મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રણ ટુરિઝમને નવો મોડ આપવાનો નિર્ધાર વ્યકત કર્યો છે અને જણાવ્યું છે કે કચ્છ, ગુજરાતના ટુરિઝમ કેપિટલ તરીકે વિશ્વપ્રવાસન ક્ષેત્રે આગવી ઓળખ બનશે.
ધોરડોમાં ભાજપાની પ્રદેશ કારોબારીમાં ઉપસ્થિત રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બપોરના વિરામ સમયે રણોત્સવના આયોજન-વ્યવસ્થાપનની જવાબદારી સંભાળનારા કચ્છ જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગી-અધિકારીઓના પ્રતિભાવો જાણ્યા હતા. તેમણે સમગ્રતયા ટીમકચ્છની કામગીરીની પ્રસંશા કરી હતી અને રણોત્સવમાં આવેલા પ્રવાસીઓના પ્રોત્સાહક પ્રતિસાદનો ઉલ્લેખ કરી જણાવ્યું કે વર્ષ ર૦૧૧માં કચ્છમાં ઓછામાં ઓછા એક લાખ પ્રવાસીઓ આવે એવા નવીનતાસભર આકર્ષણો સાથે કચ્છનું પ્રવાસન રોજગાર ધંધાની વિશાળ ક્ષિતિજો ખોલે તેવું ધ્યેય રાખવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ ટેન્ટ સિટીના વિકલ્પે કચ્છના સ્થાનિક ગામોના વતનીઓ ખાનગી ધોરણે ભૂંગાનું હોમ-સ્ટે ટુરિઝમ કલ્ચર વિકસાવે તે દિશામાં સરકાર ઉત્સુક છે જેમાં સ્થાનિક લોકોને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ (આતિથ્ય વ્યવસ્થાપન)ની તાલીમ આપી તૈયાર કરી શકાય. આ ઉપરાંત શાળા-કોલેજોમાં કચ્છની હેરિટેજ-વિરાસતો વિષયક નિબંધ-વકતૃત્વ સ્પર્ધાઓ યોજીને નવી પેઢીમાં ટુરિસ્ટ ગાઇડની કારકિર્દીને પ્રોત્સાહિત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સફેદ રણમાં મધ્યાન્હે સૌન્દર્ય માણવાનો પણ લહાવો લીધો હતો. તેમણે વ્હાઇટ રણમાં સેન્ડ બીચ સ્પોર્ટસ એડવેન્ચરના નવા આકર્ષણો ઉભા કરવા, રણકાંઠાના ગામોમાં આર્ટિસ્ટ, હેન્ડીક્રાફટ વિલેજ સ્થાપવા, જનભાગીદારીથી કાળા ડુંગર નીચે રિસોર્ટ બનાવવા, રણોત્સવ સાથે પતંગોત્સવ જોડવા, હેન્ડીક્રાફટનું માર્કેંટીંગ-બ્રાન્ડીગનું ફલક વિશાળ ધોરણે વિકસાવવાના સૂચનો કર્યા હતા.
રણોત્સવ દરમિયાન હિન્દ-પાક સરહદનું નિરીક્ષણ કરવા માટે પ્રવાસીઓએ દર્શાવેલા પ્રતિસાદને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીશ્રી સીમાસુરક્ષા દળ દ્વારા ટેન્ક, બંકર, વગેરે પ્રવાસીઓ નિહાળી શકે અને તસ્વીરો લઇ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવા અનુરોધ કર્યો હતો.
કચ્છમાં શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, ઇન્ડીયા હાઉસ, રેતશિલ્પનગર, માંડવી બીચ અને કાઇટ ફેસ્ટીવલ જેવા અનેક આકર્ષણોથી માંડવીની આર્થિક પ્રવૃતિ ધબકતી થઇ છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં રોજગારી માટે પ્રવાસન ઉદ્યોગ ધમધમતો થાય તેવી નેમ વ્યકત કરી હતી.
આ બેઠકમાં રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીર, કલેકટરશ્રી થેન્નારસન, પૂર્વ અને પશ્ચિમ કચ્છના જિલ્લા પોલીસ વડાશ્રીઓ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પણ ઉપસ્થિત હતા.