મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાધ્વી દીદી મા ઋતુમ્ભરાજીની શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહનું ઉદ્ધાટન કરતાં હિન્દુ સંસ્કૃતિની માનવ કલ્યાણ માટેની મહાન સંત-પરંપરાના મહિમાને વિશ્વ સમક્ષ સ્વાભિમાનથી મૂકવાનું આહ્વાન કર્યું હતું.
વૃન્દાવનના વાત્સ્લ્યગ્રામની પ્રતિકૃતિસમા ઉત્તર ગુજરાતના મરતોલી ગામમાં વાત્સલ્યગ્રામમાં નિર્માણ-હેતુ સાધ્વી ઋતુમ્ભરાજીની ભાગવત જ્ઞાનગંગા સપ્તાહનો આજથી અમદાવાદમાં પ્રારંભ થયો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દીદી ઋતુમ્ભરાજીને વાત્સલ્યમૂર્તિ “મા”ના ઓજ અને તેજના મહિમા સ્વરૂપે અભિવાદન કરીને ભાગવત-પોથીનું ભકિતભાવથી પૂજન કર્યું હતું.
વૃન્દાવન પછી ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મરતોલીમાં વાત્સલ્યગ્રામના નિર્માણ માટે ઋતુમ્ભરાજીના સંકલ્પને આવકારતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સન્યાસ્તપથ માટે પોતાનું સર્વસ્વ ત્યાગીને પણ સંસારના અનાથ બાળકોને માનું વાત્સ્લ્ય દીદીમાએ આપ્યું છે.
દીદીએ જ્વાલારૂપે નહીં પરંતુ દીપ પ્રગટાવીને માનવ કલ્યાણનો પ્રકાશ પાથરવાની રચનાત્મક પ્રવૃત્તિઓ કરી છે એને ભારતની સંસ્કૃતિ વિરાસતની સંતશકિતની મહાન પરંપરા ગણાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કમનસિબે આપણી ગુલામીકાળની માનસિકતાને કારણે આપણે આ મહાન સંતશકિતની આલોચના સામે મૌન રહ્યા છીએ.
મિશનરીઓની સેવાની પ્રતિષ્ઠાના ગુણગાન ગવાય છે પણ ઇસાઇ મિશનરી પરંપરા જન્મી નહોતી તે પૂર્વે હજારો વર્ષથી ભારતમાં સંતશકિતએ ભૂખ્યાને ભોજન, અન્નક્ષેત્ર, સંતકુટિરો, ગુરૂકુળ શિક્ષાદિક્ષા પરમ્પરાની ઉજ્જવળ કેડી કંડારી હતી, એમ તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતના સંત-મનીષી-ઋષિઓએ માત્ર મોક્ષની નહીં પણ જીવન-ધર્મની અને સકળ બ્રહમાંડના કલ્યાણનો ભાવ પ્રગટાવેલો છે. પ્રકૃતિ તત્વોના પ્રેમ માટેના સંસ્કારોનું સિંચન કરીને આજના ગ્લોબલ વાર્મિંગના સંકટમાંથી માનવજાતને ઉગારવાનો માર્ગ પણ તેમણે બતાવેલો છે.
ભારતીય સંતોની આધ્યાત્મિક પરંપરાથી કુંભમેળામાં ૪૫ દિવસ સુધી એક આખુ ઓસ્ટ્રેલીયા જે વસતિ ધરાવે છે તેનાથી વધારે જનશકિત આધ્યાત્મિક અનુષ્ઠાન કરે છે, આ અદ્ભૂત વ્યવસ્થાપન વિશે આપણને સ્વાભિમાન હોવું જોઇએ એમ પણ તેમને જણાવ્યું હતું.
ગુજરાતની સ્વર્ણિમ જયંતીના અવસરે શ્રીમદ્ ભાગવત કથાનું આ અમૃતપાનનું આધ્યાત્મિક અનુષ્ઠાન ગુજરાતની વિકાસયાત્રાનો મહિમા મંડિત કરશે એવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.
સાધ્વી ઋતુમ્ભરાજીએ સમસ્ત ભારતને પથદર્શક એવું નેતૃત્વ આપનારા યશસ્વી શાસક તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રસંશા કરી હતી અને સમાજ તથા રાષ્ટ્રના હિત માટેના કર્તવ્યપથના પ્રણેતા ગણાવ્યા હતા.
શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહના સંચાલક સમિતિ પ્રમુખ શ્રી નાકજી બજાજ, સ્વાગત સમિતિ પ્રમુખ શ્રી પરિન્દુ ભગત, મંત્રી શ્રી વિવેક પટેલ, મુખ્ય યજમાન શ્રી મુકુંદભાઇ કારિયા અને અન્ય અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.