મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વડનગરમાં સ્વર્ણિમ તાના-રીરી મહોત્સવ-ર૦૧૦માં સૂરસામ્રાજ્ઞી ભગીની સર્વશ્રી લતા મંગેશકર અને ઉષા મંગેશકરને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને ગુજરાતની સ્વરાધિકા સુશ્રી ધારી પંચમદાને સતત ૯૯ કલાક, ૯૯ મિનિટ અને ૯૯ સેકન્ડ સુધી ૧૦૯ રાગો ગાઇને સંગીતક્ષેત્રે નવો વિશ્વ વિક્રમ સ્થાપીને ગુજરાતને ભારતીય સંગીત સાધનાનું વૈશ્વિક ગૌરવ અપાવવા માટે અભિવાદન કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જીવનને નવી સંવેદના અને શક્તિ આપનારી કલા-સાહિત્ય સહિતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને રાજ્ય પુરસ્કૃત કરવાની નેમ વ્યકત કરી હતી. સમાજમાં કલા સાહિત્યનું ગૌરવ સંસ્કાર સંવર્ધિત થાય તે માટે તેમણે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
વડનગરની સંસ્કારભૂમિ ઉપર રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત તાના-રીરી મહોત્સવને ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષના અવસરે આંતરરાષ્ટ્રીય સંગીત ક્ષેત્રે ગુજરાતની સાંસ્કૃતિક ગરીમાને નવી ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ છે. આ વર્ષથી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ રાષ્ટ્રીય પુરસ્કારરૂપે સંગીત સાધનાના ઉત્કૃષ્ઠ યોગદાન આપનારા કલાકારોને આપવામાં આવશે. જેનો પ્રથમ એવોર્ડ લતા અને ઉષા મંગેશકર બહેનોને મુખ્ય મંત્રીશ્રીએ આજે આપ્યો હતો.
તાના-રીરી મહોત્સવને નવી પ્રતિષ્ઠા આપીને સંગીત સાધનાનો વિશ્વવિક્રમ સ્થાપવામાં ધારી પંચમદાનું અભિવાદન કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, લતા અને ઉષા મંગેશકરે ગુજરાત સરકારનો આ સન્માન એવોર્ડ સ્વીકારીને આ અવસરને નવી પ્રતિષ્ઠા અર્પી છે.
તાના-રીરીને સ્મરણાંજલિ અર્પતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગીત-સંગીત કોઇ દરબાર માટે નથી પણ ભક્તિ-તપ છે અને તેના આદરભાવ માટે જીવન ખપાવી દઇને તાના-રીરીએ સંગીત સાધના ક્ષેત્રે નારી શક્તિના યોગદાનની પરંપરા બક્ષી છે તેની સ્મૃતિમાં સંગીત ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનારી ભારતીય સંગીત-ભગીની લતાદીદી-ઉષાદીદીને તેમણે સ્વર્ણિમ તાનારીરી સંગીત સન્માનથી વિભૂષિત કર્યા હતાં.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ કલાનગરી વડનગરને આંગણે સૌને આવકાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, સ્વર્ણિમ તાના-રીરી સંગીત મહોત્સવ સદીઓ પૂરાણા ભવ્ય સંગીન ઇતિહાસની સુવાસ પ્રસરાવશે તેમ જણાવ્યું હતું. તાના-રીરીની ભારતની આર્યનારીની વિચારશીલતાની અને સ્વરભક્તિની આગવી મિશાલ ગણાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સદીઓ પહેલાં આ ધરતી પર બનેલી ઘટના તાના-રીરીએ આલાપેલો રાગ આજેય એટલો જ જીવંત છે. સ્વરની ભક્તિ એ ઇશ્વર ભક્તિ કરતાં જરાય ઉતરતી નથી એ વાત તાના-રીરીના સંગીતે વિશ્વને આપી છે. સંગીત વિશ્વના સ્મરણમાં તાના-રીરી બહેનોની યાદ કાયમ માટે રહે તે માટે ગુજરાત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે.
બપોરે રઃર૩ઃર૯ કલાકે ગુજરાતની સુપુત્રી ધારી પંચમદાએ પોતાનો ૮ર કલાક સળંગ ગાવાનો રેકાર્ડ ૯૯ કલાક ૯૯ મિનિટ ૯૯ સેકન્ડ સુધી સળંગ ૧૦૯ રાગ ગાઇને તોડયો છે. જે વિશ્વ આખુ સદાય યાદ રાખશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સચિવ શ્રી ભાગ્યેશ જહાએ તાના-રીરી સન્માનિત લતા મંગેશકર તથા ઉષા મંગેશકરને અપાનાર સન્માનપત્રનું વાંચન કર્યું હતું. સ્વર સામ્રાજ્ઞી સુશ્રી લતા મંગેશકરના વિડીયો રેકોર્ડીંગ સંદેશનું આ મહોત્સવમાં ઉપસ્થિત કલા રસિકો સમક્ષ રજૂ કરાયું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ૯૯ કલાક ૯૯ મિનિટ અને ૯૯ સેકન્ડ ગાનાર ધારી પંચમદાનું શાલ ઓઢાડી સન્માનપત્ર તથા સુશ્રી ઉષા મંગેશકરને રૂા. પ લાખનો ચેક તથા સન્માનપત્ર આપી સન્માન્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી રમણભાઈ વોરા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલ, સુર સામ્રાજ્ઞી સુશ્રી ઉષા મંગેશકર, વિશ્વ રેકર્ડ સર્જનાર ધારી પંચમદા, કલા ગુરૂ શ્રી ભૂપેન્દ્ર પંડિત, ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી નારણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, ઋષિકેશ પટેલ, ભરતસિંહ ડાભી, શ્રી રજનીભાઈ પટેલ, સરદાર સરોવર નિગમના ડિરેકટર શ્રી વસંત રાવલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જયંતિભાઈ, સાંસદ શ્રી નટુજી ઠાકોર, પૂર્વ સાંસદ શ્રી પૂંજાજી ઠાકોર, સ્થાનિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.