કૃષિમહોત્સવ
વિડીયો કોન્ફરન્સથી મુખ્ય મંત્રીશ્રીનો ખેડૂતો સમક્ષ વાર્તાલાપ
કૃષિ મહોત્સવ ખેતીની આધુનિક તાલીમની મોટામાં મોટી યુનિવર્સિટી છેઃ નરેન્દ્રભાઈ મોદી
ટૂંકી જમીન ઉપર મહત્તમ આવક આપે તેવા ગ્રીન હાઉસ - નેટ હાઉસની ખેતીવાડી વિકસી રહી છે
ખેતી - પશુપાલનમાં તાલીમને પ્રાથમિકતા આપી છે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવમાં આજે જોડાયેલા ખેડૂતોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતાં જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ પોતે જ તાલીમની વિશાળ યુનિવર્સિટી બની ગયો છે. ખેતરમાં ઝાડ નીચે બેસીને આધુનિક ખેતી માટેની મોટામાં મોટી યુનિવર્સિટી છે જેનો દુનિયામાં જોટો જડે એમ નથી.દરરોજ સાંજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા એક લાખ જેટલા કિસાન-પશુપાલકોના પરિવારોને ગુજરાતભરમાં વાર્તાલાપ કરવાનો ઉપક્રમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથ ધર્યો છે.
કૃષિ મહોત્સવ દ્વારા દેશ સમક્ષના ખેતીક્ષેત્ર સાથેના પડકારની ભૂમિકા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વસતિ વધારાને કારણે ખેતી જમીન ધટતી રહી છે અને ખેત પેદાશોની માંગ વધે છે ત્યારે વધુમાં વધુ ઉત્પાદન એ જ એકમાત્ર ઉત્તમ ઉપાય છે. એક એકરે ખેત ઉત્પાદકતા અને એક પશુએ દૂધની ઉત્પાદકતા વધારવી જ પડે એમ તેમણે જણાવ્યું હતું.
ખેતીક્ષેત્રે ભારત અને ચીનની સરખામણી કરતાં તેમણે જણાવ્યું કે, ચીન પાસે ૧૩૦ મીલીયન હેકટર જમીન છે. ભારત પાસે ૧૬૧ મીલીયન હેકટર જમીન છે. ચીન અને ભારત વચ્ચે સિંચાઇના વિસ્તારનો તફાવત બે મિલીયન હેકટરનો છે પણ આપણા દેશ કરતાં ચીનના ખેડૂતો ત્રણ ગણો ઉત્પાદન વધારો મેળવે છે. ચોખામાં દોઢ ગણો અને કપાસમાં દોઢ ગણો પેદા કરીને ચીન ભારત કરતાં ધણું આગળ છે તેથી ભારતે પરંપરાગત ખેતીમાં બદલાવ લાવીને ઉત્પાદકતા વધારવાની છે. ખેડૂતોએ વીજળીને બદલે પાણીનો રસ્તો પકડયો ત્યારે ખેતીક્ષેત્રે નામના મેળવી છે.
વૈજ્ઞાનિક ખેતી માટે આ સરકાર લગાતાર કૃષિ તાલીમ માટેના ફલકને વિકસાવી રહી છે અને ખેડૂતોને આધુનિક તાલીમ આપીને અનેક પ્રગતિશીલ ખેડૂતો સમૃદ્ધ ખેતી માટે કૃષિના ઋષિ બની ગયા છે. આમાં કિસાન મહિલા શક્તિ પણ ગૌરવ મેળવી રહી છે એમ પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. આ મહિલા કિસાન શક્તિએ મૂલ્યવર્ધિત ખેતીમાં ગુજરાતને નામના અપાવી છે.
કૃષિ તાલીમનું આવકનું મહત્વ સમજાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ, બાગાયત અને પશુપાલનના વ્યવસાયમાં તાલીમ મેળવીને ખેડૂતો માતબર આવક મેળવતા થયા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, જમાનો બદલાઇ ગયો છે. જૂની પુરાણી ખેતી ચાલવાની નથી. જમીનના નાના ટુકડા ઉપર પણ સમૃદ્ધ ખેતી માટે ગ્રીન હાઉસ અને નેટ હાઉસની સમૃદ્ધ ખેતીવાડીનો રસ્તો કિસાનોની નવી પેઢી અને નાના-સિમાંત ખેડૂતો ઝડપથી અપનાવી રહ્યા છે.
ખેડૂતો ખેતીની આધુનિકતાની તાલીમ માટે ખુલ્લા મને વિચારતા થાય તેનો આગ્રહપૂર્વક અનુરોધ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગ અને ખેતબજારોની રૂખના પડકારો વચ્ચે ખેડૂતે જાગૃત બનીને તેની તાલીમ બનાવવી પડે.
યુનિવર્સિટીઓના પ્રશિક્ષણનું મહત્વ ધરાવતા કૃષિ વૈજ્ઞાનિકોને લેબ ટુ લેન્ડ યોજનામાં જોડી દીધા છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ ગ્રામકક્ષાએ યોજાતા વિજ્ઞાન મેળામાં વૈજ્ઞાનિક ખેતીના સફળ પ્રયોગો કેન્દ્રસ્થાને રાખવાનું પ્રેરક સૂચન કર્યું હતું.
ગુજરાતમાં જમીનના આરોગ્ય માટે સોઇલ હેલ્થ કાર્ડની નવી જ દિશા સરકારે અપનાવી છે અને ખેડૂતો સોઇલ હેલ્થ કાર્ડ વિશે તાલીમ લઇને તેનો સક્ષમ ઉપયોગ કરે એમ પણ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ખેતીના પ્રશિક્ષણથી ખેતીવાડીનો ખર્ચ ધટશે, પાક ઉત્પાદન વધશે. આ માટે જિલ્લે જિલ્લે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ચાલી રહ્યા છે તેની સમજ આપી મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યના ખેડૂતો સફળ કૃષિના નવા પ્રયોગો કરી રહ્યા છે. ટપક સિંચાઇનો નવો આયામ ખેડૂતોએ અપનાવ્યો છે એની યાદ આપી જણાવ્યું કે, આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ખેતી વિકાસનું વિષય વસ્તુ પણ કેન્દ્રસ્થાને રહેશે. આપણે બીજા રાજ્યોની આધુનિક ટેકનોલોજી પ્રેરિત બેસ્ટ પ્રેકટીસ અપનાવવા ગુજરાતે પહેલ કરેલી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત બિયારણ માટે જાગૃત બની રહ્યું છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
આદિવાસી ખેડૂત ટેકનોલોજી ખેતી કરતો થાય તે માટે અઢી લાખ ખેડૂતોને તાલીમ આપી છે અને રાજ્યમાં આઠ નવી એગ્રીકલ્ચર કોલેજો સ્થપાશે.