મુખ્યમંત્રીશ્રી કચ્છમાં
ભીમાસર-અંજારમાં ઇન્ડીઅન સ્ટીલ કોર્પોરેશનના સ્ટીલ પ્લાન્ટ-ફેઇઝ/રનું ઉદ્દધાટન રૂચિ ગ્રુપ-મિત્સુઇ ગ્રુપનું સંયુકત વિકાસ સાહસ
રૂા. ૧૧૦૦ કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે સ્ટીલ પ્લાન્ટ ઉઘોગનું વિસ્તરણ
છ લાખ ટન સ્ટીલ પ્રોડકશન થશે
કચ્છને નવા વર્ષની ભેટ
નરેન્દ્રભાઇ મોદી
વિકાસ કોને કહેવાય એ ર૦૦૧ના કચ્છ અને ર૦૧રના વર્તમાન કચ્છની તુલનાથી સમજાઇ જશે
કચ્છ-હિન્દુસ્તાનનું સ્ટીલ હબ બન્યું છે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી નવા વર્ષે આજે ભીમાસરમાં ઇન્ડિઅન સ્ટીલ કોર્પોરેશનના સેકન્ડ ફ્રેઇઝ સ્ટીલ એક્ષ્પાન્સન પ્લાન્ટનું ઉદ્દધાટન કરતા જણાવ્યું હતું કે એકલું કચ્છ જ હિન્દુસ્તાનનું સ્ટીલ હબ બની ગયું છે.તેમણે જણાવ્યું કે ર૦૦૧ પહેલાનું કચ્છ અને વર્તમાન ર૦૧રનું કચ્છ-જેની તુલનાથી જ વિકાસ કોને કહેવાય તે ગુજરાત મોડેલનું દ્રષ્ટાંત કચ્છે પુરૂં પાડયું છે.
જાપાનની મિત્સુઇ કંપની અને ભારતની રૂચિગ્રુપ ઇન્ડસ્ટ્રીઝના સંયુકત સાહસરૂપે ખાનગી ક્ષેત્રમાં ર૦૦પમાં ઇન્ડીઅન સ્ટીલ કોર્પોરેશન સ્ટીલ પ્લાન્ટ રૂા. ર૪૧ કરોડના રોકાણથી ભીમાસરમાં કાર્યાન્વીન્ત થયો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ર૦૦૭-માર્ચમાં જાપાનના પ્રવાસે ગયા હતા ત્યારે આ જાપાની કંપની અને રૂચિ ગ્રુપે સેકન્ડ ફેઇઝ સ્ટીલ પ્લાન્ટ રૂા. ૮૮૪ કરોડના વધુ મૂડીરોકાણથી સ્થાપવાની તત્પરતા દાખવી હતી તેના અનુસંધાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૦૯માં આ અંગેના ISCએ સમજૂતિ કરાર કર્યા હતા તેની ફલશ્રુતિરૂપે ISCનો આ ફેઇઝ/ર સ્ટીલ એકસ્પાન્શન પ્લાન્ટ કાર્યરત થયો છે.
તેમણે જણાવ્યું કે ર૦૦૧નું કચ્છ અને વર્તમાન ર૦૧રનું કચ્છ-જેને વિકાસની તુલના કરવી હોય તેને માટે કચ્છનો વિકાસ મોડેલ છે-કચ્છનો વિકાસ વ્યૂહ સર્વાંગીણ અને સંતુલિત વિકાસ બની રહ્યો છે. ગુજરાતમાં ઔઘોગિક મૂડીરોકાણ દેશમાં સર્વાધિક છે પરંતુ તેની સાથોસાથ ગુજરાતમાં ઔઘોગિક વિકાસની સાથોસાથ કૃષિ વિકાસમાં પણ ૩૭ લાખ હેકટર વાવેતર વિસ્તારમાં દશ વર્ષમાં વૃધ્ધિ કરી છે. આ દર્શાવે છે કે ગુજરાતના વિકાસમાં કૃષિ, ઉઘોગ અને સર્વિસ સેકટરનો સમાન હિસ્સો તથા સ્થળ-જળ-નભ માટેના મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને કચ્છે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે તેની ગૌરવભેર ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતમાં અમિતાભ બચ્ચને પ્રવાસન એમ્બેસેડર બન્યા પછી ""ખૂશ્બુ ગુજરાતની'' વિશ્વભરમાં પ્રસરી છે.
