લેટિન અમેરિકાના દેશો ગુજરાત સાથે ભાગીદારી કરવા માટે ખૂબ જ ઉત્સુક : ગુજરાતના વિકાસ અને યશસ્વી નેતૃત્વ માટે મુખ્યમંત્રીશ્રીને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોના રાજદૂતોએ અભિનંદન આપ્યા
મુખ્યમંત્રીશ્રી સાથે વિવિધ વિષયો અંગે સંવાદ-મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ચિંતનથી પ્રભાવિત થતું GRULAC ડેલિગેશન
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને લેટિન અમેરિકાના 20 દેશોના ભારત સ્થિત રાજદુતોના બનેલા ગૃપ ઓફ લેટિન અમેરિકન અને કેરેબિયન કન્ટ્રીઝ (GRULAC)ના ડેલિગેશન વચ્ચે આજે નવી દિલ્હીમાં પરસ્પર સહયોગ અને ભાગીદારીના ક્ષેત્રો વિકસાવવા ખુબ જ ઉષ્માસભર અને અત્યંત ફળદાયી પરામર્શ બેઠક યોજાઇ હતી. મેકિસીકોના એમ્બેસેડર શ્રીયુત Jaime Nva Lart ના નેતૃત્વમાં GRULACના ડેલિગેશનના આ રાજદૂતોએ મુખ્યમંત્રીશ્રી સાથે ગુજરાત અને લેટિન અમેરિકન અને કેરેબિયન દેશો વચ્ચે વિકાસની વિવિધલક્ષી સંભાવનાઓ વિકસાવવા બે કલાક સુધી પરામર્શ કર્યો હતો. દિલ્હીમાં આંતરિક સુરક્ષાની બેઠકમાં ભાગ લેવા આવેલા મુખ્યમંત્રીશ્રીએ આજે બપોર બાદ લેટિન અમેરિકન કન્ટ્રીઝના મેકસીકો, આર્જેન્ટિના, બ્રાઝિલ, ચીલી, પેરૂગ્વે, ઉરૂગ્વે, વેનીઝૂએલા, નિકારાગુઆ, પનામા, બોલિવીયા, કોલંબીયા, ઇકવાડોર, પેરૂ, અલસાલ્વાડોર, કોસ્ટારિકા, ગ્વાટેમાલા, ડોમિનીકન રિપબ્લીક, હેઇપી, અને કયુબા તથા અમીરાતના રાજદૂતો સાથે બેઠક યોજી હતી. આ રાજદૂતોએ પોતાના દેશો વતી મુખ્યમંત્રીશ્રીના પ્રગતિશીલ નેતૃત્વ અને ગુજરાતના વિકાસની વિશિષ્ટ કાર્યસિધીઓની પ્રસંશા કરી હતી અને રાજકીય સ્થિરતાથી સતત 1ર વર્ષ સુધી ગુજરાત રાજ્યનું નેતૃત્વ સંભાળવા માટે તેમજ આજે ગુજરાતની પેટા ચૂંટણીઓમાં જનતાએ જે જવલંત વિજય અપાવ્યો તે માટે વિશેષ અભિનંદન પણ આપ્યા હતા.મુખ્યમંત્રીશ્રી સાથે લેટિન અમેરિકન દેશોના આ ર0 દેશોના રાજદૂતોએ પારસ્પરીક સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા પરસ્પર સંવાદ પણ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ તેમને ગુજરાતના વિકાસની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે લેટિન અમેરિકાના દેશો અને ગુજરાત વચ્ચે ઘણી સામ્યતા છે, એટલું જ નહીં વિકાસના અનેક ક્ષેત્રોમાં વૈવિધ્યકરણ દ્વારા સહભાગીતાનો સેતુ પ્રસ્થાપિત કરી શકાશે.
