વિશે વાત કરતા તે મહાપુરુષના યોગદાનને ક્યારેક ભૂલાવી નહીં શકાય જે બંધારણ સભાના કેન્દ્રમાં રહ્યા હતા. તે મહાપુરુષ હતા પૂજનીય ડૉ. બાબાસાહેબ આંબેડકર. 6 ડિસેમ્બરે તેમનો મહાપરિનિર્વાણ દિવસ છે. હું બધા દેશવાસીઓની તરફથી બાબાસાહેબને નમન કરું છું જેમણે કરોડો ભારતીયોને સન્માનથી જીવવાનો અધિકાર આપ્યો છે. લોકતંત્ર બાબાસાહેબના સ્વભાવમાં વસેલું હતું અને તેઓ કહેતા હતા- ભારતનાં લોકતાંત્રિક મૂલ્યો ક્યાંય બહારથી નથી આવ્યાં. ગણતંત્ર શું હોય છે અને સંસદીય વ્યવસ્થા શું હોય છે- તે ભારત માટે ક્યારેય કોઈ નવી વાત નથી રહી. બંધારણ સભામાં તેમણે એક ખૂબ જ ભાવુક અપીલ કરી હતી કે આટલા સંઘર્ષ પછી મળેલી સ્વતંત્રતાની રક્ષા આપણે પોતાના લોહીના છેલ્લા ટીપા સુધી કરવાની છે. તેઓ એમ પણ કહેતા હતા કે આપણે ભારતીયો ભલે અલગ-અલગ પૃષ્ઠભૂમિના હોઈએ, પરંતુ આપણે બધી ચીજોની ઉપર દેશહિતને રાખવું પડશે. ઇન્ડિયા ફર્સ્ટ-ડૉ. બાબાસાહેબ આંબેડકરનો આ જ મૂળમંત્ર હતો. ફરી એક વાર પૂજ્ય બાબાસાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલિ.

મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પહેલાં 23 નવેમ્બરે આપણે બધાએ શ્રી ગુરુ નાનક દેવજીની જયંતી મનાવી છે અને આગામી વર્ષે એટલે કે 2019માં આપણે તેમનું 550મું પ્રકાશપર્વ મનાવવા જઈ રહ્યા છીએ. ગુરુ નાનક દેવજીએ હંમેશાં સમગ્ર માનવતાના કલ્યાણ માટે જ વિચાર્યું. તેમણે સમાજને હંમેશાં સત્ય, કર્મ, સેવા, કરુણા અને સૌહાર્દનો માર્ગ દેખાડ્યો. દેશ આગામી વર્ષે ગુરુ નાનક દેવજીની 550મી જયંતી સમારોહને ભવ્ય રૂપમાં મનાવશે. તેનો રંગ દેશ જ નહીં, દુનિયાભરમાં વિખરાશે. બધી રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ આ અવસરને ધામધૂમથી મનાવવાનો અનુરોધ કરાયો છે. આ રીતે ગુરુ નાનક દેવજીના સાથે જોડાયેલા પવિત્ર સ્થળોના માર્ગ પર એક ટ્રેન પણ ચલાવાશે. હમણાં જ જ્યારે હું તેને સંબંધિત એક બેઠક કરી રહ્યો હતો તો મને તે સમયે લખપત સાહિબ ગુરુદ્વારાની યાદ આવી. ગુજરાતના 2001ના ભૂકંપ દરમિયાન તે ગુરુદ્વારાને ખૂબ જ નુકસાન થયું હતું, પરંતુ જે રીતે સ્થાનિક લોકો સાથે મળીને રાજ્ય સરકારે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે આજે પણ એક ઉદાહરણ છે.

ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, કરતારપુર કૉરિડોર બનાવવાનો, જેથી આપણા દેશના યાત્રીઓ સરળતાથી પાકિસ્તાનમાં, કરતારપુરમાં ગુરુ નાનક દેવજીના તે પવિત્ર સ્થળ પર દર્શન કરી શકે.

મારા પ્રિય દેશવાસીઓ, 50 એપિસૉડ પછી આપણે ફરી એક વાર મળીશું, આગામી ‘મન કી બાત’માં અને મને વિશ્વાસ છે કે આજે ‘મન કી બાત’ના આ કાર્યક્રમ પાછળની ભાવનાઓ મને પહેલી વાર તમારી સમક્ષ રાખવાનો મોકો મળ્યો કારણકે તમે લોકોએ એવા જ સવાલ પૂછ્યા, પરંતુ આપણી આ યાત્રા ચાલુ રહેશે. તમારો સાથ જેટલો વધુ જોડાશે, તેટલી આપણી યાત્રા વધુ ગાઢ બનશે અને દરેકને સંતોષ આપનારી બનશે. ક્યારેકક્યારેક લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ‘મન કી બાત’થી મને શું મળ્યું? હું આજે કહેવા માગીશ કે ‘મન કી બાત’ના જે પ્રતિભાવો આવે છે તેમાં એક વાત મારા મનને સ્પર્શી જાય છે. મોટા ભાગના લોકોએ કહ્યું કે જ્યારે અમે પરિવારનાં બધાં સાથે બેસીને ‘મન કી બાત’ સાંભળીએ છીએ તો એવું લાગે છે કે આપણા પરિવારના વડીલ આપણી વચ્ચે બેસીને આપણી પોતાની જ વાતોને આપણી સાથે વહેંચી રહ્યા છે. જ્યારે આ વાત મેં વ્યાપક રૂપે સાંભળી તો મને ઘણો સંતોષ થયો કે હું તમારો છું, તમારામાંથી જ છું અને એક રીતે હું પણ તમારા પરિવારના સભ્યોના રૂપમાં જ ‘મન કી બાત’ના માધ્યમથી વારંવાર આવતો રહીશ, તમારી સાથે જોડાતો રહીશ. તમારાં સુખદુઃખ, મારાં સુખદુઃખ, તમારી આકાંક્ષા, મારી આકાંક્ષા. તમારી મહત્ત્વાકાંક્ષા, મારી મહત્ત્વાકાંક્ષા.

આવો, આ યાત્રાને આપણે વધુ આગળ વધારીએ.

ખૂબ-ખૂબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.