ગુજરાત આજે "ઓટોમોબાઇલ હબ' બની ગયું છે અને દુનિયાની બધી જ મહત્વની કંપનીઓની મોટરકારોના પ્લાન્ટ યુનિટ ગુજરાતમાં છે. જાપાન અને ગુજરાતનો નાતો હવે અતૂટ બની રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ જાપાનનું વિદેશી મૂડીરોકાણ થયેલું છે. જાપાન એ ગુજરાતના વિકાસનું ભાગીદાર બન્યું છે. એશિયાનું આર્થિક વિકાસમાં અગ્રેસર જાપાન જેવું સંગીન રાષ્ટ્ર ગુજરાત સાથે ભાગીદારી કરે તે બતાવે છે કે ગુજરાતમાં વિશ્વ સ્તરના વિકાસની કેટલી ક્ષમતા અને સામર્થ્ય છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું.
ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી કૈલાસ સહારાએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં દુનિયાના પ્રગતિશીલ દેશોને ગુજરાતમાં નોતરવાની જે દિર્ધદ્રષ્ટિ દાખવી છે તેનાથી ગુજરાતની ઔઘોગિક પ્રગતિને ભારે વેગ મળ્યો છે એમ જણાવી ઉમેર્યું હતું કે સ્ટીલ ઉઘોગ આપણા દેશના પાયાના (બેઝિક) ઉઘોગ પૈકીનો એક છે.
ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના જાપાનના સહભાગીદાર અને મેનેજીંગ ડિરેકટર શ્રી મકાતો સુઝીકીએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર સમક્ષ ર૦૦૪માં દરખાસ્ત મૂકી હતી અને આજે આઇ.એસ.સી.ના બીજા ફેઝના શુભારંભ સાથે તેની ઉત્પાદન ક્ષમતા ૬ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગઇ છે અને આ શુભપ્રસંગે ખુદ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહ્યા તેનો આનંદ અને ગૌરવ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ઇન્દોરના સાંસદ શ્રીમતી સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે ર૦૦૧ની ભૂકંપની ભયાનક પરિસ્થિતિને ગુજરાતે સાચા અર્થમાં અવસરમાં પલટાવી દીધી છે, જેનું મુખ્ય શ્રેય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે છે.
આઇ.એસ.સી.ના મેનેજીંગ ડિરેકટર શ્રી ઉમેશ સહારાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા જ્યારે આભારવિધિ આઇ.એસ.સી.ના એકઝીકયુટીવ ઓફિસરશ્રી અર્જુન જાલાણીએ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભીમાસર આવી પહોંચ્યા ત્યારે આઇ.એસ.સી.ના અધ્યક્ષશ્રી કૈલાસ સહારાએ પુષ્પગુચ્છથી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જનરલ મેનેજર (આઇ.એસ.સી.) કર્નલ સૈની પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કંપનીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને સમગ્ર આઇ.એસ.સી. પ્રોજેકટની મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે કંપનીના જાપાનના સહભાગીદાર એવા હોદ્દેદારો સર્વશ્રી કુરૂહાતા, તાનીગુચી, કુજીતા, હારા, મિઝુતાની તથા ભીમાસર પ્રોજેકટના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આઇ.એસ.સી.ના સોવિનીયરનું પણ વિમોચન કર્યું હતું. આઇ.એસ.સી.ના અધ્યક્ષશ્રી કૈલાસ સહારાએ મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું.