પ્રિય મિત્રો,
આ વર્ષનો ખેલમહાકુંભ સમગ્ર ગુજરાત માટે આનંદ અને સિધ્ધીઓનો ગૌરવરૂપ ઉત્સવ બની રહ્યો. એથેન્સ ખાતે યોજાએલ વિકલાંગો માટેનાં સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવનાર ગુજરાતનાં વિકલાંગ રમતવીરોની એક ટીમે આ વર્ષની શરૂઆતમાં મારી સાથે મુલાકાત કરવાની ઈચ્છા જતાવી. હું તો તેમને મળવા આતુર હતો. મેં તેમને મારા નિવાસસ્થાને આમંત્રણ આપ્યું અને તેમની સાથે બે કલાક વિતાવ્યા. આ મુલાકાત મારા માટે અત્યંત મજાની રહી જેને હું જીવનભર નહિ ભુલી શકું. આ બે કલાક દરમ્યાન મેં જોયું કે આ એથ્લેટ્સમાં દુનિયા જીતવાની મહત્વકાંક્ષા ભરી પડી હતી. દુનિયાને અદભુત કાર્યો કરી બતાવવાનો અદમ્ય જુસ્સો તેમનામાં હતો. તેમનો અદ્વિતિય ઉત્સાહ મારા અંતરનાં ઉંડાણને સ્પર્શી ગયો. મુલાકાત બાદ મેં આ પ્રતિભાશાળી બાળકો માટે કાંઈક કરવાનો નિર્ધાર કરી લીધો. મેં રમતગમત વિભાગની મારી ટીમ સાથે વાત કરી અને આ દિશામાં કામ કરી રહેલાં એન.જી.ઓ અને અન્ય સંગઠનો સાથે પણ વાતચીત કરી.
આ વર્ષનાં ખેલમહાકુંભને આપણે આ પ્રતિભાશાળી રમતવીરોને ઝળકી ઉઠવા માટેનો એક અવસર બનાવી દીધો. આશરે ૬૦,૦૦૦ જેટલાં વિકલાંગ રમતવીરોએ પહેલી વાર આ વર્ષે ખેલમહાકુંભમાં ભાગ લીધો. આ બાબતથી મને જે સંતોષ થઈ રહ્યો છે તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી! આટલી મોટી સંખ્યામાં વિકલાંગ રમતવીરોએ ભાગ લીધો એ એનાં પોતાનામાં જ એક વિક્રમ છે. ઉદઘાટન સમારોહમાં વિકલાંગ રમતવીરોની એક ટુકડીએ માર્ચ-પાસ્ટનું નેતૃત્વ કર્યું એ આપણા સૌ માટે ઘણાં ગૌરવની ક્ષણ હતી. તેમની સફળતા માત્ર તેમનાં કુટુંબ પૂરતી સિમીત નથી પણ સમગ્ર ગુજરાતની સફળતા છે. મને જાણીને ખુશી થાય છે કે આમાંથી ઘણાં રમતવીરોએ પોતાની રમતમાં શ્રેષ્ઠતા કેળવી છે.
વિરેન્દ્ર સહેવાગે જ્યારે પોતાની બેવડી સદીથી રાષ્ટ્રને અભિભુત કરી દીધું હતું ત્યારે ગુજરાતે સાથોસાથ ૧૬ વર્ષીય કોકિલા મોટપિઆએ ક્રિકેટમાં આપેલા પરફોર્મન્સની પણ ઉજવણી કરી. કોકિલા પાસે આંશિક દ્રષ્ટિ હોવા છતાં પણ તેણીએ ખેલમહાકુંભ અંતર્ગત એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૨૧૫ રન ફટકાર્યા. કોકિલા ગુજરાતનાં અંતરિયાળ ડાંગ જિલ્લામાંથી આવે છે. તેણે પોતાની રમતથી અને ખેલકુદ માટે પોતાનાં અદમ્ય જુસ્સાથી આપણાં સૌનાં દિલ જીતી લીધાં. ભૌગોલિક વિસ્તાર કે દ્રષ્ટિની અધૂરપ જેવી બાબતો પણ તેને આમ કરતાં રોકી શકી નહિ.
ખેલમહાકુંભમાં વિકલાંગો માટેની ક્રિકેટ સેમીફાઈનલ દરમ્યાન સરફરાજ નામનાં એક અત્યંત વિકલાંગ રમતવીરે એક જ મેચમાં નવ છગ્ગા ફટકાર્યા. જ્યારે-જ્યારે આવા ખેલાડીઓ પોતાની શ્રેષ્ઠતા બતાવે છે ત્યારે મારું હૈયું અવર્ણનીય આનંદથી ઉભરાઈ આવે છે.
મૌનેશ ભાવસારનો કિસ્સો રમતવીરોની આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહે એવો છે. આ ક્રિકેટપ્રેમીએ ૧૪ વર્ષની ઉંમરમાં જ એક અકસ્માતમાં પોતાનું કાંડુ ખોયું હતું પણ ક્રિકેટ માટે તેનો જુસ્સો અકબંધ હતો. જીવનપર્યંતની આ ઈજા પણ તેને ક્રિકેટથી દુર કરી શકી નહિ. ખેલમહાકુંભમાં વિકલાંગ ક્રિકેટની ફાઈનલ મેચમાં એક અગત્યની ઓવરમાં તેણે માત્ર ચાર રન આપીને વિરોધી ટીમની બે વિકેટ ખેરવી લીધી જેને પરિણામે તેની ટીમ જીતી ગઈ. મૌનેશે સાબિત કરી આપ્યું કે તે જીવનથી ભાગી જનાર માણસ નથી અને પોતાનાં યશસ્વી પરફોર્મેન્સથી તેણે પણ આ જગતમાં પોતાનું સ્થાન અંકિત કરી બતાવ્યું છે.