મુખ્યમંત્રીશ્રીએ લેટિન અમેરિકાના દેશોના જે ડેલિગેશનોએ નવરાત્રી ઉત્સવ અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (VGGIS)માં ભાગ લીધો હતો. તેને યાદ કરીને જણાવ્યું કે વ્યાપાર વાણિજ્ય ઉપરાંત સામાજીક સુખાકારી અને માનવ સંસાધન વિકાસના ક્ષેત્રોમાં ગુજરાત અને લેટિન અમેરિકાના દેશો વચ્ચે વિશાળ વિકાસ સંભાવનાઓનો અવકાશ ઊભો થયો છે. મુખ્યમંત્રીશ્રીએ લેટિન અમેરિકન દેશોમાં ગુજરાતની કંપનીઓની ભાગીદારીના દ્રષ્ટાંતો આપીને જણાવ્યું હતું કે તાજેતરમાં જ ગુજરાત અને મેન્ડોઝા વચ્ચે જળસિંચન અને ન્યૂએઇજ ટેકનોલોજી તથા રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં સમજૂતિના કરારો કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે લેટિન અમેરિકા ભારત સાથે ટ્રેડ પાર્ટનર બની રહયું છે અને ગુજરાતમાં હાઇડ્રો કાર્બન રિર્સોસીઝ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ડેરી વિકાસ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, ઓટો પાર્ટસ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર અને મેન્યુફેકચરીંગ સેકટર સહિતના અનેક નવાં ક્ષેત્રોમાં પરસ્પર ભાગીદારીની વિશાળ તકો ઉપલબધ છે. તેમણે એમ પણ જણાવ્યું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસે લેટિન અમેરિકાના દેશો અને ગુજરાતમાં જૈવિક વૈવિધ્ય (બાયો ડાર્વવિસીટી)ની સુરક્ષા માટે પણ ખૂબ જ જાગૃતી આવેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આધુનિક ટેકનોલોજી અને સામાજીક સશકિતકરણ દ્વારા ગુજરાત અને લેટિન અમેરિકન વચ્ચે આરોગ્ય સંભાળ, શિક્ષણ, પીવાનું પાણી, સેનિટેશન, યુવા કૌશલ્ય વિકાસ, મૂલ્યવર્ધિત કૃષિ, જળવ્યવસ્થાપન જેવાં ક્ષેત્રોમાં નવા વિચારો-નવા આયામોના આર્વિભાવ માટે પણ ખૂબ જ મોટો અવકાશ છે. ગુજરાતે ફર્ટિલાઇઝર, પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને સોલાર એનર્જીના ક્ષેત્રોમાં એશિયામાં પોતાનું સ્થાન અંકે કર્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મેકસિકોના રાજદૂત શ્રીયુત જૈમીન્યુલાર્ટએ જણાવ્યું કે GRULACના દેશો ગુજરાત સાથે ભાગીદારી કરવા માટે ખૂબ જ ઉત્સુક છે કારણ કે ગુજરાતે વિકાસની સાતત્યપૂર્ણ ગતિ જાળવી રાખીને વિશ્વમાં પોતાની આગવી શાખ-પ્રતિષ્ઠા ઉભી કરી છે. ઐતિહાસિક રીતે ગતિશીલતા ધરાવતા ગુજરાતને મુખ્યમંત્રીશ્રીનું જે નેતૃત્વ પ્રાપ્ત થયું છે તેના કારણે ગુજરાત ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહયું છે અને લેટિન અમેરિકાના દેશો પણ ગુજરાત સાથે ભાગીદારી કરવા માટે ઉત્સુક બન્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.લેટિન અમેરિકાના દેશોએ મુખ્યમંત્રીશ્રી સાથે વિવિધ વિષયો ઉપર પ્રશ્નોત્તરી અને સંવાદ કર્યા હતા જેના પ્રતિભાવ રૂપે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત આજે વિશ્વનો સૌથી યુવા દેશ છે અને ભારત સામે સૌથી મોટો પડકાર 6પ ટકા યુવાશકિતના સામર્થ્યને વિશ્વ સાથે જોડવાનો છે. આ સંદર્ભમાં, તેમણે ગુજરાતમાં લાખો યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ માટેનું વિશાળ નેટવર્ક ઉભું કરીને કૌશલ્યવર્ધનની તાલીમ આપી છે તેની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે જળવ્યવસ્થાપન, ર4 કલાક થ્રી ફેઇઝ વીજ સુવિધા, તમામ 18000 ગામોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેકટીવીટી અને કૃષિ વિકાસ, પશુ આરોગ્ય મેળાઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વાયબ્રન્ટ બનાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાતે તેના આર્થિક વિકાસમાં માત્ર ઔદ્યોગિક પ્રગતિ જ નહીં પરંતુ કૃષિ, સર્વિસ અને મેન્યુફેકચરીંગ સેકટરમાં પણ સંતુલિત વિનિયોગ કરી બતાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ લેટિન અમેરિકાના દેશોને ગુજરાતમાં ટુરીઝમ અને હોસ્પિટાલિટી સેકટરના વિકાસમાં ભાગીદાર બનવાનું ઇંજન આપ્યું હતું. ગુજરાતે માનવ સંશાધન વિકાસમાં વિશેષ પ્રકારની યુનિવર્સિટી શિક્ષણની વિશ્વકક્ષાની યુનિવર્સિટીઓ કાર્યરત કરી છે જેમાં FSL, કૃષિ યુનિવર્સિટી, આયુર્વેદ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી (પેટ્રોલિયમ)નો સમાવેશ થાય છે, જેના પરિણામે ર1મી સદીમાં નવી ટેકનોલોજીનો વિકાસમાં વિનિયોગ કરવા માટે નવી પેઢીને પોતાનું સામર્થ્ય બતાવવાના અવસરો પ્રાપ્ત થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. લેટિન અમેરિકાના આ રાજદૂતોએ મુખ્યમંત્રીશ્રી સાથે સમૂહ તસ્વીરનું પણ આયોજન કર્યું હતું. ગુજરાત સરકારના નિવાસી આયુકત શ્રી ભરતલાલે ગુજરાત ભવનમાં આ ડેલિગેશનની મુખ્યમંત્રીશ્રી સાથેની બેઠકનું સફળ સંચાલન કર્યું હતું જેમાં મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી મુર્મુ પણ ઉપિસ્થત રહયા હતા. લેટિન અમેરિકાના દેશોના રાજદૂતોની સાથેની મુખ્યમંત્રીશ્રીની અત્યંત સફળ રહેલી આ બેઠક ભવિષ્યમાં લેટિન અમેરિકાના દેશો અને ગુજરાત વચ્ચે સહભાગીતાનો મજબૂત સેતુ ઉભો કરશે જે એકંદરે ભારતના વિકાસમાં પણ નિર્ણાયક બની રહેશે