પ્રિય મિત્રો,
વસંત પંચમીના અવસર પર આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું.માં સરસ્વતી આપણને અનંત જ્ઞાન અને પ્રજ્ઞાના આશિર્વચન આપે. જ્યારે-જ્યારે પણ આ દુનિયામાં જ્ઞાનનો યુગ આવ્યો છે ત્યારે ભારત પથદર્શક બન્યું છે. 21મી સદી જ્ઞાનની સદી છે અને માં સરસ્વતીના આશિર્વાદથી ફરી એકવાર આપણો દેશ માનવજાતને રાહ બતાવે તેવી અપેક્ષા.
આજે સવારે ગાંધીનગરમાં હું ભારતીય ક્રિકેટ ટીમના ભુતપૂર્વ કપ્તાન અને મહાન ક્રિકેટર કપીલ દેવને મળ્યો. કપીલ દેવની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતી લીધો હતો, જેની યાદો હજૂ પણ દરેક ભારતીયના મન પર તાજી છે.ગુજરાતમાં ગયા મહિને ખેલકૂદનું વાતાવરણ છવાયેલું રહ્યું. ગઇકાલે મેં ખેલ મહાકુંભ 2012-13ના સમાપન સમારોહમાં ભાગ લીધો. સમગ્ર રાજ્યના પ્રતિભાવંત ખેલાડીઓની વચ્ચે ઉપસ્થિત રહેવાનો આનંદ અનેરો હતો. ખેલ અને ખેલદીલીના જુસ્સાના પ્રતિબિંબ સમાન આ વિરાટ રમત મહોત્સવમાં તમામ વયજૂથના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્વર્ણિમ જયંતી વર્ષ દરમિયાન યોજાયેલ ખેલ મહાકુંભનમાં 13 લાખ જેટલાં રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આજે 3 વર્ષના ગાળામાં જ આ આંકડો વધીને 25 લાખે પહોંચી ગયો છે. લગભગ 8 લાખ જેટલી મહિલા ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લઇને આ વિરાટ ઉત્સવમાં નારીશક્તિને ઉજાગર કરી હતી. આ ખેલ મહાકુંભમાં પુરુષ ખેલાડીઓના 43 વિક્રમો અને મહિલા ખેલાડીઓના 29 વિક્રમો સહિત કુલ 72 જેટલાં નવા વિક્રમો નોંધાયા છે.
આ વર્ષના ખેલ મહાકુંભમાં 92,000 જેટલાં વિકલાંગ રમતવીરોએ પણ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં તેમને રમતના મેદાનો પર ઝળહળતો દેખાવ કરતા નિહાળીને અત્યંત સંતોષ થયો. આ દરેક ખેલાડી અનેક વિઘ્નો પસાર કરીને અહીં સુધી પહોંચ્યાં હતાં. ક્યારેય હાર ન માનવાના તેમના જુસ્સાને હું દિલથી સલામ કરું છું. તેમનું મનોબળ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.
વિકલાંગ લોકો માટે ખેલકૂદની સંસ્કૃતિ ઉભી કરવા માટે આપણે તમામ પ્રયત્નો કરી રહ્યાં છીએ. ગયા વર્ષે સ્પેશિયલ ઓલમ્પિકસ ફેમિલિએ એક પત્ર દ્વારા ખેલ મહાકુંભ પાછળ રહેલી સાચી વિભાવનાને બિરદાવી હતી. તાજેતરમાં દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલ વર્લ્ડ વિન્ટર ગેમ્સ (સ્પેશિયલ ઓલમ્પિક્સ)માં ગોલ્ડ મેડલ જીતનાર આપણી ગુજરાતી દિકરી માયા દેવીપૂજકનું મેં સન્માન કર્યું હતું. પોતાની પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં પણ પોતાની પ્રતિબદ્ધતાથી તેણીએ સફળતાના નવા સોપાનો સર કર્યાં. આજે આખું ગુજરાત તેની સિદ્ધિ બદલ ગૌરવ અનુભવે છે.
વર્ષ 2012ના અંત ભાગમાં જો અત્યંત લાંબાગાળા સુધી ચુંટણી આચાર સંહિતાનો અમલ ન રહ્યો હોત તો આપણે વર્ષ 2012માં જ ખેલ મહાકુંભનું આયોજન કરી દીધું હોત. જોકે, આ વર્ષે આપણને બે ખેલ મહાકુંભ જોવા મળશે. એક, કે જેનું સમાપન ગઇકાલે થયું અને બીજો ખેલ મહાકુંભ આ વર્ષના અંત ભાગમાં યોજાશે. ખેલ મહાકુંભથી રમત-ગમતને પ્રોત્સાહન તો મળશે જ પણ સાથે-સાથે રમતના મેદાન પર કૌશલ્ય નિર્માણની પરિસ્થિતિ પણ આકાર લેશે. આપણે માત્ર પ્રતિભાવાન ખેલાડીઓ જ પેદા કરવા માગીએ છીએ તેવું નથી, પરંતુ રમત-ગમત સાથે સંકળાયેલ અન્ય તમામ આનુષાંગિક બાબતોનો પણ વિકાસ કરવા પણ માગીએ છીએ.
છેલ્લાં કેટલાંક દિવસોથી એક બાબત મને સતાવી રહી છે. આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમીટી (આઇઓસી) કુસ્તીની રમત 'આધુનિક' ન હોવાનું ક્ષુલ્લક કારણ આપીને વર્ષ 2020ના ઓલમ્પિક્સમાંથી કુસ્તીની બાદબાકી કરવા અંગે વિચારી રહી છે તે વાંચીને મને આંચકો લાગ્યો છે. જે રમત માનવ સંસ્કૃતિના અત્યંત પ્રાચિનકાળથી ખેલાઇ રહી છે તેને 'આધુનિકતા'ના નામ પર દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ખેલ મહોત્સવમાંથી બાદ કરી દેવાથી વધુ અપમાનજનક બાબત બીજી શું હોય!
ભારતમાં મહાભારતના કાળથી કુસ્તીનો ઉલ્લેખ થતો આવ્યો છે. ઓલમ્પિક્સમાં પણ કેટલાંક એશિયાઇ દેશો કુસ્તીમાં ઘણો સારો દેખાવ કરી રહ્યાં છે. આથી આપણી ફરજ છે કે તમામ એશિયાઇ દેશો, સરકારો અને લોકો સાથે મળીને આ એકપક્ષીય અને કમનસીબ નિર્ણયનો વિરોધ કરે. માત્ર કુસ્તીના ખેલાડીઓ જ આ નિર્ણયનો વિરોધ કરે તે જરૂરી નથી, રમતપ્રેમી તરીકે આપણે સૌએ તેનો વિરોધ કરવો જોઇએ. અને આ માટે આપણે છેક સપ્ટેમ્બર, 2013 સુધી રાહ જોવાની જરૂર નથી કે જ્યારે આ અંગેનો આખરી નિર્ણય લેવાશે. આપણે જો કંઇ કરવું હોય તો આજે જ કરવું પડશે.
હું આશા રાખું છું કે આઇઓસી અન્ય કોઇ ક્ષુલ્લક બાબતોમાં ખેંચાયા વિના માત્ર ખેલ અને ખેલાડીઓના હિતને ધ્યાને રાખીને જ પોતાનો નિર્ણય લેશે.
આપનો,
નરેન્દ્ર મોદી
Watch : Shri Modi addresses the Concluding Ceremony of Khel Mahakumbh 2013 in Ahmedabad