હ્યદયને સ્પર્શી જાય એવાં સફળતાનાં કિસ્સા તો ઘણાંય છે! આ કિસ્સાઓ માણસની આંખો ખુશીનાં આંસુથી ભરી દે એવા છે. અમદાવાદનાં દિપેન ગાંધી નામનાં ૨૦ વર્ષીય શરમાળ યુવકનાં એક હાથ અને એક પગ સેરેબ્રલ પાલ્સી રોગને કારણે સ્થાનભંગ થઈ ચૂક્યાં હતાં. આ યુવકે બાસ્કેટબોલમાં સુંદર પ્રદર્શન કરી બતાવ્યું અને નેશનલ લેવલ પર પહોંચ્યો. સામાન્ય ઘરમાંથી આવતા માનસિક રીતે વિકલાંગ દેવલ પટેલે સ્પેશિયલ ઓલિમ્પિકમાં કરેલો દેખાવ દિલમાં એક અનેરી લાગણી જન્માવી જાય છે. ઘરની પરિસ્થિતી કે માનસિક અક્ષમતા પણ તેને પોતાને ગમતાં ક્ષેત્રમાં આકાશની ઉંચાઈઓ સ્પર્શતા રોકી શકી નહિ.
મિત્રો, ખેલમહાકુંભ જેવા ઉત્સવો દ્વારા આપણે આપણાં લોકોમાં પડેલી ક્ષમતાઓ અને કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. મારું દ્રઢપણે માનવું છે કે જ્યાં સુધી સ્પોર્ટ્સ એક જનઆંદોલનનું સ્વરૂપ ન લે ત્યાં સુધી તેની પાછળનો સાચો ઉદ્દેશ્ય પાર પડી શકે નહિ. માત્ર મુઠ્ઠીભર ખેલાડીઓ દ્વારા આ ઉદ્દેશ્ય પાર પડી શકે નહિ. દરેક વર્ગ, વિસ્તાર અને વયજૂથનાં લોકોએ મોટાપાયે તેમાં જોડાવું જોઈએ અને તેની સાચી ઉજવણી થવી જોઈએ. આજ કારણે ખેલમહાકુંભ ૨૦૧૧ નાં ઉદઘાટન સમયે મેં દરેકને આ મહોત્સવ માણવાનું આહવાન આપ્યું હતું. મેં લોકોને કહ્યું હતું કે જરા બહાર નીકળીને આ રમતવીરોનાં જુસ્સાને જુઓ અને તમારી અંદર પણ આવો જ જુસ્સો કેળવો, ખેલનાં મેદાનમાં આ રમતવીરોનાં વિજયોલ્લાસનાં અને હારનાં કારણે ઉભી થતી ક્ષણિક નિરાશાઓનાં પણ સહભાગી બનો. જ્યારે માણસ આવું કરે છે ત્યારે તે રમતને સાચી રીતે માણી શકે છે અને પ્રતિભાશાળી વિજેતા ખેલાડીઓનાં આનંદનો અનુભવ કરી શકે છે.
આ વિકલાંગ રમતવીરોની સિધ્ધી મારા દિલમાં જળવાઈ રહેશે. તેમનામાં હું જોઉ છું એક એવો જુસ્સો જે ક્યારેય શમશે નહિ ભલે ગમે તે થઈ જાય. તેમનામાં હું જોઉ છું પડકારોને ઓળંગીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું જોમ અને પોતાની રમતથી દુનિયાને હલબલાવી દેવાનો નિર્ધાર. પોતાની મર્યાદાઓને આ રમતવીરોએ વિશેષ આવડતોમાં પરિવર્તિત કરી છે અને શ્રેષ્ઠતમ સિધ્ધિઓ મેળવી છે. આ રમતવીરોને ઝળકવા માટે અવસર પૂરા પાડતાં રહેવાની મારી નેમ છે. ઉંમર, વિસ્તાર કે શારિરીક ઉણપ જેવી કોઈપણ મર્યાદા તેમને પોતાનાં સપના પૂરા કરવામાં બાધારૂપ ન બને તેવી મારી ઈચ્છા છે. ખાસ તો મને એ વાતનો આનંદ છે કે ખેલમહાકુંભ આ રમતવીરો માટે મોટી સિધ્ધીઓ મેળવવાનું નાનકડું એવું માધ્યમ બની શક્યું છે. આ બાળકોનાં માતાપિતાનો હું આભાર માનું છું અને તેમને ખાત્રી આપવા માંગુ છું કે તેમનાં પ્રતિભાસંપન્ન બાળકો પોતાની સફરમાં એકલા નથી, અમે સૌ તેમની સાથે છીએ, આ સફર જેટલી તેમની છે એટલી જ અમારી પણ છે. સ્વામી વિવેકાનંદ કહેતાં કે, “ગીતાનાં અભ્યાસ કરતાં તમે ફુટબોલની રમતથી ઈશ્વરની વધુ નજીક પહોંચી શકશો.” ખેલમહાકુંભે આ શબ્દોને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યા છે.