કલક્ત્તાની પ્રબુધ્ધ મહિલાઓના લેડીઝ સ્ટડી ગ્રુપના ડેલીગેશને મુખ્ય મંત્રીશ્રી સાથે સૌજન્ય મૂલાકાત કરી
ગુજરાતના વિકાસથી અત્યંત પ્રભાવિત
ગુજરાતનો અદભૂત વિકાસ કર્યો - ભારત પણ આ જ નેતૃત્વની ઇન્તેજારમાં
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે પશ્ચિમ બંગાળના કલક્ત્તા સ્થિત પ્રબુધ્ધ મહિલાઓના લેડીઝ સ્ટડી ગ્રુપના ૧૫ સભ્યોના પ્રતિનિધિ મંડળે સૈાજન્ય મુલાકાત લીધી હતી. આ લેડીઝ સ્ટડી ગ્રુપ ગુજરાતના વિકાસ મોડેલ અને વિશેષ કરીને નારી સશક્તિકરણ વિશેના રાજ્ય સરકારના અભિનવ આયામોનો અભ્યાસ કરવા ચાર દિવસના ગુજરાતે પ્રવાસે આવ્યું છે.મુખ્ય મંત્રીશ્રી સમક્ષ ગુજરાતના વિકાસથી અત્યંત પ્રભાવિત થયા હોવાનું લેડીઝ સ્ટડી ગ્રુપના પ્રેસીડેન્ટ સુશ્રી શુભા કનોરિયાએ જણાવ્યું હતું અને કલક્ત્તામાં આવીને લેડીઝ સ્ટડી ગ્રુપને ગુજરાતમાં રાજકીય ઇચ્છાશક્તિથી વિકાસની રાજનીતિની સાફલ્ય ગાથા વિશેનું પ્રેરક માર્ગદર્શન આપવા નિમંત્ર ણ આપ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ કલક્ત્તાના પ્રવાસના આયોજન સાથે તેમના નિમંત્રણને સમાવી લેવાનો વિધેયાત્મક પ્રતિભાવ આપ્યો હતો. મુખ્ય મંત્રીશ્રી સાથે આ સૈજન્ય મુલાકાત દરમિયાન લેડીઝ સ્ટડી ગ્રુપની ૧૫ જેટલી બહેનોએ વિશાળ ફલક ઉપર શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક કાર્યશૈલી અને વિકાસના વિવિધ પાસાઓ વિષયક રસપ્રદ પ્રશ્નોતરી કરી હતી. આ પ્રબુધ્ધ મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને જે રીતે વિકાસનું નેતૃત્વ આપ્યું છે તેમ સમગ્ર ભારત પણ આપના નેતૃત્વની પ્રતિક્ષા કરી રહ્યું છે. ગુજરાત જેવી સુખ શાંતિ અને ખુશાલીની દેશના અન્ય પ્રદેશોમાં, અનુભૂતિ કરાવવા તેમણે મુખ્યમંત્રીશ્રી સમક્ષ અભિલાષા વ્યક્ત કરી હતી.
ગુજરાત એક્સપિરિયન્સમાં અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારના પહેલરૂપ નીતિવિષયક પગલા અને અભિયાનો, યુવાશક્તિનું કૈશલ્યવર્ધન, કૃષિ અને જળસંચય, કન્યા કેળવણીની સાફલ્યગાથા, પ્રવાસન વિકાસ, ચૂંટણી સુધારા, શાસન-વ્યવસ્થા, ગુડ ગવર્નન્સ, માતૃ-બાળકલ્યાણ, વોટ બેન્કની રાજનીતિએ દેશની કરેલી દુર્દશા, વિકાસમાં જનશક્તિની ભાગીદારી અને ભારતની મહાન વિરાસત વિશે દેશાભિમાનની ભવ્યતા ઉજાગર કરવા સહિતના અનેકવિધ પાસાઓ વિશે મુખ્ય મંત્રીશ્રીએ સવિસ્તર ભૂમિકા આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીના પ્રેરણાત્મક ચિતંનનો અમૂલ્ય લાભ મળ્યો હોવાનું આ પ્રબુધ્ધ મહિલા પ્રતિનિધિમંડળે આભારસહ જણાવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી કે.કૈલાસનાથન અને સચિવશ્રી અરવિંદ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.