અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર લેફ્ટનન્ટ જનરલ એચ આર મેકમાસ્ટર આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
લેફ્ટનન્ટ જનરલ એચ આર મેકમાસ્ટરે પ્રધાનમંત્રીને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે તેમની હકારાત્મક ટેલીફોનિક વાતચીતને યાદ કરી હતી, જેમાં બંને પક્ષોએ વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્ત્વ અને તમામ ક્ષેત્રોમાં ભારત-અમેરિકાનાં જોડાણને વધારવાનું મહત્ત્વ પ્રતિપાદિત કર્યું હતું.
લેફ્ટનન્ટ જનરલ એચ આર મેકમાસ્ટરે અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા અને ડીપીઆરકે સહિત એશિયામાં સુરક્ષા સંબંધિત સ્થિતિ પર પ્રધાનમંત્રી સાથે તેમનો દ્રષ્ટિકોણ વહેંચ્યો હતો. આ વાતચીત દરમિયાન તેમણે બંને દેશો આતંકવાદની સમસ્યાનું અસરકારક રીતે સમાધાન કેવી રીતે લાવી શકાય તથા પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા વધારવા કેવી રીતે કામ કરી શકાય તેના પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.