પ્રધાનમંત્રીશ્રીએ ‘ઈન્ડિયા ફર્સ્ટ’ (સૌ પહેલા ભારત)ના સિદ્ધાંતને આપેલા વિશેષ મહત્વના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે. વિશ્વ વેપાર સંગઠન (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન – ડબ્લ્યુટીઓ) દ્વારા ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટ (ટીએફએ) વિષે ચર્ચા કરાઈ રહી હતી, ત્યારે ભારતે મક્કમપણે પોતાના વાંધા અને આશંકાઓ રજૂ કર્યા હતા તેમજ એવું સ્પષ્ટ કર્યું હતું કે, આ સૂચિત કરાર અન્ન સુરક્ષા અંગેની ભારતની પ્રતિબદ્ધતા માટે સાનુકુળ નથી. ભારત માટે, પોતાની ગરીબ પ્રજાની અન્ન સુરક્ષા એક શ્રદ્ધાનો વિષય છે અને પ્રધાનમંત્રી પોતે તેના પ્રત્યે વ્યક્તિગત રીતે વચનબદ્ધ છે.
ભારતે અનાજના સરકારી સંગ્રહ માટે એક દીર્ઘકાલિન ઉપાય આવશ્યક હોવાનું જણાવ્યું છે. ભારતના આ વલણને વૈશ્વિક મંચ ઉપર વ્યાપક સમર્થન મળ્યું હતું અને સંખ્યાબંધ દેશોએ ભારતના અભિગમને ટેકો આપ્યો હતો. એકંદરે, ભારત એ બાબતે ખાતરી મેળવી શક્યું હતું કે, અન્ન સુરક્ષા અંગે કોઈ બાંધછોડ નહીં થાય અને સાથે સાથે વિશ્વ સમુદાય સાથેના સંવાદના દોર પણ આગળ ધપશે.